Homeગુર્જર નગરીદંપતી હત્યા કેસઃ આરોપીએ લોહીથી લથપથ હાલતમાં લાશ સાથે લીધી હતી સેલ્ફી

દંપતી હત્યા કેસઃ આરોપીએ લોહીથી લથપથ હાલતમાં લાશ સાથે લીધી હતી સેલ્ફી

Team Chabuk Gujarat desk: અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા મુદ્દે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. નીતિન નામના આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે, તેમણે હત્યા કર્યા બાદ સેલ્ફી પણ લીધી હતી. આરોપીએ હાથમાં છરી રાખી હતી અને ત્યારબાદ સેલ્ફી લીધી હતી. એટલું જ નહીં પૂછપરછમાં આરોપીએ એ પણ કબૂલ્યું છે કે, બહેનને દહેજમાં બૂલેટ આપવાની હતી જેથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

મૃતદેહ સાથે લીધી સેલ્ફી

લૂંટ અને ડબલ મર્ડર કેસના પાંચેય આરોપી હાલ દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન પોલીસે આકરા શબ્દોમાં પૂછપરછ કરી હતી જેમાં બે આરોપીઓએ પોપટની જેમ મોઢુ ખોલ્યું હતું અને લૂંટનો પ્લાન શા માટે અને કેમ ઘડ્યો હતો તે અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. એટલું જ નહીં નીતિન નામના આરોપીએ જ્યારે લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ સાથે સેલ્ફી લેવાની વાત કબૂલી ત્યારે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મૃતદેહ સાથે સેલ્ફી લેનારો આરોપી

દહેજ માટે લૂંટનો પ્લાન

ઝડપાયેલા પાંચમાંથી બે આરોપીની બહેનના લગ્ન હતા જેથી તેમને 2 લાખ રૂપિયાની જરૂર હતી. બહેનના લગ્નના રૂપિયા એકઠાં કરવા માટે જ લૂંટનો સમગ્ર પ્લાન ઘડ્યો હતો. આરોપીઓએ કહ્યું કે, બહેનના લગ્નમાં દહેજરૂપે બુલેટ અને દાગીના આપવાના હતા જેથી રૂપિયાની જરૂર હતી.  નીતિને કબૂલ્યું છે દંપતીના ઘરનો બેલ તેણે જ વગાડ્યો હતો અને ફર્નિચરના ફોટા પાડવા છે તેમ કહી ઘરમા ઘૂસ્યા હતા.બે આરોપીઓએ લૂંટનો હેતુ પોલીસને જણાવી દીધો હતો જો કે, અન્ય ત્રણ આરોપીઓની પૂછપરછ  હજુ ચાલુ છે. પોલીસને આશંકા છે કે, આ ત્રણે આરોપી માત્રને માત્ર રૂપિયાની લાલચે લૂંટમાં જોડાયા હોવાની શક્યતા છે.

બીજા ઘરની પણ કરી હતી રેકી

આ ઉપરાંત આરોપીએ કબુલ્યુ કે, થલતેજમાં વૃદ્ધાના ઘરની રેકી કર્યા પહેલાં તેમણે નવરંગપુરામાં પણ એક ઘરની રેકી કરી હતી. નવરંગપુરામાં પણ વૃદ્ધ દંપતી એકલાં રહેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, નવરંગપુરામાં પણ આરોપી લૂંટ માટે ગયા હતા જો કે, ઘરમાંથી અવાજ આવતો હોવાથી તે ઘરમાં લૂંટ કરી ન હતી.

પોલીસે ચેક કર્યા હતા 200 સીસીટીવી ફૂટેજ

તાજેતરમા જ અમદાવાદના થલતેજ વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી તેમના ઘરમાંથી રોકડ અને દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. આરોપીઓ લૂંટના ઈરાદે જ દંપતીના ઘરમાં ઘૂસ્યા હતા જો કે,  વૃદ્ધને અંદાજો આવી જતા તેણે વિરોધ કર્યો અને આરોપીને ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ઝપાઝપીમાં આરોપીઓએ પહેલાં વૃદ્ધને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. આરોપીએ વૃદ્ધની હત્યાબાદ વૃદ્ધાની પણ હત્યા કરી દીધી હતી. હત્યાબાદ ચારે આરોપીઓ બે બાઈકમાં ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પહેલાં આરોપીઓ હિંમતનગર ગયા હતા ત્યાંથી ચિત્તોડગઢ અને ત્યાથી ગ્વાલિયરના ગિઝોરા પહોંચી ગયા હતા. થોડા દિવસ પહેલાં જ ક્રાઈમબ્રાંચે ચાર આરોપીને ગિઝોરાથી  ઝડપી લીધા હતા. આરોપીને ઝડપવા માટે પોલીસે 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસે આરોપી પાસેથી પાસેથી હત્યામાં વપરાયેલુ હથિયાર, બે બાઈક તેમજ લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વૃદ્ધ દંપતીના ઘરમાંથી 50 હજાર રૂપિયા રોકડા અને સોનાના ઘરેણાં લઈ ગયા હતા.

હાલ પોલીસે આરોપી નીતિનનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે. આ આરોપીએ અન્ય જગ્યાએ લૂંટ કરી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments