Homeગુર્જર નગરીકોર્ટે મેવાણીને જામીન આપીને પોલીસની ઝાટકણી કાઢી, કહ્યું- મેવાણીને કસ્ટડીમાં રાખવા જાણી...

કોર્ટે મેવાણીને જામીન આપીને પોલીસની ઝાટકણી કાઢી, કહ્યું- મેવાણીને કસ્ટડીમાં રાખવા જાણી જોઈને ઘટના ઉભી કરવામાં આવી

Team Chabuk-Gujarat Desk: આસામ પોલીસ દ્વારા ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરાઈ છે ત્યારે આ ધરપકડ ગેરકાયદેસર હોવાના આક્ષેપો સતત લાગી રહ્યા છે. આ તમામની વચ્ચે કોર્ટે પણ આસામ પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

મહત્વનું છે કે, આસામના બારપેટા કોર્ટે ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને મહિલા કોન્સ્ટેબલ પર કથિત હુમલો કરવાના કેસમાં જામીન આપ્યા છે. આ દરમિયાન કોર્ટે આસામ પોલીસ પર જીજ્ઞેશ મેવાણીને ફસાવ્યો હોવાની વાત કરીને પોલીસની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, જો પોલીસની આ પ્રકારની મનમાની રોકવામાં નહીં આવે તો આપણું રાજ્ય એક પોલીસ સ્ટેટ બની જશે.

થોડા દિવસ પૂર્વે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા પાલનપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જીજ્ઞેશ મેવાણી પર આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને તેઓએ ટ્વિટ કર્યું હતું. આ વાંધાજનક ટ્વિટ મામલે આસામના એક ભાજપના નેતાએ ફરિયાદ નોંધાવતા ધરપકડ કરાઈ હતી. ટ્વિટ કરવાના કેસમાં આસામની એક અન્ય કોર્ટ દ્વારા મેવાણીને જામીન આપવામાં આવ્યા પછી 25 એપ્રિલે જીજ્ઞેશ મેવાણીની તરત જ એક પોલીસકર્મી પર હુમલાના કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આસામ કોર્ટે જામીન આપતી વખતે 29 એપ્રિલે આસામ પોલીસની ઝાટકણી કાઢી હતી.

કોર્ટે જીજ્ઞેશ મેવાણીને જામીન આપવાના તેમના આદેશમાં ગુવાહાટી હાઈકોર્ટને રાજ્યમાં પોલીસની ગેરવર્તણૂક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એક અરજી પર ફેરવિચારણાં કરવાની અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત એવું પણ કહ્યું છે કે, આસામ પોલીસે બોડી કેમેરા પહેરવા અને પોતાના વાહનો પર સીસીટીવી કેમરા લગાવવાનો આદેશ આપે. જેથી આરોપીની ધરપકડ કરવામાં આવે ત્યારે જે પણ ઘટના બને તેને કેદ કરી શકાય અને સત્ય જાણી શકાય.

કોર્ટે વધુમાં કહ્યું છે કે, મહિલા પોલીસ કર્મીએ FIRમાં કઈક અલગ કહ્યું છે અને મેજિસ્ટ્રેટની સામે અલગ નિવેદન આપ્યું છે. મહિલા પોલીસકર્મીના નિવેદનને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે, જીજ્ઞેશ મેવાણીને કસ્ટડીમાં રાખવા માટે આ જાણી જોઈને ઉભી કરવામાં આવેલી ઘટના છે.

જામીન મળ્યા પછી જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, આસામમાં ભાજપ સત્તામાં છે. વડાપ્રધાન મોદીની વિરુદ્ધમાં તેની ટ્વિટના કારણે ધરપકડ અને મહિલા કોન્સ્ટેબલ પર કથિત હુમલાનો વિવાદ સત્તાધારી પાર્ટીના હાથમાં છે. ભાજપે એક મહિલાનો ઉપયોગ કરીને તેની સામે કહાની ઉભી કરી છે, જે કાયરતાનું કામ છે.

મેવાણીએ કહ્યું કે, તેની ધરપકડ સામાન્ય નથી. આ ધરપકડ PMOમાં બેઠેલા રાજકીય સાહેબોના આદેશ અંતર્ગત કરવામાં આવી છે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં ચૂંટણી આવતી હોવાથી ભાજપ આવી હરકતો કરી રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments