Team Chabuk-Gujarat Desk: દેશભરમાં કેન્દ્ર સરકારે રસીકરણને વેગ આપવા માટે 21 જૂનથી નિયમોમાં છૂટછાટ આપી છે. પ્રી રજિસ્ટ્રેશનના નિયમને દૂર કરીને સ્પોટ રજિસ્ટ્રેશનથી રસીકરણની સુવિધા શરૂ કરવામાં આવી છે. પરંતુ હવે ઘાટ એવો સર્જાયો છે કે રસીકરણ કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં અંધાધૂંધીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ઘણી જગ્યાએ પૂરતી રસી ન આવતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. જામનગર શહેરમાં પણ પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ન આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
જામનગર શહેરમાં રસીના ડોઝ પૂરતા પ્રમાણમાં ન આવતા હોવાથી સરકારી તંત્ર લોકોને રસી આપવામાં નિષ્ફળ ગયું છે. કેન્દ્રો પર વેક્સિન ન હોવાથી લોકોમાં અંધાધૂંધી ફેલાઈ રહી છે જેના કારણે રસીકરણ કેન્દ્રો પર પોલીસને દોડી જવું પડી રહ્યું છે. રસીકરણ કેન્દ્રો પર કોરોના રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાથી હાજર સ્ટાફ સાથે લોકો રકઝક કરી રહ્યા છે. જેથી તંત્રએ રસીનો જથ્થો વધારવાને બદલે રસીકરણ કેન્દ્રો ઘટાડી દેવાની સુચના મળી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
જામનગર શહેરમાં એક સમયે 30 રસીકરણ કેન્દ્રો ધમધમતા હતા. પરંતુ હવે રસીની અછત ઉભી થતાં તેમજ હાલ માત્ર 11 રસીકરણ કેન્દ્ર જ કાર્યરત છે. જે રસીકરણ કેન્દ્રો પર લોકોનો ધસારો રહેતો હતો તેવા કેન્દ્રો પણ બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં 18 વર્ષથી ઉપરના લોકોને કોવિશીલ્ડ રસી માટે 11 કેન્દ્રો જાહેર કરાયા છે. જેમાં મોમાઈનગર, ગોકુલનગર, નાનકપુરી, ગુલાબનગર, બેડી, દિગ્વિજય પ્લોટ, વિકાસગૃહ, સજુબા સ્કૂલ, એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ, રણજીતનગર પટેલ સમાજ અને શાળા નંબર 26 ખાતે જ રસીકરણ ઝુંબેશ ચાલુ રખાશે. આજે જામનગર શહેરમાં માત્ર કોવિશીલ્ડ રસી જ આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સતત પાંચમાં દિવસે રસીનો જથ્થો ખૂટ્યો
જામનગર શહેરમાં હાલ 11 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે. સતત પાંચ દિવસથી રસીકરણ કેન્દ્રો પર રસીનો પૂરતો જથ્થો નથી આવી રહ્યો. રસીકરણ કેન્દ્રો પર અપૂરતા રસીના જથ્થાના કારણે અનેક લોકોને ડેલીએ હાથ દઈને પાછા જવાનો વારો આવ્યો હતો. રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ એકઠી થઈ રહી છે. રસીનો પૂરતો જથ્થો ન હોવાના કારણે લોકોને ધરમનો ધક્કો થયો હતો. રસીનો જથ્થો ન હોવાના કારણે ઘણી જગ્યાએ લોકો અને રસીકરણ કેન્દ્રો પર હાજર સ્વાસ્થ્ય વિભાગના સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાવાના પણ બનાવો સામે આવી રહ્યા છે. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા રસીકરણ કેન્દ્રો પર હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવાયો છે.
આજે નીલકંઠ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ સેન્ટર પર રસીનો અપૂરતો જથ્થો હોવાના કારણે લોકોની ભીડ એકત્ર થઈ હતી અને આરોગ્યના કર્મચારીઓ સાથે ઘર્ષણ થતાં દોડધામ મચી ગઈ હતી. જો કે બાદમાં મામલો શાંત પડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત