Team Chabuk-Gujarat Desk: મેરેથોન દોડ ગૌરવ અપાવે પણ મેરેથોન માંદગી દર્દીને અને તેના પરિવારને થકવી દે. એક તબીબો અને આરોગ્ય કર્મચારીઓ જ છે જે મેરેથોન જેવી લાંબી માંદગી ભોગવતા દર્દીની સારવાર હાર્યા કે થાક્યા વિના કરે છે. દર્દી અને તેના પરિવારજનોને હિંમત અને સધિયારો આપે છે અને દર્દીને સાજા કરવાના શક્ય તેટલા પ્રયત્નો,પોતાના તબીબી જ્ઞાન અને અનુભવને કામે લગાડી નિષ્ઠાપૂર્વક કરે છે. કોરોનામાં અને હાલમાં મ્યુકોરમાં પણ ઘણાં એવા દર્દીઓ આવ્યા જેમની સારવાર ખૂબ લાંબી ચાલી. અનેક જટિલતાઓ સારવાર દરમિયાન આવી પરંતુ તબીબો અને તેમની ટીમે થાક્યા વગર પ્રયત્નો કરતાં રહી આવા દર્દીઓને સાજા કર્યા અને એમની પ્રાણ રક્ષા કરી.
આવા જ એક દર્દી છે. માત્ર ૨૫ વર્ષની ઉંમરના રેખાબેન વસાવા જેમને ગંભીર હાલતમાં અને ત્રણ પ્રકારના કોરોના વકરાવતા સહરોગો સાથે તા.૭મી મેના રોજ વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ૪૦ જેટલું નીચું આવી ગયું હતું અને ટ્રાયેજમાં એક્સ રે લીધો તો ફેફસાંમાં ૮૦ થી ૮૫ ટકા ચેપ પ્રસરી ચૂક્યો હતો.
હાલતને વધુ વકરાવતી વાત એ હતી કે આ યુવાન દીકરી હાયપો થાયરોઈડ, વધુ પડતી મેદસ્વિતા અને ડાયાબિટીસથી પીડિત હતી. આ સહરોગો કોરોના વધારે છે. કેસને કોમ્પ્લિકેટેડ બનાવે છે અને જાણે કે તબીબોની કુશળતાની આકરી કસોટી કરે છે.
છતાંય, સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં ડો. મીનલ શાસ્ત્રી અને ડો. જયા પાઠકના અનુભવી માર્ગદર્શન હેઠળ અને સાથે સાથે વેન્ટીલેટર સારવારના નિષ્ણાત એનેસ્થેટિસ્ટ ડો.મમતાબેન પટેલ અને ડો. દેવયાની દેસાઈના દિશાનિર્દેશો હેઠળ દર્દીને સીધા વેન્ટિલેટર પર મૂકી સારવાર ચાલુ કરવામાં આવી. આ ચારેય મહિલા તબીબોએ ખૂબ ખંત તેમજ એકાગ્રતાથી મહેનત કરી આ મેડિકલી ચેલેન્જ દર્દીની જીવન રક્ષા થાય એવો સારવાર પથ નિર્ધારિત કર્યો છે.
હવે સતત ૫૭ દિવસથી ચાલી રહેલી તેમની મેરેથોન સારવાર રંગ લાવી છે. હાલમાં આ દર્દી કોરોનામુકત થયાં છે પરંતુ હજુ પણ સારવારની જરૂર હોવાથી તેઓ નોન કોવિડ વોર્ડમાં દેખરેખ અને સારવાર હેઠળ છે. તેઓ રોગની ગંભીરતાના ઓછાયામાંથી મુક્ત થયાં છે અને હાલમાં તેઓ કોવિડ નેગેટિવ હોવાથી તેમના પરિવારજનો તેમની સાથે રહી શકે છે. તેમને મળી શકે છે એટલે બધાં ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે.
તેમની સારવાર દરમિયાન અનેક ઉતાર ચઢાવ આવ્યા. શરૂઆતમાં તેમની હાલત સુધરતાં વેન્ટિલેટરની જરૂર ન રહેતા તેમને એન.આર.બી.એમ. પર મૂક્યા. ફરી હાલત બગડતા પાછા વેન્ટિલેટર પર લેવા પડ્યા. થોડાક દિવસ તો હાલત જૈસે થે રહી પરંતુ ડોકટરોની સાથે આ દર્દીએ જીવવું છે ના ઝનૂન અને આત્મ વિશ્વાસ સાથે સારવાર લીધી. તેના પગલે હાલત સુધરી. ઓક્સિજન હેઠળ spo 2 વધીને ૯૦ ની ઉપર થયું. વેન્ટિલેટર પરથી પાછા એન.આર.બી.એમ અને તે પછી સાદી નળી વાટે ઓક્સિજન લેતાં થયાં.
હાલમાં લગભગ ૫૭ દિવસ પછી પણ તેમની સારવાર તો ચાલુ જ છે પરંતુ હવે તેઓ કોવિડ નેગેટિવ છે. નોન કોવિડ વોર્ડમાં છે. એમના સ્વજનો એમની સાથે છે અને ક્યારેક જરૂર જણાયે સાદો ઓક્સિજન આપી તેમની સારવાર ચાલી રહી છે.
દર્દીનો વિશ્વાસ અને તબીબો, આરોગ્ય કર્મચારીઓની મહેનત જીતની નજીક છે. સરકારી દવાખાનું આ દર્દી માટે જીવન રક્ષક આરોગ્ય તીર્થ બન્યું છે. તેમને રેમડેસિવિર અને ટોસી સહિતના મોંઘા ઇન્જેક્શન અને જરૂરી દવાઓ આપવામાં આવી છે. સહુ તેઓ જલ્દી સાજા અને સ્વસ્થ થઈને ઘેર જાય એ માટે પ્રાર્થના અને બનતા તબીબી પ્રયત્નો કરી રહ્યાં છે.
રેખાબેનનું ધૈર્ય અને આત્મ વિશ્વાસ અન્ય હતાશ દર્દીઓને આશા બંધાવે તેવા છે. જિંદગીનો જંગ જીતવાની પ્રેરણા આપનારા છે. તો તબીબો અને આરોગ્ય કર્મચારીઓનો કર્મયોગ સરકારી આરોગ્ય સંસ્થાઓની સેવાઓમાં વિશ્વાસ દ્રઢ કરનારો છે.
રેખાબેનની કોવિડ મુક્તિનો આનંદ વ્યક્ત કરતાં કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.જણાવે છે કે, મોડરેટ અંદાજ મૂકીએ તો પણ ખાનગી દવાખાનામાં આ દર્દીનો સારવારનો ખર્ચ રૂ.૬૦ થી ૭૦ લાખ થાય જ્યારે સયાજી હોસ્પિટલમાં સારવાર લગભગ વિનામૂલ્યે થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત