Homeગુર્જર નગરીકડીમાં તિરંગા રેલીમાં નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં સારવાર માટે ખસેડાયા

કડીમાં તિરંગા રેલીમાં નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં સારવાર માટે ખસેડાયા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રખડતાં ઢોરનો અતિશય ત્રાસ વધી રહ્યો છે. રખડતાં ઢોરના કારણે અત્યાર સુધી અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે અને ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. પરંતુ પ્રથમ વખત રાજ્યમાં કોઈ નેતાને રખડતાં ઢોરનો કડવો અનુભવ થયો છે. વાત જાણે એમ છે કે, આજ રોજ મહેસાણાના કડીમાં નીકળેલી ભાજપની તિરંગા યાત્રામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.

કડીમાં નીકળેલી ભાજપની તિરંગા યાત્રામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા. રેલી જ્યારે કરણપુર શાકમાર્કેટ પાસે પહોંચી તે દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી અને નીતિન પટેલને અડફેટે લઈ લીધા. ગાયે અડફેટે લેતાં નીતિન પટેલના ઢીંચણના ભાગે ઈજા થઈ છે. જેથી તેઓને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, ગુજરાતમાં રોડ પર રખડતાં ઢોરનો ત્રાસ છે. રખડતાં ઢોરના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી જેના કારણે શહેરીજનો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે. સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. જોકે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.

ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા 2012માં 2.92 લાખ હતી અને 2019માં વધીને 3.43 લાખ થઈ ગઇ છે. આમ, 7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી.

અત્યાર સુધી આ સમસ્યાનો ભોગ આમ જનતા બનતી હતી જો કે હવે રાજ્ય સરકારના જ એક દિગ્ગજ નેતાને આ સમસ્યાનો ભોગ બનવું પડ્યું છે ત્યારે હવે સરકાર આ અંગે કોઈ કડક પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments