Homeગુર્જર નગરીદૂરદર્શનનના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમારની અથાગ મહેનતનું પરિણામ જ્યારે સફળતામાં રૂપાંતરિત થયું

દૂરદર્શનનના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમારની અથાગ મહેનતનું પરિણામ જ્યારે સફળતામાં રૂપાંતરિત થયું

Team Chabuk-Gujarat Desk: (સંપાદકીય નોંધઃ તાજેતરમાં જ એક વેબ સિરીઝે ખૂબ ચર્ચા જગાવી છે. આ વેબ સિરીઝ છે એસ્પીરેન્ટ્સ, તમારામાંથી ઘણા ખરા લોકોએ જોઈ હશે, ઘણાએ નહીં પણ જોઈ હોય પરંતુ હાલમાં આ વેબ સિરીઝના કારણે સમગ્ર દેશમાં સિવિલ સર્વિસિસની તૈયારી કરતા તમામ ઉમેદાવોરમાં અથવા તો સિવિલ સર્વિસમાં જવા માંગતા સ્વપ્નશીલોમાં રોમાંચ છે. ખેર વેબ સિરીઝની વાત એના સ્થાને છે પરંતુ તેના અનુસંધાનમાં જ દેશના એવા કેટલાય સિતારાઓની કહાણીઓ બહાર આવી રહી છે જેમણે આ ક્ષેત્રમાં અથાગ સંઘર્ષ કરીને સફળતા મેળવી હતી. આજે અમે અહીંયા એક એવી જ ‘સક્સેસ સ્ટોરી’ રજૂ કરવા જઈ રહ્યા છે જે આપનું જીવન બદલી શકે છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરનારા અને હાલમાં દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત ઉત્સવ પરમારની. તેમણે આ સક્સેસ સ્ટોરી પહેલાં લખેલી છે પરંતુ તેમની આ સાફલ્ય ગાથા કોઈ પણ કાળખંડમાં યુપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને બળ આપશે. કઈ કેટલીય મુસીબતો અને અથાક મહેનતનું પરિણામ જ્યારે સફળતામાં રૂપાંતરિત કેવી રીતે થતું હોય છે તેનો આ ફર્સ્ટ હેન્ડ એક્સપિરીયન્સ અમારા વાંચકો માટે પ્રસ્તુત છે )

——

કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી……!!!

ઉત્સવ પરમાર: પોતાની વાત કહેવા જેટલો દૂર આવ્યો છું કે નહિ તે ખબર નથી કેમ કે આંખ ખોલીને જોઉં છું તો ચારે બાજુ સંઘર્ષ છે. એક થાકેલો કોન્સ્ટેબલ આખા દિવસની ડયૂટી પછી રાતે સોડાવાળા પાસે ઉભો છે, શાકભાજી વેચીને એક માજી નાના બલ્બના અજવાળાંમાં પૈસા ગણી રહ્યા છે, ચાર પૈસા માટે એક સફાઈ કામદાર દુર્ગંધના દરિયામાં ઉતરી રહ્યો છે, બિલ્ડીંગના ચોથા માળને જોઇને વ્હીલચેર પર બેસેલી છોકરી ગ્રાઉન્ડ ફ્લોર પર મૂંઝાઈ રહી છે, સ્કૂલ પતાવ્યા પછી એક છોકરીને મમ્મી સાથે બંગલાઓમાં વાસણ ઘસવા જવું પડે છે. દરેક માણસ સંઘર્ષરત છે, દરેક એની લડાઈ લડી રહ્યો છે, મારા સંઘર્ષ પણ આવી જ કોઈ બૃહદ પ્રક્રિયાનો ભાગ છે જેમાંથી હું થોડી વાત કહી શકું કદાચ !

ઓફિસર બનવાનો વિચાર કર્યો ત્યારે સ્કૂલમાં હતો. સાતમા કે આઠમાં ધોરણમાં. બહુ ખબર નહોતી પડતી. લાલ બત્તીનું રોમેન્ટીક આકર્ષણ હતું કદાચ અથવા ગાંધીનગર જેવા સરકારી શહેરમાં સર્વોતમ ઉપલબ્ધ ઉદાહરણ આ પ્રકારના જ હતા. મારા પપ્પા અને એમના મિત્રોની વાતોમાં આવતા “સાહેબો”ના રેફરન્સ પણ હજી સ્મૃતિમાં ગોઠવાયેલા છે. અલબત્ત, આ પ્રેરણા મમ્મી-પપ્પા,અમુક શિક્ષકો, છાપા અને ગાંધીનગરની સરકારી પૃષ્ઠભૂમિમાંથી મળી એમ કહી શકાય. વાંચવાનો શોખ તો હતો જ, રાષ્ટ્રીય કક્ષાના અખબાર પણ વાંચવાના થોડા થોડા શરુ કર્યા. સિવિલ સર્વિસિસની તૈયારી કરવાનું શરુ કર્યું ત્યારે મનમાં સંશય હતો. કોલેજ પૂરી થઇ ગઈ હતી, રોજગારી અને ભવિષ્યના પ્રશ્નો તીવ્રતાથી ઊભા થઇ રહ્યા હતા. કોલેજના મિત્રોની શાશ્વત લાગતી દુનિયા હવે આભાસી સત્ય બની રહી હતી. સિવિલ સર્વિસ ક્રોનિકલ અને પ્રતિયોગિતા દર્પણ જેવા સ્પર્ધાત્મક પરીક્ષાના મેગેઝીન્સમાં ટોપર્સના ઇન્ટરવ્યુ વાંચતા વાંચતા મારી લઘુતા મોટી થતી જતી હતી. મનમાં થતું કોઈ પટનામાં બેસીને દિવસના ૧૮ કલાક વાંચી રહ્યું હશે તો જયપુરમાં કોઈ આખી રાત જાગીને જાડી જાડી ચોપડીઓ વાંચી રહ્યા હશે. ચાની કીટલી પર જઉં તો વર્ષોથી તૈયારી કરી રહેલા પરીક્ષાર્થીઓ બંધારણની કલમોનો હવાલો આપી ચાર કલાક પહેલા બનેલી ઘટનાઓનું ચાની ચૂસકીઓ સાથે પોસ્ટ મોર્ટમ કરી રહ્યા હતા. એ સાંભળીને સાથે લીધેલો મસ્કાબન પણ મુસીબતથી ગળા નીચે ઉતરતો. પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરવાની હતી.

૨૦૧૨ના જૂનમાં કોલેજ પૂરી થઇ એના એકાદ મહિના પછી સ્પીપાની પરીક્ષા હતી. ફેઈલ થયો. કલર્કની બીજી એક પરીક્ષા આપી, ના થયું. જનરલ નોલેજની જે ચોપડીઓ વાંચીને સ્કૂલ-કોલેજની કોમ્પીટીશન જીતી હતી એ બધી ફાડી નાખવાનું મન થયું. મારો આત્મવિશ્વાસ ડગી રહ્યો હતો. આ બધી તૈયારીના શરૂઆતના પાંચ-છ મહિનાની વાત છે. એક મિત્રની સલાહથી ટ્રસ્ટની લાયબ્રેરી જોઈન કરી. ગાંધીનગરથી અપડાઉન કરતો. જ્યાં સુધી પૂરેપૂરું બેઝીક વંચાઈ ન જાય ત્યાં સુધી કોઈ પરીક્ષા નહિ આપું એવો નિર્ધાર કર્યો. અને પછી મારે રોજ નવી લડાઈઓ લડવાની હતી, ખાસ તો પોતાની જાત સાથે. કેમ કે સાથે ભણતા મિત્રો કા તો માસ્ટર્સ કરી રહ્યા હતા, કા તો કોઈ ફાર્મા કંપનીમાં નોકરી મેળવી લીધી હતી, કા તો કેનેડા જવાની તૈયારીઓમાં હતા. ફેસબુકમાં દેખાતો ડિપ્રેશનનો ભૂરો રંગ વધુ ઘેરો હતો. ફેસબુકમાં કોઈની પોસ્ટ આવતી ચેકના ફોટા સાથે, “માય ફર્સ્ટ સેલેરી” અને હું ઝૂમ કરીને એમાંની રકમ વાંચતો. ક્લાસમાં સાથે ભણતી છોકરીઓના લગ્ન થઇ રહ્યા હતા, છોકરાઓનું નક્કી થઇ રહ્યું હતું. બધાંના જીવનમાં ગતિ હતી હતી અને મારા જીવનમાં એક જ સ્થિતિ હતી જેની કોઈ સ્થાપકતા નહોતી. લાયબ્રેરીની બારી બહાર ચોરસ વાદળ વગરનું નિર્જીવ આકાશ દેખાતું અને લાયબ્રેરીની શાંતિમાં બાજુવાળાના શ્વાસનો અવાજ પણ ક્યારેક સ્પષ્ટ સાંભળી શકાતો. એ સમયમાં બહારના અવાજ બહુ ઓછા સાંભળ્યા પણ અંદર બહુ બૂમો પડતી,ઘોંઘાટ થતો. એવા ઘોંઘાટમાં ધ્યાન કેન્દ્રિત કરીને વાંચવાનું હતું. પણ મજા પડી રહી હતી, ભારતની –આ દેશની નવી નવી પરતો ખૂલી રહી હતી. છાપામાં છપાતાં જીડીપીના આંકડા સાથે હું હવે વાત કરી શકતો હતો, કપાસની ગુલાબી ઈયળનો પ્રશ્ન પણ સમજી શકતો, તો પથ્થરોની કોતરણીમાં પણ સંતાયેલી કવિતા વાંચી શકવાની ક્ષમતા પેદા થઇ ગઈ હતી, તથ્ય અને કલ્પના વચ્ચેની વાસ્તવિકતાનો નવો છંદ લયસ્તરોમાં નવા સ્પંદન પ્રગટાવી રહ્યો હતો. હું પોતાની અંદર જ બીજા કોઈ વ્યક્તિના જન્મને જોઈ શકતો હતો. તર્ક કરવાની તાકાત પેદા થઇ રહી હતી. ધીમે ધીમે ! બહારથી કોલાહલની શાંતિ હતી પણ અંદર હિરોશીમાનો કિરણોત્સર્ગી વિસ્ફોટ થઇ રહ્યો હતો. સર્જન અને વિનાશની વચ્ચે નવા નવા વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું.

મનમાં જે કાઈ ચાલતું હોય પણ મારી પાસે એક પેટ હતું અને પેટમાં હતી ભૂખ. રોજની જાવક હતી, બસની ટિકિટ, લાયબ્રેરીની ફી, ચા –નાસ્તો, મટીરીયલ, ઝેરોક્સ, છાપા બધાંના કોઈને કોઈ ખર્ચ હતાં. પાસે વડાપાઉંની એક લારીવાળો હતો, ૧૫ રૂપિયાનો વડાપાઉ સાંજે પેટમાં ડિનર સુધી ખેંચી શકાય અને વાંચી શકાય એટલું ફયુલ ભરી આપતો ! એક દિવસ એણે પાંચ રૂપિયા ભાવ વધારી દીધો અને મારું ગણિત ખોરવાઈ ગયું. સાત રૂપિયાની ચા દસમાં મળવા લાગી ત્યારે પણ એવું જ થયું હતું. લાયબ્રેરીની ખુરશીમાં બેઠા બેઠા બેકારી ખૂંચતી. ક્યારેક વાંચતા વાંચતા નવા નવા બિઝનેસ આઈડિયા આવતા, તો ક્યારેક એમ મન થયા કરતુ કે કોઈ વિષયમાં ઊંડું રીસર્ચ કરી એના વિશેષજ્ઞ બની જઈએ. રવિવારની સુસ્ત બપોરોની આળસ દિલ ભારે કરી નાખતી. ક્યારેક ૮-૯ કલાક ચોપડીમાં આંખો ઠસાવી હોય પણ ખોપડીમાં કઈ ના ગયું હોય તો ક્યારેક ફક્ત ૨ કલાક વાંચીને આખો કન્સેપ્ટ પાકો કરી લીધો હોય. આમ તૈયારીનું ચક્ર ઉતાર ચડાવ સાથે ચાલતું અને સમયનું ચક્ર…

અંદરની લડાઈઓ ધીરે ધીરે જીતવા લાગ્યો પછી તેની અસર બહાર પણ દેખાવા લાગી ! સ્પીપાની પ્રવેશ પરીક્ષામાં પાસ થયો, એ દિવસે હું બહુ ખુશ હતો બહુ વખતે હૈયાધારણ આપે એવી સફળતા મળી હતી. ત્યાં મારા જેવા ઘણા બીજા લોકો હતા, દરેક પાસે પોતાની વાર્તા હતી. સંઘર્ષની પોતાની કથા હતી પણ સૌનું લક્ષ્ય એક જ યુ પી એસ સી. ! સ્પીપાનું વાતાવરણ પણ ધમધમતું રહેતું, આમ ત્યાં શાંતિ રહેતી પણ લોકોના મગજમાં તોફાન ફર્યા કરતુ. બધાની ડેસ્ક પર અન્ડરલાઈન કરી કરીને ઘસી નાખેલા થોથા હતા, જાડી જાડી ચોપડીઓમાં મો સંતાડીને બધાં વાંચી રહ્યા હતા. બધું ડર લાગે એવું હતું, બધું ઉત્સાહ આપે તેવું પણ હતું. શરુ શરુમાં આર્મીના વેટરન જેવા જૂના વિદ્યાર્થીઓ સલાહો આપતા, ના સાંભળી હોય તેવી બુક્સનું લિસ્ટ કાને પડતું જાય ત્યારે એમ લાગે કે કેટલું બધું વાંચવાનું બાકી છે. પાછળથી ખબર પડેલી કે દરેક વ્યક્તિ પાસે આવા પોતીકા સંદર્ભ હોય છે. બધું વાંચવું જરૂરી નથી, યોગ્ય વાંચવું જરૂરી હતું. મોસમ બદલાતાં ગયા, પણ બહારની દુનિયાથી અલગ સ્પીપાનો માહોલ કઈ જુદો જ રહેતો. કોઈ સરકારી પરીક્ષાનું રિઝલ્ટ આવે ને સ્પીપામાં નાનકડો તહેવાર ઉજવાઈ જતો. કોઈક તો નીકળ્યું જ હોય. તમને બી એમની ખુશી જોઇને હૈયે આશા બંધાતી જાય….કે વો સુબહ કભી તો આયેગી !!

૨૦૧૩ના મે મહિનામાં પ્રિલિમ્સ આપેલી, ઓગસ્ટમાં રિઝલ્ટ આવેલું. મને યાદ છે, “શિપ ઓફ થીસીયસ” જોઇને બહાર નીકળ્યો હતો, હળવો વરસાદ હતો અને હું ફિલોસોફીમાં પરોવાયેલો હતો અને તે જ દિવસે રિઝલ્ટ આવ્યું. ફિલોસોફી નીકળી ગઈ અને વાસ્તવિકતા આંખ સામે ફાટવા લાગી. રિઝલ્ટ નેગેટીવ હતું. કોઈ પ્રતિક્રિયા નહોતો આપી શક્યો હું. પાછલા આખા વરસની મહેનતનો સરવાળો અંતે શૂન્ય થયો હતો, બીજી પ્રિલિમ્સ છેક આવતા વરસે ઓગસ્ટમાં હતી. મનમાં શૂન્યાવકાશ પેદા થઇ ગયો. કોઈ બ્લેકહોલનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ મને ખેંચી રહ્યું હોય એવું મને લાગ્યું. મારો બધો ઉત્સાહ એક સેકન્ડમાં જ સૂકાઈ ગયો. એ મહિનો બહુ ખાલી ગયો હતો. મારી સામે ફરી પ્રશ્નો ઉભા થયા. શું હું સાચે રસ્તે છું? શું હું ખરેખર કેપેબલ છું..? એવા સવાલો હતા જેનો જવાબ કોઈની પાસે નહોતો, પપ્પા રીટાયર થઇ ચૂક્યા હતા. મૂંઝવણ જાણે શાશ્વત લાગતી. એ જ વર્ષના અંતિમ ભાગમાં એક મિત્ર સાથે મળીને નાટક લખ્યું, મારી ઉર્જાને અન્ય રચનાત્મક બાજુ તરફ વાળી નાટકની સફળતાએ મારી જીવંતતા જાળવી રાખી. એક જીવલેણ અકસ્માત પણ આ જ ગાળામાં થયો પણ ફક્ત દસ દિવસ પહેલા જ ખરીદેલા હેલ્મેટના કારણે હું બચી ગયો. મન તૂટ્યું હતું, શરીર પણ તૂટ્યું 

પણ ફરી પાછુ બધું ભેગું કરવા લાગ્યો. ૨૦૧૪નો ઓગસ્ટ આવી ગયો, પાછલા વરસના ફડકા સાથે પ્રિલિમ્સ આપી…રિઝલ્ટ આવ્યું…અને યેસ આ વખતે પ્રિલિમ્સનો પહેલો કોઠો ભેદી નાખ્યો. મેઈન્સ માટે ફક્ત ૨ મહિના હતા, ઢગલાબંધ કોર્સ હતો. ૯ પેપર અને દિવસના ૬ કલાક લખવાનું હતું. એમ જ લાગતું કે નહિ જ થાય પણ લાગી ગયા. બહાર દિવાળીના ફટાકડાં ફૂટતા હતા અને અમે બધાં લાયબ્રેરીમાં પજવણી અને ઉજવણી વચ્ચે વાંચી રહ્યા હતા. જેમ જેમ મેઈન્સ નજીક આવતી ગઈ વાંચવાના-ચર્ચાના કલાકો વધતા ગયા. દસના બાર, બારના ચૌદ અને ક્યારેક ચૌદના અઢાર…દાઢી વધી ગઈ હતી, અરીસામાં જોવાનો પણ જાણે સમય નહોતો….! તબિયત પર માઠી અસરો પડવાની શરુ થઇ ગઈ હતી. આ બધાં વચ્ચે પરીક્ષા શરુ થઇ અને બીજા જ પેપર વખતે મને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું. આખી રાત ઉલટીઓ થઇ, ઊંઘી શક્યો નહોતો… શરીરમાં પાણીનું ટીપું પણ ટકતું નહોતું. પથારીમાંથી ઊભા થવાની તાકાત નહોતી, શરીર લોચો થઇ ગયું હતું. અને આ તો ૬ કલાક લખવાનું હતું. બે પેપર જેમાં મગજની તમામ શક્તિઓ લગાડીને સમય સાથે રેસ કરવાની હતી. મિત્રોએ હિંમત વધારી, મને થયું બેભાન પડી જઈશ પણ એક્ઝામ હોલમાં તો જઈશ જ અને પછી હું ગ્લુકોઝનું પાણી અને થોડી દવાઓ લઈને બેઠો પરીક્ષામાં, મન વધુ મક્કમ કર્યું, શરીર સાથે ૬ કલાક જેટલી શક્તિ પેદા કરવાના કરાર કર્યા અને લખવા બેઠો. લખતા લખતા ક્યારેક એવું લાગતું કે હાથમાં પકડ છે જ નહિ… ઉબકા આવ્યા કરતા પણ લખતો ગયો અને જેવા બંને પેપર પૂરા કર્યા એવો જ લથડી પડયો અને સીધો દવાખાને ! હજી અડધા કરતા વધારે પરીક્ષા બાકી હતી. દવાઓના હેવી ડોઝ સાથે બાકીની પરીક્ષા આપી. શરીર, મન અને સમય સાથે મારો તુમૂલ સંઘર્ષ ચાલ્યો મારા મનની શક્તિનો અંદાઝ પણ હું લગાડી શક્યો… !

મેઈન્સના રિઝલ્ટ માટે પણ સારી એવી રાહ જોવી પડેલી સૌથી અઘરું હોય છે પરિણામની રાહ જોવી. અને યુ પી એસ સીની પરીક્ષાના બધાં તબક્કામાં રાહ જોવાની પ્રક્રિયા જ મારી નાખે એવી હોય છે…! ધીમે ધીમે ચપ્પાની ધાર તમારી આરપાર ઉતરતી હોય અને તમે શાંત ચિત્તે તેને જોયા કરો એવી નિર્દયતાથી રિઝલ્ટની રાહ જોવી પડે ! મેઈન્સ પણ પાસ કરી અને પછી આવ્યો પર્સનાલિટી ટેસ્ટનો કૉલ. દિલ્લી ઉપડ્યો ગુજરાત ભવનમાં રોકાઇને તૈયારી કરી. મે મહિનાની ગરમીના એક દિવસે બ્લેઝર અને ટાઈ પહેરીને યુ પી એસ સી, ધોલપુર હાઉસ, શાહજહાં રોડ પહોચી ગયો. મારા રુંવાડાં ઉભા થઇ ગયા હતાં. પોતાની જાત પર આટલો ગર્વ કદાચ જ પહેલા ક્યારેક કર્યો હશે. થોડી વાર સુધી મોટા અક્ષરે કોતરાયેલું “યુનિયન પબ્લિક સર્વિસ કમિશન” વાંચ્યા કર્યું….. હું મારા પ્રવાસના એક ચરમ પડાવ પર ઉભો હતો….જ્યાં એક ઊંડો શ્વાસ લઈને આગળ વધવાનું હતું.

મને યાદ છે એ દિવસ… ૪ જુલાઈ ૨૦૧૫ની વાદળછાયી બપોરે ધ્રુજતી આંગળીઓ સાથે યુ.પી.એસ.સી.ની વેબસાઈટ પર લાલ અક્ષરોમાં તરી રહેલી લિંક પર ક્લિક કર્યું હતું. હેમલેટના To Be & Not To Be ની વચ્ચે ઝળુંબી રહેલા સમયની એ ક્ષણે કમ્પ્યુટર સ્ક્રીનના ખૂણામાં એક PDF ફાઈલ ડાઉનલોડ થવી શરુ થઇ. હ્રદય છાતીના પિંજર સાથે ધબ ધબ અથડાઈ રહ્યું હતું. કોઈ તોફાની નદીની જેમ લોહી નસોમાં ફરી રહ્યું હતું. આજીવન કારાવાસની સજા પામેલો કેદી ટ્રાયલ પછી ઉપલી અદાલતમાં ચુકાદાના છેલ્લા દિવસે જજના ચહેરા સામે જોઈ રહ્યો હોય એવી રીતે હું પેલી ડાઉનલોડ થઇ રહેલી ફાઈલ સામે જોઈ રહ્યો હતો. આટલું બધું ગુરુત્વાકર્ષણ કદી નહોતું અનુભવ્યું પહેલા…જેટલું એ સેકન્ડમાં અનુભવાયું હતું. સમય ધીમો પડી ગયો હતો. ગણાતી એક એક સેકન્ડમાં હું આયખા જીવી રહ્યો હતો જાણે. ફાયનલી ડાઉનલોડ કમ્પ્લીટ. ક્લિક ઘણા બધા નામો સાથેના થોડા પાનાં ખૂલ્યા.સર્ચ બાર નામ ટાઇપ કર્યું…વન રીઝલ્ટ ફાઉન્ડ…બસ એના પછીની ક્ષણે શું થયું એ યાદ નથી. પ્રતિક્રિયા આપી શકવાની સ્થિતિમાં નહોતો. જે દોસ્તો સાથે રીઝલ્ટ જોયું હતું એમને ભેટી પડયો. સીધા સ્પીપાના કેમ્પસ ગયા. ચિચિયારીઓ, અવાજો,બૂમો…કોન્ગ્રેચ્યુલેશન્સ ! બન્ને ફોન પર ધડાધડ રીંગો આવી રહી હતી. અજાણ્યા નંબર, અજાણ્યા અવાજો ખુશીથી વધાવી રહ્યા હતા. સામે છેડે કોણ બોલે છે એ સમજવા કોશિશ કરતો હોઉં ને સામે બીજો કોઈ યાર ગળે લાગી રહ્યો હોય. વર્ષોની ખામોશી પછી ઘણા બધા અવાજો એકી સાથે બોલી ઉઠ્યા…! આકાશ તરફ જોયું, થયું વરસાદ થવો જોઈએ… પલળવાની ઈચ્છા થઇ ગઈ…આખી ઘટનામાં આ એક જ પ્રતિક્રિયા સ્વાભાવિકપણે થઇ. એ ક્ષણ પછી જિંદગી ખાસી બદલાઈ ગઈ. એકસો એંશી ડિગ્રીનો પલટો. પણ શું બદલાયું, શું નહિ એનું મૂલ્યાંકન કરવા જેટલો દુર નથી આવ્યો પણ અનુભવોના સૂક્ષ્મ સ્તરો પર કશોક બદલાવ ચોક્કસ સ્પંદિત થઇ રહ્યો છે.

સૌથી વધુ ખુશી આપતી વાત એ હતી કે મમ્મી – પપ્પા, ભાઈ – બહેન બધા ખુબ જ ખુશ હતાં. નાનપણમાં માર્ક લેવા ખાલી ખાલી લખેલો “મારું સ્વપ્ન” નિબંધ એ દિવસે સાચો પડી ગયો. ઘર લોકોથી છલકાઈ રહ્યું હતું. વોટ્સ એપ ક્રેશ થઇ ગયું. ફેસબુક નોટીફીકેશન્સથી છલોછલ હતું. કોઈ ફિલ્મના કલાઇમેકસ સીન જેવું લાગી રહ્યું હતું. મારા ગામમાં હોળી-દિવાળી જેવો માહોલ હતો, સમારંભોમાં માઈકો ગોઠવાઈ ગયા હતાં, પત્રકારોને કેમેરાના ફોકસમાં અમારી “સ્ટોરી” હતી, સફળતાના મંત્રો પૂછી રહેલા એન્કર હતા, ‘રોજ ૧૫-૧૭ કલાક વાંચતા હતા’ એવું સાંભળવા આતુર શ્રોતાઓ બેઠા હતાં, જે કોલેજના લેક્ચર્સમાં “ગેટ આઉટ” ચીંધતી આંગળીઓ જોઈ હતી ત્યાં ચીફ ગેસ્ટની ખુરશી વેલકમ કરી રહી હતી. એક એક્ઝામ કેટલી બધી ઈજ્જત બક્ષી શકે !! બાકીની બધી વાર્તા ટાઈમલાઈન પર હજીય અકબંધ છે.

આ કોઈ આત્મશ્લાઘા, આત્મગાથા કે આત્મકથા નથી. આપણને સૌને સમય “માર્ક” કરવાની વરસો જૂની આદત છે. કદાચ આ બધું ઘણા વખતથી કહેવું હતું, આજે અવસર મળ્યો કદાચ. એ વખતે લાગ્યું કે પ્રવાસ પૂરો થયો પણ આજે એવું લાગે છે પ્રવાસ તો હવે શરુ થયો છે. ઘણું બધું શીખી રહ્યો છું આ દેશના, સમાજના વિરોધાભાસ અને વિશેષતાઓ સમજી રહ્યો છું. એક બાળક એની આસપાસની દુનિયાને સમજવા કોશિશ કરતો હોય એમ… એક કારીગર આકાર આપતા પહેલા પથ્થરને જોતો હોય એમ… હું પણ ચપ્પલ કાઢીને માટીની છાપ મારા પગ પર લઇ રહ્યો છું. ખબર નથી..મારા જેવા અણઘડ કારીગરની કારીગરી કેટલી છે. નહિતર છેલ્લે તો એટલું જ ગાવાનું “…કે સેરા સેરા..વોટએવર વિલ બી, વિલ બી! ” જે થવાનું હોય એ થશે…થઇને જ રહેશે..

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments