Team Chabuk Gujarat Desk: જે રીતે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે, બસ હવે એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાત કોરોના મુક્ત બનશે. સમગ્ર વિશ્વને બાનમાં લેનારો કોરોના વાયરસ હારી રહ્યો છે, વિશ્વ, દેશ અને ગુજરાત જીતી રહ્યું છે. દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. સોમવારે એક દિવસમાં રાજ્યમાં માત્ર 232 કેસ નોંધાયા છે. કેસ ઘટવાની સાથે મૃત્યુદર પણ ઘટ્યો છે. રાજ્યમાં સોમવારે કોરોના વાયરસના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. બીજી તરફ એક જ દિવસમાં 450 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
ગુજરાતમાં હવે 2200થી ઓછા કેસ
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2 લાખ 63 હજાર 676 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ રાજ્યમાં માત્ર 2 હજાર 160 એક્ટીવ કેસ છે જે પૈકી 33 દર્દીઓની હાલત ગંભીર છે અન્ય દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતાં રાજ્યમાં રિકવરી રેટ 97.51 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ ગુજરાતમાં એક્ટીવ કેસ 1 ટકાથી પણ નીચે પહોંચી ગયા છે.
આ જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા
સોમવારે નોંધાયેલા કેસની વાત કરીએ તો, સૌથી વધુ પણ પચાસથી ઓછા કેસ અમદાવાદમાં નોંધાયા. અમદાવાદમાં સોમવારે 47 કેસ નોંધાયા. આ ઉપરાંત વડોદરામાં 46, રાજકોટમાં 33, સુરતમાં 22 કેસ નોંધાયા. તો ગાંધીનગરમાં 8, જૂનાગઢમાં 6, ગીર સોમનાથમાં 3, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને અમરેલીમાં 2-2 અને બોટાદ, નર્મદા અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો.
10 જિલ્લામાં એક પણ કેસ નહીં
બીજી તરફ રાજ્યના 10 જિલ્લા એવા છે જ્યાં એક દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાયો. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, છોટાઉદેપુર, અરવલ્લી, આણંદ, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓ સામેલ છે.
ક્યા જિલ્લામાં કેટલાક એક્ટીવ કેસ ?
હાલ અમદાવાદમાં સૌથી વધુ 855 એક્ટીવ કેસ છે. આ ઉપરાંત સુરતમાં 241, રાજકોટમાં 239, વડોદરામાં 228 એક્ટીવ કેસ છે.

રસીકરણ અભિયાન તેજ
બીજી તરફ રાજ્યમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન પણ તેજ બન્યું છે. જોકે, દેશમાં ગુજરાત રસીકરણ અભિયાનમાં ત્રીજા સ્થાને છે. આ અભિયાનમાં રાજસ્થાન સૌથી અવ્વલ અને બિહાર બીજા સ્થાને છે.
એક દિવસમાં 49 હજાર લોકોને અપાઈ રસી
સોમવારે રાજ્યમાં કુલ 49 હજાર 5 લોકોને રસી આપવામાં આવી હતી. કુલ 976 કેન્દ્રો પર રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 6 લાખ 4 હજાર 184 લોકોનું રસીકરણ થઈ ગયું છે. તેમને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં મોટા ભાગના લોકોને રસીની કોઈ આડઅસર થઈ નથી. કેટલાક લોકોએ સામાન્ય તાવ અને ચક્કર આવવાની ફરિયાદ નોંધાવી હતી.
20 ફેબ્રુઆરી સુધીનું લક્ષ્ય
દેશમાં અત્યાર સુધીમાં કુલ 58 લાખ 12 હજાર હેલ્થવર્કરને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે. ભારતમાં કુલ 96 લાખ 25 હજાર હેલ્થવર્કરની નોંધણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને 20 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના તમામ હેલ્થવર્કરને રસીનો પહેલો ડોઝ આપી દેવાનું લક્ષ્ય આપ્યું છે. ગુજરાતમાં આ લક્ષ્ય 80 ટકા નજીક પૂર્ણ થયું છે. ગુજરાતમાં કુલ 5 લાખ 67 હજાર 555 હેલ્થવર્કરની નોંધણી થઈ છે. જેમાંથી સરકારે 4 લાખ 51 હજાર 2 હેલ્થવર્કરને રસીનો પહેલો ડોઝ આપી દીધો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત