Homeગામનાં ચોરેદીપ સિદ્ધુની ધરપકડ, દીપ સિદ્ધુના વીડિયો કેલિફોર્નિયાથી કોણ અપલોડ કરતું ?

દીપ સિદ્ધુની ધરપકડ, દીપ સિદ્ધુના વીડિયો કેલિફોર્નિયાથી કોણ અપલોડ કરતું ?

Team Chabuk National Desk: 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાનો આરોપી પંજાબી કલાકાર દીપ સિદ્ધુ આખરે દિલ્હી પોલીસની પકડમાં આવી ગયો છે. 3 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ પર ઈનામ જાહેર કર્યું હતું. પંજાબી અભિનેતા દીપ સિદ્ધુએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. દીપ સિદ્ધુ શરૂઆતથી જ ખેડૂત આંદોલન સાથે જોડાયેલો હતો પરંતુ 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ તે ફરાર થઈ ગયો હતો. 

પોલીસ પકડથી દૂર રહેલો દીપ સિદ્ધુ સોશિયલ મીડિયા પર સતત વીડિયો મેસેજીસ જાહેર કરતો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે દીપ સિદ્ધુને વીડિયો પોસ્ટ કરવામાં તેની મહિલા મિત્રએ મદદ કરી છે. જે કેલિફોર્નિયામાં રહે છે. પોલીસના જણાવ્યા મુજબ સિદ્ધુ આ વીડિયો બનાવતો હતો અને તેને મહિલા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતી હતી.

દીપ સિદ્ધુ સતત બે મહિના ખેડૂત આંદોલનમાં સક્રિય હતો. થોડા દિવસો પહેલા, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ દીપને શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) સાથેના સંબંધ અંગે નોટિસ આપી હતી. ગત વર્ષે આંદોલન દરમિયાન દીપે ખેડૂત સંઘના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તે દરમિયાન તેણે શંભુ મોરચાના નામે નવા ખેડૂત સંગઠનની પણ જાહેરાત કરી હતી. તેના સંગઠનને ખાલિસ્તાની તરફી ચેનલોએ પણ ટેકો આપ્યો હતો.

પંજાબના મુકતસર જિલ્લામાં એપ્રિલ 1984માં જન્મેલા દીપ સિદ્ધુએ કાયદાનો અભ્યાસ કર્યો છે. સિદ્ધુ કિંગફિશર મોડલ હન્ટનો વિજેતા રહી ચુક્યો છે તેમજ મિસ્ટર ઈન્ડિયા કોન્ટેસ્ટમાં મિસ્ટર પર્સનાલિટીનો ખિતાબ પણ જીતી ચુક્યો છે. 2015માં તેની પહેલી પંજાબી ફિલ્મ ‘રમતા જોગી’ રિલીઝ થઈ હતી. જો કે, તે 2018માં આવેલી ફિલ્મ જોરા દાસ નમ્બરિયાથી જાણીતો બન્યો છે. આ ફિલ્મમાં તેણે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.


26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસા પછી દિલ્હી પોલીસના રડાર ઉપર આવેલો દીપ સિદ્ધુ જનરલ ભિંડરાવાલેને ક્રાંતિકારી માનતો હતો. દીપ સિદ્ધુ પર ખેડૂત સંગઠનોને અગાઉથી શંકા હતી કે તેને ખાલિસ્તાની સંગઠનો સહયોગ આપી રહ્યા છે. પરંતુ તે આંદોલનકારીઓ સાથે જ સંકળાયેલો રહ્યો હતો.

દિલ્હી હિંસાના આરોપી દીપ સિદ્ધુએ ફેસબુક પર લાઇવ થઈને ખેડૂત નેતાઓને ખુલ્લી ચેતવણી પણ આપી હતી. વારંવાર દેશદ્રોહી કહેવા પર નારાજ થયેલા સિદ્ધુએ ખેડૂત નેતાઓને કહ્યું હતું કે, ‘જો તેણે અંદરની વાતો જાહેર કરવાનું શરૂ કર્યું તો તે નેતાઓને ભાગવાનો રસ્તો પણ નહીં મળે.’ તેણે કહ્યું હતું કે, ‘આ વાતને ડાયલૉગ ન સમજતા. આ વાત યાદ રાખજો. તેણે કહ્યું હતું કે, મારી પાસે દરેક વાતની દલીલ છે. ખેડૂત નેતાઓએ માનસિકતા બદલવી જોઇએ.’ 

ત્યારબાદ તેણે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં કહ્યું હતું કે, ‘તે તપાસમાં સામેલ થશે, પરંતુ તેને થોડો સમય જોઈએ છે.’ દીપ સિદ્ધુનું નામ ભાજપના સાંસદ સની દેઓલ સાથે પણ જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ સની દેઓલને ટ્વીટ કરી સ્પષ્ટતા કરવી પડી હતી અને પોતાને આ મુદ્દેથી દૂર કરવો પડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments