Homeતાપણુંઆંદોલનજીવી vs ભાષણજીવી

આંદોલનજીવી vs ભાષણજીવી

Team Chabuk Political Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં ભાષણ રજૂ કર્યું હતું. સવા કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિદ મુદ્દે બોલ્યા. કોરોના મહામારી, આર્થિક વ્યવસ્થા, આત્મનિર્ભર ભારત, ખેતી, ખેડૂત આંદોલન, કૃષિ કાયદા જેવા તમામ મુદ્દા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વણી લીધા. વિપક્ષ પર પ્રહારો પણ કર્યા અને વિપક્ષને સાથ આપવા અપીલ પણ કરી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહેલા એક શબ્દ પર સરકાર અને વિપક્ષ વચ્ચે વાર-પલટવાર શરૂ થઈ ગયા છે. અને આ શબ્દ છે આંદોલનજીવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર પ્રહાર કરતાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘શ્રમજીવી અને બુદ્ધિજીવી શબ્દોથી તો આપણે સૌ પરિચિત છીએ પરંતુ છેલ્લા થોડા સમયથી એક નવી જમાત પેદા થઈ. જે છે આંદોલનજીવી. આ જમાત વકીલોનું આંદોલન, વિદ્યાર્થીઓનું આંદોલન, મજૂરોનું આંદોલન, પડદા પાછળ અને પડદાની આગળ તમામ જગ્યાએ નજર આવે છે. આવા લોકો આંદોલનજીવી છે. તેઓ આંદોલન વગર જીવી નથી શકતા. આંદોલનની સાથે જીવવાના રસ્તાઓ શોધતા રહે છે. આપણે આવા લોકોને ઓળખવા પડશે. દેશ આંદોલનજીવી લોકોથી બચે. અને આ તમામ આંદોલનજીવી પરજીવી હોય છે.’

વડાપ્રધાનના આ આંદોલનજીવી નિવેદન બાદ વિપક્ષ પણ મેદાને પડ્યું છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ રાકેશ સચાને આ મુદ્દાને નવું રૂપ આપતાં એક નવો શબ્દ આપ્યો છે. રાકેશ સચાને વડાપ્રધાન પર આડકતરી રીતે પ્રહાર કરીને તેઓને ભાષણજીવી કહી દીધા છે. રાકેશ સચાને ટ્વિટ કર્યું કે, ‘હું જોઈ રહ્યો છું કે છેલ્લા ઘણા સમયથી આ દેશમાં એક નવી જમાત પેદા થઈ છે ‘ભાષણજીવી.’ દેશની સમસ્યાઓને કિનારે કરીને આ જમાત માત્ર ને માત્ર ભાષણ આપે છે. આ જીવ ભાષણ વિના નથી રહી શકતા અને ભાષણ આપવા માટે નવા નવા રસ્તા શોધતા રહે છે. દેશે આ જીવને પહેલીવાર જોયા છે.’

રાકેશ સચાને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આંદોલનજીવીવાળું નિવેદન છે જ્યારે બીજી તરફ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિવેદન છે જેમાં તેઓ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં બોલી રહ્યા છે.

તો કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સિંહ સુરજેવાલાએ પણ વડાપ્રધાનના આંદોલનજીવી શબ્દને લઈને સવાલ ઉભો કર્યો છે. સુરજેવાલાએ મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને ચંદ્ર શેખર આઝાદના નામ લખીને વડાપ્રધાનને પૂછ્યું કે, ‘મોદીજી આ આંદોલનજીવીઓ વિશે તમારું શું કહેવું છે. જો આ લોકો આંદોલન ના કરત તો, શું દેશ આઝાદ થાત ?’

વડાપ્રધાનના આ આંદોલનજીવી શબ્દને ચારેકોર હાલ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ શબ્દને લઈને ટીખળ પણ થઈ રહી છે. પ્રહાર પણ થઈ રહ્યા છે. તો વડાપ્રધાનના આ નિવેદનનું સમર્થન પણ થઈ રહ્યું છે. બેંગ્લુરુ સેન્ટ્રલના ભાજપના સાંસદ પી.સી.મોહને તો આંદોલનજીવી શબ્દને word of the year જાહેર કરી દીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments