Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો એટલો કડક છે કે હવે તો સરકારી બાબુઓ પણ દારૂ ઢીંચીને સરકારી ઓફિસમાં કામ કરવા લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકા પંચાયતમાં ફરજ પર રહેલા તાલુકા વિકાસ અધિકારી સરકારી કચેરીમાં જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં જ દારૂ પીધેલી હાલતમાં અરજદારો સાથે ગેરવર્તન કરતાં મામલો વણસ્યો હતો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તાલુકા વિકાસ અધિકારીની અટકાયત કરી લીધી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
ડીસાના તાલુકા વિકાસ અધિકારી તેમની જ કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. આ આક્ષેપો તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારોએ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ડીસાની તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ દસ્તાવેજો માટે વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. આજે પણ આવકના દાખલા અને ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવા આવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો ના મળતા વિધાર્થીઓ અકળાયા હતા અને આ અંગે ડીસા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકીને રજૂઆત કરવા માટે તેમની ઓફિસમાં ગયા હતા.
અચાનક વિદ્યાર્થીઓ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જતાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ સાથે ધક્કા મુક્કી કરી ગાળા ગાળી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનામાં રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તાલુકા વિકાસ અધિકારી બી.ડી. સોલંકી તેમની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં હતા અને તેના લીધે વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ જ્યારે મીડિયાકર્મીઓ સ્થળે પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારી અસાધારણ અવસ્થામાં જોવા મળ્યા હતા. પ્રાથમિક નજરે જોતાં તેમણે નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાતું હતું. મીડિયા સાથેની વાતચીતમાં પણ તાલુકા વિકાસ અધિકારી યોગ્ય રીતે પ્રત્યુત્તર આપવા માટે સમર્થ જણાયા ન હતા.
આ ઘટનામાં તાલુકા વિકાસ અધિકારી સભાન અવસ્થા ન હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી ડીસાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને સમયસર પ્રમાણપત્રો આપવામાં આવતા ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે જ્યારે આ અંગે રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારી બી.ડી. સોલંકી અસભ્ય વર્તન પર ઉતરી આવ્યા હતા અને સભાન અવસ્થામાં પણ ન હતા. ડીસાના તાલુકા વિકાસ અધિકારીએ નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાતા વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા અને ટીડીઓને ઓફિસમાં જ ઘેરી લીધા હતા.
આ ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ તાલુકા પંચાયત ખાતે પહોંચી હતી અને તાલુકા વિકાસ અધિકારી બી.ડી. સોલંકીની અટકાયત કરી હતી. તાલુકા વિકાસ અધિકારીને પોલીસ લઈને જઈ રહી હતી ત્યારે વિદ્યોર્થીઓ પણ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. જેને પગલે પોલીસે પણ સુરક્ષિત રીતે તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતથી ડીસા શહેર ઉત્તર પોલીસ મથક લઈને આવી હતી અને બાદમાં તાલુકા વિકાસ અધિકારીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત