Homeતાપણુંહિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપની હાર, મુખ્યમંત્રીએ કહ્યું, મોંઘવારીના કારણે હાર્યા

હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપની હાર, મુખ્યમંત્રીએ કહ્યું, મોંઘવારીના કારણે હાર્યા

Team Chabuk-Political Desk: આજે દેશભરના કેટલાક રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાં છે. આ પરિણામો ભાજપ માટે આંચકાજનક છે. જ્યારે કોંગ્રેસ માટે દિવાળી પહેલા ભેટ સમાન છે. હિમાચલ પ્રદેશ જ્યાં ભાજપ સત્તા પર છે ત્યાં ભાજપને કોંગ્રેસે ધૂળ ચટાડી છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક ઉપરાંત અર્કી, ફતેપુર અને જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠક પર ભાજપને હાર મળી છે અને કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપની હાર બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ભાજપની હારનો ટોપલો કેન્દ્ર સરકાર પર ફોડ્યો છે. જયરામ ઠાકુરે કહ્યું કે, વધતી મોંઘવારીના કારણે ભાજપની હાર થઈ છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરના આ નિવેદન બાદ ભાજપમાં હલચલ વધી ગઈ છે. જયરામ ઠાકુરે હિમાચલ પ્રદેશની એક લોકસભા બેઠક અને ત્રણ વિધાનસભા બેઠકની હાર પાછળ સીધે સીધી કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી દીધી છે. તેઓનું કહેવું છે કે, દેશભરમાં મોંઘવારી વધવાના કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

વિપક્ષી પાર્ટી પણ ભાજપ પર પ્રહાર કરવાના મૂડમાં આવી ગઈ છે. હિમાચલ પ્રદેશના કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાની ખરાબ હાલત કરીને જનતાના ખિસ્સા પર ભારણ વધારવાનું શરૂ કરી દીધું છે. તેમની પાસે દેખાડવા માટે નંબર નથી. જીડીપીના આંકડા ખોટા છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવોમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેથી ભાજપ પ્રત્યેનો વિરોધ વધી રહ્યો છે અને તેનો પ્રભાવ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ પડશે.

મહત્વનું છે કે, હિમાચલ પ્રદેશની એક લોકસભા અને ત્રણ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે જ્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આ પેટાચૂંટણીને આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. ત્યારે આગામી વર્ષે યોજાનારી હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળી શકે છે.

પેટાચૂંટણીમાં ભાજપની હારની સીધી અસર મુખ્યમંત્રી જયરામ ઠાકુરના રાજકીય કદ પર પડશે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર મંડી જિલ્લામાંથી આવે છે અને તેમના નેતૃત્વમાં જ આ ચૂંટણી લડાઈ રહી હતી. તેથી તેમની આબરુની સાથે સાથે તેમના રાજકીય ભવિષ્ય અંગે પણ સંકટ ઉભું થયું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ માટે હિમાચલ પ્રદેશના આ પરિણામ વિધાનસભા ચૂંટણી પહેલાં શુભ સંકેત માનવામાં આવી રહ્યા છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments