Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં લવ જેહાદ (Love Jihad)ના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં ગત દિવસોમાં પ્રકાશમાં આવેલા લવ જેહાદના કિસ્સા બાદ હવે રાજકોટ જિલ્લામાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. સરકાર દ્વારા આ મામલે કડક કાયદો અમલમાં મૂક્યો હોવા છતાં સતત આવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji)માં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિધર્મી યુવકે યુવતીને ફસાવીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરાતા અંતે ફરિયાદ નોંધાઈ હતી અને બાદમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ધોરાજીમાં રહેતા એક વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી અને યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે આ યુવક દબાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપી મજબૂર કરવામાં આવી હતી. આ અંગેની જાણકારી ભોગ બનનાર યુવતીના પરિવાર અને ભાઈને થતાં વિધર્મી યુવક સામે ફરિયાદ દાખલ કરાવી છે અને ફરિયાદ લઈને ધોરાજી પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કલમા મોકલીને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું
ભોગ બનનાર યુવતી ધોરાજીમાં જ રહે છે. આ યુવતીને ધોરાજીમાં જ રહેતા મહમદ ઉર્ફે ડાડો ગનીભાઈ સમા નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને આ વિધર્મી યુવકે પોતે કુંવારો હોવાનું કહીને લગ્નની લાલચ આપી હતી. મહમદ ઉર્ફે ડાડો નામના આ યુવકે યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને અનેક વખત પોતાની હવસ સંતોષી હતી. ત્યારબાદ યુવકે યુવતીને માનસિક હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ વિધર્મી યુવક યુવતીને ઈન્સ્ટાગ્રામમાં ધાર્મિક કલમા મોકલીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હોવાનો પણ આરોપ છે. પરંતુ યુવતી ધર્મ પરિવર્તન ન કરવા મામલે મક્કમ રહેતા મહમદ ઉર્ફે ડાડાએ યુવતીને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી યુવતીના ભાઈએ આ વિધર્મી શખ્સ વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ધોરાજી પોલીસે ભોગ બનનાર યુવતીના ભાઈની ફરિયાદના આધારે મહમહ ઉર્ફે ડાડા સામે વિધર્મી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરવા સહિતના ગુના નોંધી તપાસ આગળ વધારી છે.
અંકલેશ્વર બસ સ્ટેશનમાંથી ઝડપાયો
મહમદ ઉર્ફે ડાડા વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ તે ધોરાજીમાંથી ભાગી ગયો હતો. ધોરાજી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન આરોપી મહમદ ઉર્ફે ડાડો સુરતમાં હોવાની પોલીસને જાણકારી મળી હતી. જેથી ધોરાજી પોલીસે સુરતમાં ધામા નાખ્યા હતા પરંતુ મહમદ ઉર્ફે ડાડો ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ આરોપી અંકલેશ્વરમાં હોવાની પોલીસને બાતમી મળતાં ત્યાં તપાસ કરી હતી પરંતુ અંકલેશ્વરમાં પણ તે મળ્યો ન હતો. અંતે પોલીસને પાક્કી જાણકારી મળી હતી કે આરોપી મહમદ ઉર્ફે ડાડો અંકલેશ્વર બસ સ્ટેશનમાં છે. તેથી પોલીસ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં તે અંકલેશ્વર બસ સ્ટેશનમાં સૂતેલો જોવા મળ્યો હતો. જ્યાંથી ધોરાજી પોલીસે તેને પકડી લીધો હતો.
પોલીસ હાલ આ વિધર્મી યુવકની ધરપકડ કરીને કડક પુછપરછ કરી રહી છે. આરોપીએ આ અગાઉ અન્ય કોઈ યુવતીને ફસાવી છે કે કેમ ? અગાઉ કોઈ યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરેલું છે કે કેમ ? વગેરે અંગે ધોરાજી પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત