Team Chabuk-Gujarat Desk : દીવના વિકાસના મોરપીચ્છમાં વધુ એક છોગુ ઉમેરાવા જઈ રહ્યું છે. આગામી સમયમાં દીવમાં સહેલાણીઓ સમુદ્રની ઉપરથી સફર કરી શકશે. દીવમાં આગામી દિવસોમાં કેબલ કાર શરૂ થશે. જે સમુદ્રની ઉપરથી ચાલશે. ઘોઘલા બીચથી દીવ કીલ્લા સુધી મુસાફરો સમુદ્રની ઉપરથી જઈ શકશે. દીવ સ્માર્ટ સિટી લિમિટેડે આ અંગે બીડની જાહેરાત આપી છે. આ પ્રોજેક્ટ તૈયાર થતાં જ દીવમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર બની જશે. પ્રવાસનને વેગ મળે તે હેતુથી કેબલ કાર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
કેવી હશે કેબલ કાર ?
કેબલ કાર એ એક પ્રકારનો રોપ વે જ છે. આ કેબલ કાર કેબલ પ્રકારની હશે. આ કારમાં સમુદ્રના પાણીની ઉપરથી સફર કરવાની મજા માણી શકાશે. દરિયાના પાણી અને જો નસીબ હોય તો ડોલ્ફિનને દરિયાના પાણીની ઉંચાઈથી જોઈ શકાશે. એટલે ઘોઘલા બીચ જેટીથી પોર્ટ રોડ એટલે કે દીવ કીલ્લા પાસે આવેલા પોલીસ સ્ટેશન સુધીની આ રોમાંચક સફર સહેલાણીઓને ચોક્કસ રોમાંચિત કરશે. કેબલ કારમાં તળિયામાં પણ ખાસ પ્રકારના પારદર્શક કાર હોઈ શકે છે. જેથી સેલાણીઓને સફરમાં વધુ આનંદ મળી શકે.
તાજેતરમાં મધ્યપ્રદેશમાં કેબલ કારને મળી છે મંજૂરી
વિદેશમાં કેબલકારનો ઉપયોગ પરિવહન માટે પણ થયા છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે વિદેશોમાં કેબલ કાર ઘણો મહત્વનો ભાગ ભજવે છે. થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના ઈંદોરમાં પણ કેબલ કાર પરિયોજનાને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લીલીઝંડી આપી દીધી છે.
આ સ્થળો પર છે કેબલ કાર
ગુલમર્ગ
જમ્મૂ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં લગભગ 2 હજાર 730 મીટરની ઉંચાઈ પર ગુલમર્ગ આવેલું છે. ગુલમર્ગમાં જ તમે ગોંડોલા રાઈડની મજા મણી શકશો. ગોંડોલા લિફ્ટ પણ એક કેબલ કાર છે. આ આકાશી સફરથી પર્યટકો સમગ્ર ગુલમર્ગની સુંદરતાને જોઈ શકે છે. જેના કારણે આ કેબલ કાર બહુ લોકપ્રિય છે. 13 હજાર 500 ફૂટ ઉંચાઈ આ લિફ્ટ 5 કિલોમીટર અંતરના બે પડાવ પાર કરે છે. એક ગુલમર્ગથી કોંગડોર અને બીજો કોંગડોરથી અફરાત. કોંગડોર-ગોંડોલા સ્ટેશન 3099 મીટર ઉંચાઈ પર સ્થિત છે જ્યારે અફરાત સ્ટેશન 3979 મીટરની ઉંચાઈ પર સ્થિત છે.
ગંગટોક
સિક્કીમનું વડુમથક ગંગટોક તેની સુંદરતા માટે જાણીતુ છે. જે પૂર્વી હિમાલય રેન્જમાં શિવાલીક પહાડોમાં સ્થિત ગંગટોકમાં પણ સહેલાણીઓ કેબલ કારની મજા માણી શકે છે.
પર્યટકો માટે દીવ પહેલી પસંદ
દીવ પ્રવાસીઓ માટે પહેલાંથી જ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. દીવમાં ફરવા લાયક અનેક સ્થળો છે. તાજેતરમાં જ ઘોઘલા બીચને દેશના સ્વચ્છ બીચમાં સ્થાન મળ્યું છે. લોકોના મનમાં એક ગાંઠ બંધાઈ ગઈ છે કે, દીવમાં હંમેશા મદીરા રસિયાઓની ભીડ રહે છે. જોકે, આ વાત સંપૂર્ણ સત્ય નથી દીવમાં પ્રકૃતિને માણવા માટે પણ વર્ષમાં અનેક પ્રવાસીઓ આવે છે. દીવના નાગવા બીચ પર તમે સ્પીડ બોટમાં બેસીને દરિયાની સફરે જઈ શકો છે. હવે આગામી સમયમાં કેબલ કારની સુવિધા પણ શરૂ થતાં પર્યટકોની સંખ્યા પણ વધશે તેવી આશા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત