Homeસાહિત્યહાસ્યલેખ : હું, બીમારી અને દાક્તર સાહેબ...

હાસ્યલેખ : હું, બીમારી અને દાક્તર સાહેબ…

Team Chabuk : કવિ કેટલું મુશ્કેલ લખી શકે છે તેની ખબર તમને દાંત પરથી પડે. દાંત તોડવા માટે કવિનો ઉપાય જોખમી છે, પણ અસરકારક પણ એટલો જ છે. વિનોદ ભટ્ટે લખેલા વ્યક્તિ ચરિત્રોમાં જ્યોતીન્દ્ર દવેનો દાંતનો કિસ્સો ખૂબ સરસ છે. એક સાહિત્યના અભ્યાસુ મિત્રને દાંતની બીમારી થયેલી ત્યારે જ્યોતીન્દ્રએ તેમને અક્સીર ઉપાય કહેલો, ‘તમે બળવંતરાય.ક.ઠાકોરની કવિતા ઊંચા અવાજે વાંચો. સમજાશે નહીં તો કંઈ નહિ, પણ તમારે દાક્તરનો ખર્ચો બચી જાશે અને દાંત તુટી જશે’

આ ઘટનાનો અર્થ તો એ થયો કે બળવંતરાય સમકક્ષ સાહિત્ય સર્જવા માટે તમારે કોઈના દાંત ભાંગી જાય તેવું લખવું રહ્યું.

કવિએ પોતાની યોગ્યતાનો બરાબર ઉપયોગ કરવો હોય તો ડોક્ટર બની જવું જોઈએ. હોસ્પિટલના ખાટલે પડેલો માંદો દર્દી તમારી તમામ વસ્તુ માનશે. એ પણ કે હું ગઝલ સંભળાવું તો તમે સાજા માજા થઈ જશો. સ્ટેજ પર કવિતા કરવાથી હુરિયો બોલે અને નામોશી થાય તેના કરતા આ યોગ્ય ઉપાય છે. મારો કહેવાનો એ અર્થ બિલકુલ નથી કે આપણા ઘણા કવિઓ ડોક્ટર શું કામે છે! દર્દી માટે તો સાજા થવું જરૂરી છે, પછી કવિની કવિતા સાંભળી તેને હ્રદયરોગનો હુમલો આવે તો આડ અસરની જેમ આડવાત થઈ કહેવાય. સ્ટેથોસ્કોપની શોધ એટલા માટે જ થઈ છે. ઘાયલ દર્દીને કવિતા સંભળાવતા હોય અને તેને પસંદ ન આવે તો ડોક્ટરના ગળાનું સ્ટેથોસ્કોપ તે પોતાના કાને ભરાવી લે.

જય વસાવડાએ પોતાના પ્રવચનમાં ટાંક્યું છે, ‘તમારી યુવા અવસ્થામાં તમે બીમાર નહિ પડો. કારણ કે ત્યારે તમે એકદમ ટેન્શન-ફ્રી અને ખુશ હોવ જો. જ્યારે જવાબદારીનો ભાર અને ટેન્શન વધી જાય ત્યારે તમે ઉદાસ રહેવા માંડો છો. ઈશ્વરને ઉદાસ માણસ પસંદ નથી. એટલે હવે આ નોટ કામની નથી એ રીતે તેને ડાયાબિટીસી આપે, કમળો આપે, એનકેન બિમારીઓ આપે. એટલે યુવા અવસ્થાની માફક ખુશ રહેવું જોઈએ, તો બીમારી લાગુ ન પડે.’

પણ હું તો બાળપણથી જ બીમાર રહું છું. માંદગીને આમંત્રણ નથી આપતો તો માંદગી સામેથી મારા શરીરની મહેમાન બની જાય છે. અત્યારે આ લખાય છે ત્યારે શરદી અને ઉધરસે નાક અને ફેફસામાં ભાડે મકાન રાખેલું છે. સૌ પ્રથમ તો હું એ વાતથી ચકિત છું કે, ગુજરાતીમાં હાસ્ય સર્જનાર માંદો કેમ પડે ?

જ્યોતીન્દ્રથી લઈને મોટાભાગના હાસ્ય લેખકો બીમાર પડે અને જો બીમાર ન પડવું હોય તો તેમણે હાસ્ય સાથે કેટલુંક ચિંતનાત્મક સાહિત્ય પણ સર્જવું જોઈએ. અટાણે તો મારા મનમાં એવા વિચારો પરિભ્રમણ કરી રહ્યા છે કે ગુજરાતમાં જે વ્યક્તિ વધારે માંદો પડતો હશે તે અંતે હાસ્ય લેખક બની જતો હશે.

ગુજરાતી સાહિત્ય માટેની મારી આ પ્રારંભિક બીમારી છે. જેની સારવાર સાહિત્ય અકાદમી કે પરિષદમાં જ થઈ શકે. કોઈ ડોક્ટર પાસે નહિ! તેઓ મને કેટલાક પારિતોષિક આપશે તો મારી આ બીમારી દૂર થઈ જશે પણ એ માટે તેમણે મારો આટલો ખરાબ લેખ ફરીથી વાંચવો પડશે. ફરીથી એટલા માટે કે આ લેખ એ બેઉના સામાયિકોમાં સ્થાન નથી પામ્યો!

આમ તો હાસ્યલેખક માંદો પડે એટલે જ્યોતીન્દ્રની માફક આનંદ લઈ શકાય.

એકવાર જ્યોતીન્દ્ર દવે ડોક્ટર પાસે ગયા. બીમારીને તાત્કાલિક દૂર કરવા ડોક્ટરે તેમને ઈન્જેક્શન આપવાનું નક્કી કર્યું. જ્યોતીન્દ્રએ પૂછ્યું,‘ઈન્જેક્શન કઈ જગ્યાએ મારશો ?’

સામેથી જવાબ આવ્યો, ‘તમારા હાથમાં.’

જ્યોતીન્દ્રએ ડોક્ટરને કહ્યું,‘રહેવા દો સોઈ આરપાર નીકળી જશે એવો મારો હાથ છે.’

જ્યોતીન્દ્રની જ આ હાસ્યરસિક ઘટનાના કારણે મુદ્દો મેડિકલ સુધી પહોંચ્યો હશે અને હાથમાં નહીં પણ નિતંબના ભાગે સોઈ ભોંકવવી તેવો નિર્ણય લેવાયો હશે! વિશ્વભરમાં ત્યારથી પાછળના ભાગે લોકોને સોંઈ ભોકવવામાં આવે છે! થેન્કસ ટુ જ્યોતીન્દ્ર….

ગયા જન્મમાં ભુલથી તમે ડોક્ટર હો તો આ જન્મમાં તમારે ડોક્ટર પાસે જવું પડે. આવું મને મારા ખાનદાની જ્યોતિષીએ કહ્યું છે.

હું જ્યાં નોકરી કરું છું તેની બાજુમાં ડિમાર્ટ અને ત્યાંથી થોડા આગળ આવો એટલે એક બહેનનું દવાખાનું છે. ડોક્ટરીમાં એટલું કમાયા છે કે હવે ખુરશીમાં શરીર નથી સમાતું. મારે જ્યારે પણ તેમની પાસે તાવની દવા લેવા જવાનું થાય એટલે મને સામેથી કહે, ‘તમે રિપોર્ટ કરાવી લો, કમળો થયો હશે.’ આવી રીતે ત્રણ વાર મેં રિપોર્ટ કરાવ્યો, પણ કમળાના કોઈ નામોનિશાન દેખાયા નહીં. મેડમ કારણ વિનાના ભરાવી દે છે અને 500 પાડી લે છે એટલે ત્યાં ન જવાનું નક્કી કર્યું. બાકી કમળા સાથે તે મારૂ અફેર કરાવી આપેત.

જેને પથરીની બીમારી હોય તેને આખા શહેરમાં કઈ કઈ જગ્યાએ મુતરડી છે તેનો ખ્યાલ હોય છે. હું કોઈ પણ નવા શહેરમાં જાઉં એટલે મને ખ્યાલ હોય છે કે ક્યાં ક્યાં ધોળા કોટવાળા ડોક્ટર છે. ઉપર કહ્યું તે મેડમની સામેની બાજુ એક ડોક્ટર છે. તેમની પાસે પીળી, ગુલાબી અને સફેદ આવી ત્રણ જ ગોળી હોય. તમે એમને કહો કે સાહેબ મને પેટમાં દુ:ખે છે, તો તમને પૂછશે તાવ આવે છે ? ભલે ન આવતો હોય.

તમે કહો સાહેબ, ઉલટી થાય છે, તો પૂછશે શરદી થઈ છે?

તમે કહો ઉધરસ આવે છે, તો પૂછશે પગ દુ:ખે છે?

એ ડોક્ટર સાહેબ ન હોય તે બીમારીઓની દવા આપશે. પણ આડકતરી રીતે તેમની દવાઓથી હું સાજો થઈ જાઉં છું.

ડોક્ટરના નોલેજની અગ્નિપરિક્ષા લેવા માટે ફેમિલી ડોક્ટર હોવો આવશ્યક છે. તેની પાસે દવા યોગ્ય છે કે નહિ તેની તપાસ કરાવી શકાય. આ કારણે સામેના ડોક્ટરે તમારી સાથે કરેલી છેતરામણીના કૌભાંડનો ભાંડો ફૂટી શકે છે. આ સિવાય કોઈ ઉપાય નથી, કારણ કે દવા વિક્રેતાઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોય છે.

અમારા ખાનદાનમાં મારા કાકા ડોક્ટર છે. કાન-નાક-ગળાના સ્પેશિયાલિસ્ટ. પણ કેવું કહેવાય, એ જ્યારથી ડોક્ટર બન્યા છે ત્યારથી અમારા ખાનદાનમાં કોઈને કાન-નાક-ગળાની બીમારી જ નથી થઈ. આના કરતા તો ફુલ બોડી સર્જન થયા હોત તો સારૂ હતું. કોઈને આખા શરીરમાં ક્યાંય પણ બીમારી થાત જ નહિ!

ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીને પેલા સાહેબે ટોણો મારીને કહ્યું, આ તારી જોડણી સુધાર. પણ ગાંધીજી તો સત્યના આગ્રહી રહ્યા. જે પાઠ આપણે ભણી ચૂક્યા છીએ. આ મહાત્મા ગાંધીજી ડોક્ટરોનાં આદર્શ ગણી શકાય.

ડોક્ટરોના પ્રાઈવેટ દવાખાનાઓ હંમેશાં પેન્ટીંગોથી ભરેલા હોય છે. પણ કોઈ ડોક્ટરે અત્યાર સુધી ઓફિસમાં ગાંધીજીની તક્તીને સ્થાન નથી આપ્યું. નહીં ને કોઈ પૂછી બેસે, ‘શું તમારા અક્ષર ગાંધીજી સાથે મેચ થાય છે ? અથવા તો અક્ષરો મામલે ગાંધીજી એ આપના આદર્શ છે?’

એકવાર એક ડોક્ટરે મને દવા લખી દીધી અને મેડિકલ સ્ટોરે મોકલ્યો. હું દવા લેવા ગયો. ચીઠ્ઠી આપી. તેમાં કવિ મરીઝથી પણ ખરાબ અક્ષરોમાં લખેલું હતું. મેડિકલવાળા ભાઈએ બધી દવા કાઢી રાખી. પછી આશ્ચર્યની મુદ્રામાં, શૂન્યતામાં તાકતા ચીઠ્ઠી અને મારી સામે અડધી રાત્રે અચાનક મનુષ્ય આવી ચડતા જેવા હાવભાવ કૂતરાના હોય બસ એવી જ મુખમુદ્રા રાખી કહ્યું, ‘આ દવા નથી.’

મેં ચીઠ્ઠી હાથમાં લઈ જોયું અને પછી પેલા મેડિકલવાળાને સામાન્ય ભાષામાં સમજાવ્યું, ‘અરે ભાઈ એ મારું નામ છે. કોઈ દવા નથી.’

‘માફ કરજો…’ આવી મેડિકલ ભાષાનો પ્રયોગ કરી તે હસવા લાગ્યો. પણ સાહિત્યમાં નહિ તો દવામાં આપણું નામ અંકિત થયું એટલે મેં ચહેરા પર સ્મિત લાવ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ફ્રી-ઓફ દવાખાનું. હોસ્ટેલનું આઈકાર્ડ બતાવો અને દવા લઈ જાઓ. ત્યાં ડોક્ટર હાઈપાવરની દવા આપે અને મારે દર અઠવાડિયે ત્યાં મુલાકાત માટે જવાનું હોય. એકવાર ડોક્ટર સાહેબને મેં કહ્યું, ‘સાહેબ ચાંદી પડી છે.’

ડોક્ટર સાહેબ ખુરશી પરથી ઉભા થઈ ગયા, ‘કઈ જગ્યાએ છે? તું મને કહે આપણા બંનેનો અડધો અડધો ભાગ.’

મેં કહ્યું, ‘સાહેબ મોંમાં ચાંદી પડી છે.’

જોકે ડૉક્ટર સાહેબને ખબર હતી. પણ તે મજાકિયા સ્વભાવના એટલે મારી સાથે આવું હંમેશાં વર્તન કરતા.

સ્કૂલકાળમાં હોસ્ટેલમાં ભણતો ત્યારે કોઇ વિદ્યાર્થી માંદો પડે તો અમારા પ્રિન્સિપાલ શ્રી તેને ચોકમાંથી દવા બનાવી આપતા. વિદ્યાર્થી એથી સાજો થઈ જતો અને બીમારી માનસિક હોય છે એ વાતનો પૂરાવો અમને મળતો. સફેદ ચોકની દવા બનાવતા અમારા સજ્જન આચાર્ય ગત જન્મમાં લિયોનાર્ડો વિન્ચી હોવા જોઈએ આવો મને વારંવાર ભાસ થતો. નહિ તો ચોકને આટલી સરસ રીતે કાપી તેમાંથી દવાઓ કોઈ કેવી રીતે બનાવી શકે! નવરાશમાં કેટલાક માસ્તરો એકબીજાની કૂથલી કરતા હોય છે તેવી આદત અમારા આ સાહેબને નહોતી. તેઓ નવરાશમાં ચોકમાંથી દવા બનાવવામાં મચ્યા રહેતા હતા.

માણસ માંદો પડવા જન્મતો હોય છે. મારો તો જન્મ જ માંદો પડવા માટે થયો છે. હું કેટલાક મિત્રોને નથી મળી શકતો તેની પાછળનું કારણ પણ મારી માંદગી જ છે. વિનોદ ભટ્ટે જ્યોતીન્દ્ર માટે જે શબ્દોનો પ્રયોગ કરેલો તેને ઉધાર લઈ કહું તો લોકો વચ્ચે વચ્ચે માંદા પડતા હોય છે. હું કોઈ કોઈવાર સાજો પણ થઈ જાઉં છું.

દુનિયામાં હાસ્યલેખક બનવું આસાન નથી અહીં તમારે વિવેચક સાથે શરીરનું પણ ધ્યાન રાખવું પડે. કેટલીક વાર હાસ્યલેખકની કૃતિને વિવેચક એ રીતે ઢીબેળી બેસે કે ન આવવો હોય તો પણ તાવ આવી જાય. તેનો ખર્ચો પાછો તમારે તમારા આગામી લેખના મળનારા પુરસ્કારમાંથી પૂરો કરવાનો હોય એટલે ઈનામની રાહ જોવાની.

મને વઢકણી વહુની માફક કમરનો દુખાવો વારંવાર થયા કરે છે. શરદી ચોમાસા અને શિયાળામાં ભાડે મકાન રાખે છે. ઉધરસ માત્ર શિયાળામાં બે મહિના પૂરતી થાય છે.  ઉનાળામાં ઉનવા અને પાછા ફરતા મોસમી પવનોના સમયે મને ઓછું સંભળાય છે. કોઈવાર પગમાં સોજા પણ આવી જાય છે જેનું કારણ મેં ન લખ્યું હોવાથી લખવાની પ્રસુતી પીડાનાં તે ચિન્હો છે. માર્કશીટમાં માર્ક્સ કોઈ દિવસ ન વધ્યા પણ આંખના નંબર દિન પ્રતિદિન વધતા જાય છે. મારૂ અંગત રીતે એવું માનવું છે કે વિવિધ રોગો અને તેના ઈલાજ પર હું ચરક કરતા પણ મોટો ગ્રંથ લખી શકું એમ છું. કોઈ પ્રકાશક ખોટ ખાવા તૈયાર હોય તો અચૂક મારો સંપર્ક કરે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments