Homeગામનાં ચોરેદિલ્હીઃ લાલ કિલ્લા પર ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો

દિલ્હીઃ લાલ કિલ્લા પર ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો

Team Chabuk- National Desk: દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ યોજાઈ રહી છે. પોલીસે ખેડૂતોને રેલી માટે શરતી મંજૂરી આપી હતી જો કે, ખેડૂતોએ કેટલીક શરતોનું ઉલ્લંઘ કર્યું જેને લઈને કેટલાક સ્થળોએ પોલીસ અને ખેડૂતો આમને સામને પણ આવી ગયા. કેટલાક સ્થળો પર પોલીસને ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી. પરંતુ મોટી સંખ્યામાં રસ્તા પર નીકળેલા ખેડૂતોએ પોલીસના તાબે થયા ન હતા. ખેડૂતોએ ટીયર ગેસના સેલ ઉપાડીને પોલીસ તરફ ફેંક્યા હોવાના દ્રર્શ્યો પણ સર્જાયા. ખેડૂતોને ત્રણ રૂટ પર દિલ્હીમાં જવા દેવા માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ રેલી શરૂ થયા બાદ કેટલાક ખેડૂતો અલગ-અલગ રૂટ તરફ ફંટાયા હતા. હથિયાર લઈ જવા માટે પણ ખેડૂતોને મનાઈ કરવામાં આવી હતી પરંતુ કેટલાક ખેડૂતો હથિયારો સાથે પણ જોવા મળ્યા.

લાલ કિલ્લા પર ખેડૂતોએ પોતાનો ઝંડો લહેરાવ્યો

ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તમામ કોશિશો બાદ પણ દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી પહોંચતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોનું રૂપ અહીં વધુ ઉગ્ર જોવા મળ્યું. કારણ કે ખેડૂતોએ એ જગ્યાએ પોતાનો ઝંડો લહેરાવી દીધો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે ત્રિરંગો લહેરાવે છે.

લાલ કિલ્લા પર પહોંચીને ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ અહીં એક સૂરે કૃષિ કાયદા પરત લેવાની માગણી કરી હતી. લાલ કિલ્લા પર જતાં રોકવા માટે પોલીસે બેરિકેડ લગાવ્યા હતા પરંતુ ખેડૂતો સામે પોલીસે લગાવેલા બેરિકેડ પણ ટકી શક્યા ન હતા. પ્રદર્શનકારી ખેડૂતોએ પોલીસના બેરિકેડ તોડી નાખ્યા હતા અને લાલ કિલ્લા તરફ આવી ગયા હતા.

લાલ કિલ્લા પર પહોંચીને ખેડૂતો પોતાની પરંપરાગત હથિયાર કળાનું પ્રદર્શન કર્યું. ખેડૂતો અહીં બાઈક સ્ટંટ પણ કરતા નજરે પડ્યા. દિલ્હીમાં હાલ સૌથી વધુ ટ્રેક્ટર જ ટ્રેક્ટર જોવા મળી રહ્યા છે. ઈતિહાસમમાં લગભગ આવો નજારો પહેલાં ક્યારેય જોવા નથી મળ્યો. કેટલાક આંદોલનકારીઓ તો ટ્રેક્ટર લઈને જ લાલ કિલ્લા સુધી પહોંચી ગયા છે.

પોલીસની ગાંધીગીરી

નંગલોઈમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. ખેડૂતો પોલીસનું ન માનતા પોલીસે ગાંધીગીરી અપનાવી હતી અને ખેડૂતો સામે રસ્તા પર બેસી ગયા હતા. ખેડૂતોએ પોલીસના લગાવેલા બેરિકેટ તોડી નાખ્યા હતા. પોલીસ કરતાં ખેડૂતોની સંખ્યા વધુ હોવાથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જવાનો સાથે રસ્તા પર બેસી ગયા હતા અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસનો આરોપ છે કે, નિર્ધારિત સમય કરતા ખેડૂતોએ પહેલાં જ બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત નિર્ધારિત રૂટથી અલગ રૂટ પર જવા માટે પણ ખેડૂતોએ પ્રયાસ કર્યો હતો.

ખેડૂતોએ બેરિકેડ્સ તોડ્યા

ખેડૂતોએ સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદ પર દિલ્હી પોલીસે લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને રાજધાનીમાં પ્રવેશ કર્યો હતો. ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. અહીંના બેકાબૂ બનેલા ટોળાને રોકવા પોલીસે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

દિલ્હી પોલીસે કરી શાંતિની અપીલ

દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને કાયદો હાથમાં ન લેવાની અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. દિલ્હીમાં વિવિધ સ્થળોએ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસે ખેડૂતોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. પોલીસે ખેડૂતોને એવી પણ અપીલ કરી હતી કે તમે પૂર્વનિર્ધારિત રૂટ પર જ ટ્રેક્ટર પરેડ કરો.

દિલ્હી પોલીસના અધિક જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે કહ્યું કે, અમે વિરોધ કરી રહેલા ખેડૂતોને કાયદો હાથમાં ન લેવાની અને શાંતિ જાળવવા વિનંતી કરીએ છીએ.

ખેડૂતો પાછા ક્યારે ફરશે ?

છેલ્લા કેટલાય દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ માટે મહેનત કરી રહ્યા હતા. જો કે, તેમને અત્યાર સુધી તે મોકો મળ્યો ન હતો. હવે ટ્રેક્ટર પરેડના સ્વરૂપે ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ગયા છે. તેમને શરતી છૂટ અપાઈ છે તેમાં નક્કી કરાયું છે કે, સાંજે ખેડૂતોએ પરત ફરવું જો કે, લાખોની સંખ્યામાં દિલ્હીમાં ટ્રેક્ટર સાથે પ્રવેશી ચૂકેલા ખેડૂતો દિલ્હીમાંથી પરત આંદોલનના સ્થળે ક્યારે પાછા ફરે છે તે પણ જોવું રહ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments