Team Chabuk-Gujarat Desk: તૌકતે વાવાઝોડાની વ્યાપક પ્રમાણમાં અસર દીવમાં જોવા મળી છે. વાવાઝોડાના કારણે દીવમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઠેર ઠેર વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે. જેના કારણે હાલ અંધારપટ છવાયેલો છે. વીજળીનો પુરવઠો ફરીથી કાર્યરત થાય તેની લોકો રાહ જોઈને બેઠા છે. વીજ પુરવઠો બંધ થતાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલી પડી રહી છે. પાવર ન હોવાથી વીજ ઉપકરણો બંધ થઈ ગયા છે. લોકોના મોબાઈલની બેટરી પણ હવે હાંફી ગઈ છે. મોબાઈલ બંધ થતાં લોકો એકબીજા સાથે સંપર્ક સાધી શકતા નથી. ત્યારે દીવમાં તંત્ર દ્વારા ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા ચાર્જિંગ પોઈન્ટની વ્યવસ્થા કરાતાં લોકોને ઘણી રાહત થઈ છે. દીવના તંત્ર દ્વારા લોકોના મોબાઈલ ફોન અને પાવર બેંક ચાર્જ થઈ શકે તે માટે દીવની સરકારી કચેરીઓમાં અલગ અલગ સાત જગ્યાએ ચાર્જિંગ પોઈન્ટ બનાવાયા છે. તંત્ર દ્વારા આ પ્રકારની સુવિધા શરૂ કરાતાં લોકો પણ મોબાઈલ અને પાવર બેંક લઈને ચાર્જિંગ કરવા માટે દોડ્યા હતા.
દીવમાં તંત્ર દ્વારા કુલ સાત જગ્યાએ ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરાયા છે. જેમાં કલેક્ટર કચેરી, ફાયર બ્રિગેડ, લોક નિર્માણ વિભાગ, ઉપ લેખા નિર્માણ, પોલીસ મુખ્યાલય, તટીય પોલીસ સ્ટેશન, વિદ્યુત વિભાગ વગેરે જગ્યાએ ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરાયા છે. ચાર્જિંગ પોઈન્ટ શરૂ થયાની જાણ થતાં જ લોકો મોબાઈલ અને પાવર બેંકને ચાર્જ કરવા માટે સરકારી કચેરીઓમાં દોડ્યા હતા.
આ સરકારી કચેરીઓમાં હાલ વીજ પુરવઠો ચાલુ હોવાથી તંત્ર દ્વારા આ સુવિધા ઉભી કરવાનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો હતો. કેમ કે છેલ્લા બે દિવસથી લોકો મોબાઈલ ચાર્જ કરવા માટે આમ તેમ ભટકી રહ્યા છે. ઘણા લોકોના મોબાઈલ ફોન બંધ થઈ ગયા છે. ત્યારે તંત્ર દ્વારા ચાર્જિંગ પોઈન્ટની સુવિધા શરૂ કરાતાં લોકો ચાર્જિંગ કરવા માટે ઉમટ્યા હતા. સરકારી કચેરીઓમાં અલગ અલગ પ્લગમાં માસ્ટર પ્લગ બોર્ડ લગાવીને લોકો ચાર્જિંગ કરી રહ્યા છે.
આમ લોકોના ચાર્જિંગના કારણે બંધ પડેલા મોબાઈલ ફોન શરૂ થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને લોકો આ સુવિધા ઉભી કરવા બદલ સ્થાનિક તંત્રનો આભાર માની રહ્યા છે. ચાર્જિંગ પોઈન્ટ પર મોબાઈલ ચાર્જ કરવા આવેલા જતિન વાઘેલાએ જણાવ્યું કે, વાવાઝોડું આવ્યું ત્યારથી અમારે વીજળી ડુલ થઈ ગઈ છે અને હજુ ક્યારે ચાલુ થાય તેના કોઈ ઠેકાણા નથી. બે દિવસથી મારો મોબાઈલ ફોન પણ બંધ પડ્યો હતો. પરંતુ અહીંયા ચાર્જિંગ પોઈન્ટ ચાલુ થયું હોવાનું જાણવા મળતા જ અમે બધા મિત્રો મોબાઈલ લઈને અહીં આવ્યા છીએ અને ફોનને ચાર્જ કરીએ છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત