Homeગુર્જર નગરીમ્યુકોરમાઈકોસિસ પણ હવે કોરોનાની પંગતમાં, ગુજરાતમાં મહામારી જાહેર કરાઈ

મ્યુકોરમાઈકોસિસ પણ હવે કોરોનાની પંગતમાં, ગુજરાતમાં મહામારી જાહેર કરાઈ

Team Chabuk-Gujarat Desk: દેશમાં કોરોના મહામારી વચ્ચે નવી બીમારીએ માથું ઉચક્યું છે. કોરોનામાંથી સાજા થતાં દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ બીમારી લાગુ પડી રહી છે. ત્યારે ગુજરાત સરકારે મ્યુકોરમાઈકોસિસ બીમારીને મહામારી ઘોષિત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વિશદ ચર્ચાઓ દરમિયાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1897 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલો છે.

આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ.સી.એમ.આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.

મ્યુકોરમાઈકોસિસ નામની આ બીમારી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહી છે. રાજસ્થાનમાં તો 200 કેસ સામે આવતા જ રાજ્ય સરકારે મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરી દીધી છે. હરિયાણામાં પણ હાલ 177 જેટલા કેસ જોવા મળ્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પણ 23 દિવસમાં 239 જેટલા કેસ સામે આવ્યા છે.

દિલ્હીમાં પણ મ્યુકોરમાઈકોસિસના કેસ વધી રહ્યા છે. જેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું છે કે, જો જરૂર પડશે તો દિલ્હીમાં પણ મ્યુકોરમાઈકોસિસ બીમારીને મહામારી જાહેર કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે હોસ્પિટલમાં ડોક્ટરોને સ્ટેરોઈડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે.

ગુજરાતમાં વધી રહ્યા છે કેસ

કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓને આ બીમારી લાગુ પડી રહી છે. રાજ્યમાં શહેરોની સાથે અનેક ગામડાઓમાં પણ મ્યુકોરમાઈકોસિસ મહામારી ફેલાઈ રહી છે. રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં જ અત્યાર સુધી 1200 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં જ 500 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 20 થી 25 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલના ઇએનટી વિભાગની બિલ્ડિંગમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 8 વોર્ડ ઉભા કરાયા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજકોટ સિવિલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આજની તારીખે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 417 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ સારવાર હેઠળ છે. ઈએનટી સર્જનોની ટીમ દ્વારા ચોવીસ કલાક મ્યુકોરમાઈકોસિસના દર્દીઓના ઓપરેશન થઈ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments