Team Chabuk-Gujarat Desk: મોટાભાગે આપણે સાંભળ્યું છે કે માણસ માણસને લોહી આપે અને જિંદગી બચાવે પણ ગુજરાતના મોડાસામાં એક શ્વાને શ્વાનનો જીવ બચાવ્યો છે. કિડની અને લીવરની બીમારીથી પીડાતા આ શ્વાનની જિંદગી અન્ય શ્વાને રક્તદાન કરી બચાવી લીધી છે. ગુજરાતમાં આવો પ્રથમ કિસ્સો છે જ્યાં શ્વાન માટે શ્વાનના લોહીનો ઉપયોગ લેવામાં આવ્યો હોય. અથવા તો ભૂતકાળમાં પણ દેવદૂત સમા આ ડોક્ટરોએ આવું કાર્ય કર્યું હોય પણ પ્રકાશમાં પ્રથમ વખત આવ્યું હોય. જે પણ વ્યક્તિ આ વાત વાંચે છે કે અથવા તો તસવીરો જુએ છે તે વિસ્મયમાં સરકી જાય છે. અત્યાર સુધી આપણે કોઈ જાનવરનું લોહી જાનવરમાં ચડે અને બીજાનું જીવન બચી જાય તેવો કિસ્સો સાંભળ્યો નથી.
આ શ્વાનની તબિયત સ્થિર છે અને તે રિકવર થઈ રહ્યો છે. શ્વાનથી શ્વાનને લોહી ચડાવનારા વેટરનિટી સર્જનોના નામ છે ડૉ. જીતેન્દ્રભાઈ ભુતડિયા, ખાનગી ડોક્ટર નેહલ રાઠોડ અને ડોક્ટર પ્રિયાંશી પટેલ. આ સમગ્ર ઘટના એ રીતે બની કે છેલ્લા કેટલાય સમયથી ડૉ. જીતેન્દ્રભાઈ ભુતડિયા, ખાનગી ડોક્ટર નેહલ રાઠોડ કરુણા હેલ્પલાઈનની સહાયથી શ્વાનના જીવ બચાવે છે. ખાસ તો એવા શ્વાનો જેમને કિડની અને લીવરની સમસ્યા હોય.
મોડાસાના ગેબીનાથ મંદિરની નજીકનાં વિસ્તારમાં એક શેરી શ્વાનને આવી તકલીફ સર્જાઈ હતી અને ડોક્ટરોની ટીમ ત્યાં આવી પહોંચી હતી. આ કૂતરાને લોહીની તકલીફ હોવાથી પશુ ડોક્ટરોની ટીમે તેને લોહીનો બાટલો ચડાવવાનું નક્કી કર્યું હતું. આ માટે એક તંદુરસ્ત શ્વાનની હાજરી હોવી અનિવાર્ય હતી. આસપાસ નજર કરતા ગેબીનાથ મહાદેવના મંદિર પાસે એક તંદુરસ્ત શ્વાન મળી ગયો હતો. જ્યાં મંદિરના મહંતની પરવાનગી લઈ આ શ્વાનમાંથી બીજા શ્વાનમાં બ્લડ ચડાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ કૂતરું છેલ્લા કેટલાય સમયથી જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. લોહી ચડ્યા બાદ તેની સ્થિતિમાં સુધારો આવ્યો છે અને તેની પીડા પણ ઓછી થઈ છે. ડોક્ટરોની ત્રિપુટીએ કરેલા આ ભગીરથ કાર્યની સરાહના કરતા લોકો થાકતા નથી. માણસ તો બીમાર હોય ત્યારે દવાખાને જઈ આવે અને જે હોય તે બોલી આવે, પણ મૂંગા પશુનું શું ? ડોક્ટરોની ટીમે શ્વાનમાંથી શ્વાનમાં લોહી ચડાવી ઉત્તમ દાખલો બેસાડ્યો છે. જેની પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત