Homeગુર્જર નગરીજૂનાગઢઃ પરિવાર બે કલાક માટે બહાર ગયો અને ચોર હાથ ફેરો કરી...

જૂનાગઢઃ પરિવાર બે કલાક માટે બહાર ગયો અને ચોર હાથ ફેરો કરી ગયા, ડોલર, રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી

જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે કોન્વેન્ટ સ્કૂલ પાછળ રહેતા વકીલના ઘરમાંથી ચોરી થઈ છે. વકીલ અને તેમનો પરિવાર ગઈકાલે બે કલાક સુધી ઘર બંધ કરીને સાંજે પ્રસંગમાં ગયો હતો અને પાછળથી તસ્કરો હાથ સાફ કરી ગયા હતા. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી એક હજાર ડોલર, તેમજ રોકડ રકમ તથા દાગીના મળી કુલ 4 લાખની માલ મતાની ચોરી થઈ છે. જ્યારે પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત આવ્યો ત્યારે ઘરમાંથી ચોરી થયાની જાણ થઈ હતી. બાદમાં વકીલે ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં આવેલ કોન્વેન્ટ સ્કૂલ પાછળ ટેનામેન્ટ મકાનમાં રહેતા વકીલ સુભાષચંદ્ર માલદેવભાઈ ગલ અને તેમના પરિવાર સાથે ગઈકાલે મોડી સાંજે આઠેક વાગ્યે ઘર બંધ કરી બહાર પ્રસંગમાં ગયા હતા. બે કલાક બાદ રાત્રે પરત ઘરે આવ્યાં ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર લાઈટો ચાલુ હતી. જ્યારે પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો. જેથી ઘરમાં જઈ તપાસ કરતા જોવા મળ્યું કે બેડરૂમનો કબાટ ખુલ્લો હતો અને તેમાં રાખેલા બે પર્સ ગાયબ હતા. આ બંન્ને પર્સમાં રૂ.3.25 લાખ રોકડા, 1 હજાર ડોલર અને એક સોનાનો ચેઇન, એક સોનાનો કરડો મળી કુલ રૂ.4 લાખની માલમતાની ચોરી થઈ હોવાનું જણાયુ હતું.

આ ચોરી અંગે વકીલ સુભાષભાઈએ ફરિયાદ કરતા સી ડિવીઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બે કલાક જ બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે. તો ચારેક દિવસ પહેલા પણ શહેરમાં સમી સાંજે એક મકાનમાં ઘૂસી લૂંટની ઘટના બની હતી. આમ ઉપરા છાપરી ઘટનાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments