Homeગામનાં ચોરેકેપિટલ હિલમાં ટ્રમ્પ ભક્તોએ મચાવી તબાહી

કેપિટલ હિલમાં ટ્રમ્પ ભક્તોએ મચાવી તબાહી

The Chabuk – International Desk : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમેરિકાએ એક વખત ફરી હિંસાનું રૂપ ધારણ કર્યું છે. આ વખતે વોશિંગ્ટન ખાતે આવેલા કેપિટલ હિલમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ભારે હંગામો મચાવી દીધો. ભારતીય સમય પ્રમાણે મોડી રાતે ટ્રમ્પના સમર્થકો હથિયારો સાથે કેપિટલ હિલમાં ઘુસી ગયા હતા અને તોડફોડ કરી હતી. સેનેટરોને બહાર ખદેડી દેવામાં આવ્યા અને કબ્જો કરી લેવામાં આવ્યો. કોઈ ફિલ્મીસીન હોય એ પ્રમાણે અમેરિકાના શાંત વાતાવરણમાં ક્ષણિકવારમાં જ ત્સુનામી આવી ગઈ હતી. આ ઘટનાની હાલ વિશ્વભરમાં આકરા શબ્દોમાં નિંદા થઈ રહી છે અને ટ્રમ્પના સમર્થકોએ કરેલા વાનરવેડાને જગતભરમાં કાળા દિવસ તરીકે ખપાવવામાં આવી રહ્યો છે.

ટ્રમ્પના સમર્થકો જે કરવા માગતા હતા તેમાં તેમને પૂરી સફળતા નહોતી મળી. ભારે મથામણ બાદ સુરક્ષાદળોએ તેમને બહાર ખદેડ્યા અને કેપિટલ હિલ પણ પુન: સુરક્ષિત કરી દીધું હતું. જોકે હવે આ ઘટના બન્યા પછી સમગ્ર વિશ્વમાં અમેરિકાની થૂ થૂ થઈ રહી છે. અમેરિકામાં મચેલી તડાફડીમાં ચાર લોકોના મોત થયા છે.

કેપિટલ હિલમાં ઈલેક્ટોરલ કોલેજની પ્રક્રિયા ચાલી રહી હતી. જેના કારણે જો બાઈડેન રાષ્ટ્રપતિ બનશે તેવો કાયદેસર થપ્પો લાગી જવાનો હતો. આ કારણે જ હજ્જારોની સંખ્યામાં ટ્રમ્પ સમર્થકોએ વોશિંગ્ટનમાં કૂચ કરી અને કેપિટલ હિલ પર કબ્જો કરી લીધો. અહીં ડોનાલ્ડ ટ્રમ્પને ફરી સત્તા પર રાખવાની માગ કરવામાં આવી રહી હતી.

કેપિટલ હિલમાં ચાલી રહેલી કાર્યવાહીમાં અડચણ પેદા કરવા જ્યારે ટ્રમ્પ સમર્થકો કૂચ કરી રહ્યા હતા ત્યારે સુરક્ષાદળોને માર્ચિંગની ગંધ આવી જ ગઈ હતી અને તેમણે કડક બંદોબસ્ત કરી દીધો હતો. જોકે આ કૂચ રોકાય નહીં અને આગળ ને આગળ વધતી ગઈ. સમર્થકોનો મેળો ગાડરિયા પ્રવાહની જેમ જામતો ગયો. સુરક્ષાબળો કરતાં સમર્થકોની સંખ્યા તાતી હતી.

સુરક્ષા દળોએ તેમને રોકવા માટે ટીયરગેસ, લાઠીચાર્જ સહિતના અગણિત પ્રયાસો કર્યા, પણ ભીડ અંકુશ વિનાના હાથીની જેમ, નદીમાં આગળ વધતું ધસમસતુ પૂર હોય તેમ વધી રહી હતી. આ અફરાતફરીમાં ચાર લોકોના મોત થયા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના વોશિંગ્ટનમાં થયેલી હિંસા બાદ પબ્લિકલ ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. વોશિંગ્ટનના મેયરના જણાવ્યા પ્રમાણે ઈમરજન્સી 15 દિવસ સુધી વધારી દેવામાં આવી છે.

ટ્રમ્પના સમર્થકોએ પહેલી વખત આ પ્રકારની ધમાચકડી મચાવી નથી. આ પહેલા પણ આવા દૃશ્યો જોવા મળી ચૂક્યા છે. વોટની ગણતરી થતી હતી અને ટ્રમ્પ પરાજય પામવાના છે તેની માહિતી મળી જતા મોટી સંખ્યામાં હથિયાર ખરીદાયાના સમાચાર પણ વાયુવેગે વિશ્વભરની મીડિયામાં ફેલાયા હતા. જેનો ભડકો ક્યારે થશે તેની કોઈને ખબર નહોતી. જોકે આજે નિર્ણાયક દિવસ પર ભડકો થયો પણ ખરો. ટ્રમ્પના ભક્તો અવાર નવાર આવું કરતા રહે છે પણ પહેલી વખત કેપિટલ હિલ સુધી ઘુસી જઈ સીમાલાંઘી છે. આ કારણે જ જો બાઈડેન, કમલા હેરિસ અને બરાક ઓબામાએ પણ તેની આલોચના કરી છે. અને આ માટે ટ્રમ્પને જ જવાબદાર ઠેરવ્યા છે. જો બાઈડેને કહ્યું કે, ટ્રમ્પે દેશવાસીઓની માફી માગવી જોઈએ અને તેમના સમર્થકોને સમજાવવા જોઈએ.

વોશિંગ્ટનમાં તબાહી ચાલી રહી હતી તો ટ્રમ્પ શાંત હતા. જોકે થોડા સમય પછી ટ્રમ્પે એક વીડિયો જાહેર કર્યો. જેમાં તેમણે સમર્થકોને ઘર પરત ફરવાની વાત કરી. આ વીડિયોમાં પણ તેઓ ચૂંટણીને લઈને ખોટા દાવા કરતા રહ્યા. ચોળીને ચીકણું થઈ જતા આ વીડિયોને પણ હટાવી દેવાની ફરજ પડી હતી.

જ્યારે સુરક્ષાદળોએ કેપિટલ હિલ ટ્રમ્પ ભક્તોના કબજામાંથી ખાલી કરાવી દીધું ત્યાર પછી સદનની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી. જ્યાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે આ સમગ્ર વિવાદની કડક શબ્દોમાં આલોચના કરી હતી.

અમેરિકામાં આ પ્રકારના દાવાનળની ખબર પૂરા વિશ્વમાં ફેલાઈ ચૂકી છે. બ્રિટનના પીએમ બોરિસ જોનસન, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો સહિતના અન્ય રાષ્ટ્રપ્રમુખોએ આ હિંસાની કડક શબ્દોમાં આલોચના કરી છે. આલોચના કરતા તેમણે કહ્યું કે, આ અમેરિકન ઈતિહાસ માટે કાળો દિવસ છે. હવે વિશ્વભરના મીડિયામાં અમેરિકાની હિંસાની ખબર ટોપ ટ્રેન્ડિંગ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અમેરિકાના વોશિંગ્ટનમાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, લોકતંત્રમાં સત્તા હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments