તયે હે ગોવા બાપા, બિહારની રાજનીતિમાં પણ કોઈ રસપ્રદ કિસ્સા ખરાં કે, બસ આમ સૂનો કંસાર જ છે. કંઈ હોય તો કહો એટલે ડાયરો જામે અને મજા આવે. આમ તો મારે ખાલી એટલું જ પૂછવું છે ગોવા બાપા, કે આ લાલુ પ્રસાદ યાદવ ભાજપનો આટલો બધો વિરોધ કરે છે, તો શું તમારા જમાનામાં એવું થયેલું કે લાલુજી ભાજપના વખાણ કરવા માંડ્યા હોય. ભાજપ ભાજપ નામ લેતા હોય ? કારણ કે રાજનીતિમાં કોઈ કાયમી શત્રુ તો હોતા જ નથી. આવું મેં ફિલ્મોમાં સાંભળેલું.
હે ચાબુક, રાજનીતિમાં પગ મુકો એટલે કિસ્સા આપમેળે બનવા માંડે, જ્યાં ત્યાંથી મળવા માંડે. ખૂણે ખાંચરે વાતો થવા માંડે. બિહારની રાજનીતિ પણ તેની રહસ્યમય અને મજેદાર ઘટનાઓના કારણે રોચક બની જાય છે. આમ તો તે સાંભળ્યું હશે કે બિહારની રાજનીતિમાં ભાજપના સૌથી મોટા વિરોધી અને શત્રુ તરીકે લાલુ પ્રસાદ યાદવની ગણના કરવામાં આવે છે. આ લાલુભાઈને તેની સૌથી મોટી જીત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) નેજા હેઠળ જ મળી હતી.
ભાજપની વિદ્યાર્થી પાંખે એમનું સમર્થન કર્યું અને તેઓ જીતી ગયા. 1990ના સમયમાં પણ જ્યારે લાલુપ્રસાદ યાદવને બિહારની રાજનીતિમાં આવવાની તક મળી ત્યારે ટેકો આપનારી બીજી કોઈ પાર્ટી નહીં, પણ ભાજપ જ હતી. જેની સાથે ખભેખભો મિલાવી તેઓ મુખ્યમંત્રી બની ગયા.
આજે લાલુ પ્રસાદ યાદવ એમનો ખૂબ વિરોધ કરે છે. પણ મૂળ વાત એમના જોડાણની છે. તને નહીં ખબર હોય ચાબુક, પણ લાલુ પ્રસાદ યાદવ તો રાજનીતિમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યાં હતા. હમણાં હું એમની આત્મકથા વાંચતો હતો ત્યાંથી જ આ કિસ્સો જાણવા મળ્યો.
1971ની સાલ હતી. લાલુ પ્રસાદ યાદવ પટના યુનિવર્સિટી સ્ટુડેન્ટ યુનિયનની ચૂંટણી હારી ચૂક્યા હતા. તેઓ નિરાશ હતા. આ નિરાશામાંથી બહાર નીકળવા માટે લાલુજીએ પટનાની એક કોલેજમાં ક્લાર્કની નોકરી પસંદ કરી લીધી. તેમણે નિર્ણય લીધો હતો કે ગમે તે ભોગે સરકારી નોકરી લેવી, એક સારા ઘરની સુશીલ અને સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી નાખવા (જે રાબડી ભાભી નીકળ્યાં) અને બાદમાં સામાન્ય માણસની જેમ જીવન જીવવું.
પણ રાજનીતિનો જે સ્વાદ ચાખી જાયને ચાબુક એની તો વાત જ ન પૂછો. લાલુ પ્રસાદ યાદવ ફરી સ્ટુડેન્ટ ઈલેક્શન માટે મેદાનમાં આવ્યા. એમને અને તેમના સાથીઓને પણ લાગ્યું કે નબળા વર્ગોની વાતને વાચા આપનારું કોઈ છે જ નહીં, તો શું કામે ને તમે આગળ ન આવો. લાલુ તો રાહ જોઈને જ બેઠા હતા. ભાવતું હતું ને વૈદ્યે કીધું. તેમણે છેલ્લી વખત ચૂંટણીમાં જંપ લાવવાનું નક્કી કર્યું. આ છેલ્લી વખત જ હતું! પણ હાર્યો જુગારી તો બમણું રમે ને ચાબુક !! લાલુ પેલા ગુજરાતી વાક્યની જેમ ઉતર્યા હતા. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
આ એ સમય હતો જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર સંગઠનના રૂપમાં હલેસા મારી રહ્યું હતું. તેની લોકપ્રિયતા અને રાજનીતિમાં સક્રિયતા બેવડાઈ રહી હતી. લાલુએ તેના પાલવને પકડવાનું મન બનાવી લીધું.
એબીવીપીએ પણ પોતાનો ઉમેદવાર ઉતારવાની જગ્યાએ સમાજવાદી પાર્ટીની પેનલને સમર્થન આપવાનું કહ્યું ત્યારે ખૂદ અંદરખાને ચિત્ર-વિચિત્ર વાતો થવા લાગી. લાલુને ચહેરા તરીકે રાખી પાર્ટી મેદાનમાં ઉતરી. લાલુ જીતી ગયા અને એક સામાન્ય જીવન જીવવાની જગ્યાએ રાજનીતિનું જીવન જીવવા લાગ્યા અને તેમાં ખૂબ ઉપર સુધી ગયા. એ સિવાય 1990નું સમર્થન તો ખરું જ, પણ પ્રથમ પ્રેમ તો પ્રથમ પ્રેમ જ હોય છે ને! તો ચાબુક આ હતા લાલુ પ્રસાદ યાદવ અને ભાજપનાં સંસ્મરણો.
‘‘તે હે ગોવા બાપા, ભાજપ અને લાલુ પ્રસાદ યાદવ આજે ભેગા થઈ જાય તો ચિત્ર કેવું સર્જાય તમે જરાં કલ્પના તો કરો.’’
(ગોવા બાપાની અનુભવી કલમે બિહારની ચૂંટણીનો ઈતિહાસ)