Homeગુર્જર નગરી‘ડો. આંબેડકર પોતે જ મહાન સંશોધનકાર હતા…’

‘ડો. આંબેડકર પોતે જ મહાન સંશોધનકાર હતા…’

Team Chabuk-Gujarat Desk: સમાજ-જીવનમાં વસતા માનવોના વર્તન વ્યવહારોને પરિણામે ઘટતી ઘટનાઓ અને આવતા પરિવર્તનો સામાજિક સંશોધકો માટે કાયમ અભ્યાસ અને નિરીક્ષણનો વિષય રહ્યા છે, ત્યારે સમાજના વંચિત એવા અનુસૂચિત જાતિ સમાજના સંદર્ભે તેના સામાજિક વલણો અને સમસ્યાઓને સંશોધન હેઠળ આવરી લેવાના આશય સાથે વડોદરા ખાતે શુભારંભ પામી રહેલી સંકલ્પ સોશ્યલ વર્ક એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર્કિટ હાઉસ વડોદરા ખાતે આજે એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો.

ગુજરાતમાં આજે દલિત સાહિત્યમાં સારું એવું ખેડાણ થઈ રહ્યું છે ત્યારે દલિત સર્જકો આ સમાજમાં આવતાં પરિવર્તનો, તેના બદલાતા મનોવલણોને, તેમના સર્જનમાં ઝીલતા સંશોધનકારો પણ બને એવો અનુરોધ કરતાં આ પરિસંવાદના ઉદઘાટક અને અધ્યક્ષ ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર અને પૂર્વ સનદી અધિકારી પ્રવીણ ગઢવીએ કહ્યું કે  ક્રીમિલેયરનો  મુદ્દો આજકાલ ચર્ચામાં છે ત્યારે વંચિત સમાજના ક્રિમીલેયર નામાભિધાન પામેલા પરિવારની નવી પેઢી અત્યારે શું કરે છે તેના પર સંશોધન કરવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે આધુનિક સમયમાં ગ્રામ્ય અને શહેરી વંચિત સમાજના પ્રશ્નો અને તેના નિરાકરણને પણ નવી પેઢીના સંશોધકોએ તેમના સંશોધનમાં આવરી લેવા જોઈએ.

અતિથિ વિશેષ પદે ઉપસ્થિત પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને કાયદા નિષ્ણાત કે.બી. રાઠોડે વડોદરાની ભૂમિ પરથી આખા દેશના વંચિત – દલિત સમાજના ઉદ્ધારક માર્ગદર્શક બનેલા, સંવિધાન નિર્માતા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરને મહાન સંશોધનકાર તરીકે ઓળખાવી નવી પેઢીના સંશોધકોને તેમનામાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

અતિથિ વિશેષ અને પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઇ પરમારે કવિતા, વાર્તા જેવા સર્જનાત્મક સાહિત્ય સર્જન કરતાં સંશોધનકાર્ય વધુ પડકારજનક હોવાનો મત વ્યક્ત કરી નવી પેઢીના સંશોધકોને અત્યંત ધીરજ, ખંત અને નિષ્ઠાથી કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સંશોધન એ નિરંતર પ્રક્રિયા છે અને સંશોધનની એક બારી ભવિષ્યના સંશોધન માટે કાયમ ખુલ્લી જ હોય છે.

પ્રારંભે આ સંસ્થાના નિયામક અને એમ.એસ યુનિવર્સિટીના પૂર્વ ડીન ડો.જગદીશ સોલંકીએ વડોદરાના કાર્યક્ષેત્ર અને ભાવિ આયોજન વિશે સવિસ્તાર ભૂમિકા રજૂ કરી કહ્યું કે આધાર પુરાવા અને નિષ્ઠાપૂર્વકના અભ્યાસ સાથે થતાં સંશોધનો અને એનાથી નીપજી આવતા તારણોની નોંધ હંમેશા ગંભીરતાથી લેવાતી હોય છે અને તેની સમાજજીવન માટે ઉપયોગીતા પણ ઘણી હોય છે.    

આ સંસ્થાના સંસ્થાપકો પૈકીના એક અને ગુજરાત યુનિવર્સિટીના સોશ્યોલોજી વિભાગના પૂર્વ નિયામક ડૉ. મનુભાઈ મકવાણાએ સમગ્ર સેમિનારના સંચાલનનો દોર સંભાળ્યો હતો.  ઉદઘાટન સમારોહમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પૂર્વ નાયબ નિયામક પ્રવીણ શ્રીમાળી તથા સંસ્થાના હોદ્દેદારો સર્વ ડો.રાજેશ લકુમ, ગણપત રાઠોડ, ડો. દિપક મકવાણા,ડૉ. રજનીકાંત પરમાર, મૃગેશ શેરડીવાલા તથા વડોદરા મહાનગર પાલિકાના કોર્પોરેટર લીલાબેન મકવાણા તથા  સંશોધન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બીજા  સત્રમાં પૂર્વ ન્યાયાધીશ કે.બી.રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલા ચર્ચા સત્રમાં સર્વ ડો. જગદીશ સોલંકી, જિમ્મી ડાભી અને નિલેશ ભારતીએ પોતાના મનનીય વક્તવ્યો રજૂ કર્યા હતા. જેમાં  સંશોધન સંસ્થાની ઉપયોગીતા, ભવિષ્યના વ્યવસાય અને તકો તથા વંચિતતા અને વિકાસ જેવા વિષય પર વિશદ ચર્ચા થઈ હતી.

સમાપન વક્તવ્યમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પૂર્વ અધિકારી પ્રવીણ શ્રીમાળી એ સંશોધન દ્વારા બહાર આવતા નિષ્કર્ષો રાજ્ય સરકારને પણ નીતિ ઘડતરમાં બહુમૂલ્ય પુરવાર થતા હોવાનો મત વ્યક્ત કર્યો હતો.  સમગ્ર પરિસંવાદની આભાર વિધિ આઈ.આઈ.ટી મુંબઈના ડો.રજનીકાંત પરમારે કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments