Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીરથી અતિગંભીર તરફ ગતિ કરી રહી છે. કોરોના વાયરસે સાથે બેસીને જમતા પરિવારનો રોટલો અલગ કર્યો છે. કાળમુખો કોરોના રોજ કેટલાય લોકોને ભરખી રહ્યો છે. રોજ હોસ્પિટલ બહાર હૈયાફાટ રૂદન અને હ્રદય દ્રાવક દ્રશ્યો વાસ્તવિકતા રજૂ કરી રહ્યા છે.
હોસ્પિટલમાં કોઈ પોતાની માતા, કોઈ પિતા, તો કોઈ પતિ કે પત્નીને ગુમાવી રહ્યા છે. તો કોઈ માતા-પિતા પોતાના વ્હાલસોયા પુત્ર કે પુત્રીને મોતની અગ્નિમાં હોમાતા જોઈ દુઃખી થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે, પોતાના સ્વજનોને આંખ સામે રિબાતા જોતા હોવા છતાં પ્રેમથી ભેટી પણ નથી શકતા. બસ લોકો હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે કોઈ પણ રીતે કોરોનાનું સંક્રમણ અટકી જાય અને આ કાળમુખો કોરોના લોકોના જીવ લેવાનું બંધ કરે.
દ્વારકામાં શુક્રવારે જ એક કિસ્સો બન્યો છે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિની આંખમાંથી આંસુ સરી પડશે. શુક્રવારે દ્વારકામાં મોહન સોલંકી નામના પોલીસ કોન્સ્ટેબલનું નિધન થયું. થોડા દિવસ પહેલાં જ મોહન સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબિયત વધુ લથડતાં તેમને ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ યમદૂત બનીને આવેલા કોરોના સામે મોહન સોલંકી હારી ગયા. મોહન સોલંકીનું નિધન થતાં તેમને પૂરા સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. જો કે, અંતિમ વિદાય વખતે જે દ્રશ્યો સર્જાયા તે જોઈને હાજર તમામ લોકોનું મન ભરાઈ ગયું હતું.
મોહન સોલંકીને અંતિમ વિદાય આપવા માટે તેમની પત્ની અને ચાર-પાંચ વર્ષનો પુત્ર હાજર હતા. પત્ની અને પુત્રની સામે મોહનભાઈનો મૃતદેહ પડ્યો હતો પરંતુ તેઓ તેમની પાસે પણ જઈ ન હતા શકતા. પુત્ર પિતા પાસે જવાની તેનું મોઢું જોવાની જીદ કરી રહ્યો હતો પરંતુ ભારે હૈયે ત્યાં હાજર એક વ્યક્તિ તેને દૂર લઈ ગયા હતા અને દૂરથી જ પિતાને અલવિદા કહેવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર આ કરૂણ વીડિયો વાયરલ થયો છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે હે ભગવાન ! હવે કોઈ સાથે આવું ન બને.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત