Homeગુર્જર નગરીવાવાઝોડાની દહેશત વચ્ચે ગીર પંથકમાં ભૂકંપના આંચકા

વાવાઝોડાની દહેશત વચ્ચે ગીર પંથકમાં ભૂકંપના આંચકા

શૈલેષ નાઘેરાઃ ગીર પંથકમાં કુદરત જાણે નારાજ હોય તેમ વાવાઝોડુ, પવન અને ભૂકંપ એમ ત્રણ ત્રણ મુસીબત એક સાથે આવી પડી છે. કોરોના મહામારી વચ્ચે ગીર પંથકમાં સંભવિત તૌકતે વાવાઝોડાના આગમન પહેલાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાવાઝોડાના કારણે એક તરફ ભારે પવન અને વરસાદ વચ્ચે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં પણ દહેશત જોવા મળી છે.

સોમવારની વહેલી સવારે સમગ્ર ગીર પંથકમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ગીર પંથકના ઉના, સૂત્રાપાડા, દીવ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રિના 3.35 વાગ્યે દીવ અને ઉનામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જ્યારે 3.40 વાગ્યે સૂત્રાપાડા અને ગીર વિસ્તારમાં ભૂંકપના આંચકાનો અનુભવ થયો હતો. ગીર પંથકમાં મધરાતે ધરા ધ્રુજી ઉઠતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એક તરફ ભારે પવન અને વરસાદ વચ્ચે ભૂંકપનો આંચકો આવતા લોકોમાં પણ ડરનો માહોલ પેસી ગયો હતો. ગીર પંથક ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 નોંધાઈ છે. ભૂકંપના કારણે ઉના તાલુકાના વાસોદ ગામે એક મકાનમાં તિરાડ પણ પડી ગઈ હતી. ગીર પંથકમાં આશરે 3 થી 4 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.

વાવાઝોડું દીવ નજીક ટકરાશે

રાજ્યના દરિયા કિનારે તૌકતે વાવાઝોડું આવવાની સંભાવનાને લઈને સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. તૌકતે વાવાઝોડું આજે રાત્રે દીવ નજીક દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના છે. 150 થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહેલા આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ઘમરોળશે. વાવાઝોડાના કારણે માછીમારોને પણ પરત બોલાવી લેવાયા છે. કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં જનરેટરની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે ગઈકાલથી જ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, દિવ, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે.

તૌકતે વાવાઝોડાના કારણે સરકાર દ્વારા પણ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કુલ 41 એનડીઆરએફની ટીમ 20 જિલ્લામાં સ્ટેન્ડ-ટુ છે, 3 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. તૌકતે વાવાઝોડાના સંભવિત આગમનના કારણે રાજ્યમાં સોમવાર અને મંગળવારે એમ બે દિવસ રસીકરણ બંધ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments