Team Chabuk-Gujarat Desk: રૂપિયાની લાલચ માણસને કંઈ પણ કરાવે છે. જયારે નજર સામે અને તમારા હાથમાં ખુબજ મોટી રકમના રૂપિયા હોય ત્યારે ગમે તેનું મન લલચાય જાય છે. એવું જ કંઈક ઉપલેટામાં બન્યું છે. દરરોજ લાખો અને કરોડો રૂપિયા હાથમાં આવે અને બીજાને આપી દેવાના. રોજ ફરતા આ રૂપિયા જોઈને રૂપિયા ફેરવનારનું મન લલચાયુ અને જ્યાં કામ કરતો હતો તે પેઢીમાંથી 2 કરોડ 45 લાખ રૂપિયાની છેતરપિંડી કરી નાખી.
ઘટના છે ઉપલેટાના આગડિયા પેઢીની જેમાંથી તેના મેનેજર કમ સંચાલકે જ પેઢીમાંથી 2 કરોડ 45 લાખ રૂપિયા ઉપરની રકમની ઉચાપતી કરી હોવાની ફરિયાદ આંગડિયા પેઢીના માલિકે કરી છે અને ઉપલેટા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉપલેટા શહેરમાં આવેલી K .R આંગડિયા પેઢીમાંથી તેના મેનેજર પ્રતિપાલ જાડેજાએ પેઢીમાં રોજ આવતા અને ઉપલેટાના વેપારીઓને ચૂકવવાના રૂપિયા નહીં ચૂકવીને આ રૂપિયાની ઉચાપત કરીને રફુચક્કર થઈ ગયો હોવાની ફરિયાદ K.R આંગડિયા પેઢીના માલિક મયુર સુવાએ કરી છે.
કેવી રીતે થઈ ઉચાપત
ગત તારીખ 24 એપ્રિલના રોજ K.R આંગડિયા પેઢીનો મેનજર પ્રતિપાલસિંહ જાડેજા આંગડિયા પેઢીમાંથી 5 લાખની ઉચાપત કરીને રફુચક્કર થઈ ગયો હોવાની ફરિયાદ આંગડિયા પેઢીના માલિક મયુર સુવાએ ઉપલેટા પોલીસમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ આંગડિયા પેઢીના હિસાબ તપાસ કરાતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
અનેક લોકોને રૂપિયા ન ચૂકવ્યા
આંગડિયા પેઢીના માલિક મયુર સુવા અને તેના ભાગીદાર તારિક જબાર પટેલને સાથે રાખીને હિસાબ ચેક કરવાનું શરૂ કરાયું ત્યારે ઉપલેટા, ભાવનગર, અમદાવાદ વગેરે શહેરમાં મયુર સુવાની આંગડિયા પેઢીને કરોડો રૂપિયા ચૂકવવાના બાકી બોલતા હતા. જેમાં વી. પટેલ આંગડિયા પેઢીના સંજયને 60 લાખ રૂપિયા, K.R આંગડિયા પેઢીના નિકુંજને 49 લાખ 50 હજાર રૂપિયા, બેસ્ટ આંગડિયા પેઢીના હરપાલસિંહ ઝાલાને 35 લાખ 64 હજાર, એમ. કે આંગડિયા પેઢીને 39 લાખ રૂપિયા, ઉપલેટાના શ્રી રામ પાઇપના રાકેશને 20 લાખ 6990 રૂપિયા, ઉપલેટા ના ડી. ડી. જેવેલર્સના દેવેનને 5 લાખ રૂપિયા,
ઉપલેટાના અબરાર ફુલરાના 9 લાખ 98 હજાર, ઉપલેટાના બસીરના 6 લાખ રૂપિયા, ઉપલેટાના તુષાર પટેલના 5 લાખ રૂપિયા, ઉપલેટાના કિશોર સુવાના 4 લાખ 85 હજાર રૂપિયા, લાફી ઉપલેટાવાળાના 5 લાખ અને પરચુરણ વેપારીને 5 લાખ મળીને કુલ 2 કરોડ 45 લાખ રૂપિયા ઉપરની રકમની ઉચાપતની ફરિયાદ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આંગડિયા પેઢીના માલિકે નોંધાવી છે.
આંગડિયા પેઢીના માલિક મયુર સુવા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ છે અને ઘણા વર્ષોથી તેવો ઉપલેટામાં આંગડિયા પેઢી ચલાવે છે. તે K.R આંગડિયા પેઢી ચલાવે અને સાથે એક જ દુકાનમાં
અન્ય બીજી આંગડિયા પેઢી કે વી. પટેલ આંગડિયા, બેસ્ટ આંગડિયા સહીતની પેઢી ચલાવે છે અને તેના દ્વારા ઉપલેટાના વેપારીઓ સાથે પૈસાનો વ્યવહાર કરે છે. આ વ્યવહાર કરોડોમાં થતો હોય છે.
હિસાબ ચેક કરતાં મામલો સામે આવ્યો
આરોપી અને જેની સામે 2 કરોડ 45 લાખ રૂપિયાથી વધુની ઉચાપતની ફરિયાદ થઈ છે તે પ્રતિપાલસિંહ જાડેજા K.R આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને ઉપલેટાના આનંદ નગરની દ્વારકાધીશ સોસાયટીમાં રહે છે. જે વર્ષોથી મયુર સુવાની K.R આંગડિયા સહીતની બેસ્ટ આંગડિયા, વી.પટેલ આંગડિયા પેઢીનો વહીવટ કરતો હતો અને આંગડિયા પેઢી ચલાવતો હતો. ગત તારીખ 24 એપ્રિલના રોજ તેની સામે પ્રથમ K.R આંગડિયા પેઢીમાંથી 5 લાખની ઉચાપતની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ K.R આંગડિયાના માલિકે હિસાબ ચેક કરતા સમગ્ર ઉચાપત અને ગોલમાલ સામે આવી હતી.
મયુર સુવાના નામે ખોટા કરાર પણ કરેલા
આંગડિયા પેઢીના મેનેજર પ્રતિપાલસિંહ જાડેજાએ બજારમાં કરોડો રૂપિયા નહીં ચૂકવવાની સાથે સાથે આંગડિયા પેઢીના માલિકના નામે ખોટો ફ્રેન્ચાઈઝ કરાર પણ કરીને રૂપિયાની ઉચાપત કરી હતી. તપાસ કરતા અને ઉપલેટાના K.R આંગડિયા પેઢીના માલિક મયુર સુવાના જણાવ્યા મુજબ પ્રતિપાલસિંહે યેન કેન પ્રકારે તેનું આધારકાર્ડ અને પાન કાર્ડ મેળવીને ખોટી રીતે કરાર કરેલ હતો અને તે દ્વારા 39 લાખ રૂપિયા અમદાવાદની એમ.કે. એકન્ટરપ્રાઈઝ પાસેથી લઈ લીધા હતા.
પ્રતિપાલસિંહે આ આંગડિયા પેઢીમાંથી અન્ય શહેર ભાવનગરના બીજા શખ્સોને મોટી રકમ મોકલી હતી જે શંકાસ્પદ વ્યવહાર છે જેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામના અર્જુનસિંહ કિશોરસિંહ ગોહિલ, ભાવનગરના તેજપાલસિંહ જાડેજાને અલગ અલગ સમયે 1 કરોડ 70 લાખ આસપાસની રકમ મોકલી આપી હતી. આ વ્યવહાર શંકાસ્પદ જણાતા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપલેટાના સ્થાનિક હિતેશ ઉર્ફે લોગી ઘેલાણી 37 લાખ રૂપિયા આપેલ જે પણ શંકાસ્પદ જણાતા તપાસ શરૂ કરેલ છે. સાથે આરોપી પ્રતિપાલસિંહે અમદાવાદના જે વકીલ પાસે ખોટો ફ્રેન્ચાઇઝીસ કરાર નોટરી કરાવેલ તે વકીલ એચ. કે. જૈન સામે પણ તપાસ શરૂ કરેલ છે. હાલ તો ઉપલેટા પોલીસ દ્વારા પ્રતિપાલસિંહ જાડેજા અને તેના અન્ય સાગરીતો સામે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત