Homeદે ઘુમા કેસુશીલ કુમાર: ખરતો તારો જોયો છે? આવ દેખાડું તને...

સુશીલ કુમાર: ખરતો તારો જોયો છે? આવ દેખાડું તને…

Editors Gallery: The Boys સુપરહીરો વેબ સિરીઝ છે. સમય મળે તો રાજકારણ અસલમાં શું વસ્તુ છે તેને નજીકથી જોવા માટે અચૂક જોવી. આ વેબ સિરીઝની એક ટેગલાઈન છે. નેવર મીટ યોર હીરોઝ. તમારા આદર્શને કોઈ દિવસ મળશો નહીં. ડુંગરા દૂરથી રળિયામણા હોય છે તે કહેવતને આ લાઈને સાર્થક કરી બતાવી છે. આપણે આદર્શો સેવતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ આદર્શ સેવે છે. તેને ઉછેરે છે. ભારત દેશમાં આદર્શનું ઈંડુ ઉછેરનારા મારા તમારા જેવા કોઈ દિવસ તેમાંથી ફળરૂપી સંતાન પામતા નથી.

ભાગ્યે જ કોઈ વ્યક્તિ જેવો હોય એવો દેખાય છે. તેના ખંધા સ્મિતની પાછળ તો કેટલાય રહસ્યમય સાંપોલિયા રમતા હશે! આપણને શું ખ્યાલ! આ વાતના નવા નમૂના તરીકે સુશીલ કુમારને લઈ શકીએ. ઓલમ્પિકમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડાલિસ્ટ. 2008માં ચીનના બિઝીંગ શહેરમાં જીત્યો. અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ મેળવ્યો પછી બધા ઓડકાર લઈ ઊંઘી ગયેલા ત્યાં વધુ એક મેડલ આવી ગયો.

130 કરોડની વસતિ ધરાવતા ભારતમાં એક મેડલ સાંપડતા જનતા ઉછળી પડે તે સ્વાભાવિક છે. કુસ્તી કોઈ ક્રિકેટ નથી. બ્રોન્ઝ મેડલ જીતનારો સુશીલ વિસરાય ગયો. 2012માં તેણે ફરી સિલ્વર મેડલ જીતી સંભારણા જીવંત કરી દીધા. પછી તો સેલિબ્રિટી કક્ષાનો બની ગયો. અભિનેતાઓ સાથે ઉઠવું બેસવું થઈ ગયું. હીરો હંમેશાં હીરો નથી હોતો. નથી રહેતો? હીરોની અંદર પણ વિલનનું હ્રદય ધબકતું હોય છે. સુશીલ કુમાર છેલ્લા એક અઠવાડિયાથી દેશભરની જનતાની આંખોમાં વિલન બનીને વસી ગયો છે. ઘણાના હ્રદયભંગ થયા છે. વ્યથિત થયા છીએ. નિરાશ છીએ. એક સ્ટારને ચડતા જોયો છે, પણ પડતા જોયો હોય તો સુશીલ કુમારની કારકિર્દીને જોઈ લેવી. પશ્ચિમના દેશોમાં છાશવારે આવા કિસ્સાઓ છાપે ચડતા હોય છે. ભૂતકાળમાં ડોકિયું કરશો તો મળી રહેશે, પણ સુશીલ આ બધાથી અલગ છે. સુશીલે આપણને ન દેખાડવાનું દેખાડ્યું છે.

આ લખાય છે ત્યારે મૃતક પહેલવાન સાગર ધનખડની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગઈ છે. ઈન્ડિયા ટુડેના અહેવાલને ટાંકીએ તો સાગરના શરીરમાં ઠેર ઠેર ઈજાના નિશાન છે. ઈજાના નિશાન એટલા ઊંડા છે કે શરીરના હાડકા સુધી પહોંચી ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાગરનું મૃત્યુનું કારણ તેના માથાના ભાગે કોઈ હથિયાર દ્વારા કરવામાં આવેલા પ્રહારને માનવામાં આવી રહ્યો છે. તેના શરીરથી લઈને ઘૂંટણ સુધી ઈજાના નિશાન છે. તેની છાતી અને પીઠ પર ઊંડા ઘા છે. 1થી 4 સેન્ટિમીટર ઊંડા ઘા છે.

આ રિપોર્ટના આધારે એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સાગરના મૃત્યુ પહેલા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેના શરીર પર જેટલા પણ નિશાન દેખાય છે તે તેના નિધન પહેલાના છે. સાગરના વિસરા અને લોહીના સેમ્પલને સીલ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેને આગળની તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.

4 મેની એ કાળરાત્રિએ સાગરનું અપહરણ કરવામાં આવ્યું હતું. રાતના અગિયાર વાગ્યા હતા. દિલ્હીના મોડલ ટાઉનના એમ બ્લોક વિસ્તારમાં કેટલાક લોકો એક ફ્લેટમાં પહોંચ્યા. આ લોકોના હાથમાં હોકી સ્ટીક અને દંડા હતા. પોલીસનો દાવો છે કે હુમલાવરમાં એક પહેલવાન સુશીલ કુમાર પણ હતો. આ લોકો પર સાગર અને તેના મિત્રોને ગન પોંઈન્ટ પર અપહરણ કરવાનો આરોપ છે. ત્યાંથી કારમાં બેસાડીને તેમને છત્રસાલ સ્ટેડિયમમાં લઈ જવામાં આવ્યા. આરોપ છે કે સાગર અને તેના મિત્રોને અહીં માર મારવામાં આવ્યો. 5 મેની અડધી રાત્રે 2 વાગીને 52 મિનિટ પર સાગરને નજીકના BJRM હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જે પછી ટ્રામા સેન્ટર લઈ જવામાં આવ્યો. જ્યાં સવારના સાત વાગ્યે તેનું મૃત્યુ થઈ ગયું. આ કેસમાં જ સુશીલ કુમારની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.

સુશીલ કુમાર ઉત્તર રેલવેમાં સીનિયર કમર્શિયલ મેનેજરની પોસ્ટ પર હતો. તેને એ પદ પરથી પણ નિલંબિત કરી દેવામાં આવ્યો છે. ઓલમ્પિકમાં ડોપિંગ સિવાય કોઈ પણ કેસમાં ખેલાડી ફસાઈ છે તો તેની પાસેથી મેડલ છિનવાનો નિયમ નથી. અત્યાર સુધીમાં 33 ખેલાડીઓને સજા થઈ ચૂકી છે પણ 33માંથી કોઈ પણ ખેલાડી પાસેથી તેણે જીતેલો મેડલ પરત લેવામાં નથી આવ્યો. આ પૂર્વે સાઉથ આફ્રિકાના ખેલાડી ઓસ્કાર પિસ્ટોરિયસે તેની ગર્લફ્રેન્ડની કરપીણ હત્યા કરી હતી. જોકે આ કેસમાં તેની પાસેથી મેડલ છિનવવામાં નહોતાં આવ્યાં. ઓલમ્પિકની સાથે સાથે કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં જીતેલા ચંદ્રકો પરત લેવાનો કોઈ નિયમ નથી. પદ્મ એવોર્ડ કે ખેલ રત્ન પુરસ્કાર પરત લેવાનો પણ કોઈ નિયમ નથી. જો સરકાર ઈચ્છતિ હોય તો પરત લઈ શકે છે. અર્થાત્ દેશ માટે સુશીલ પહેલો કેસ બન્યો છે. જેણે બધાને વિચારવા મજબૂર કરી દીધા છે.

સાગરના પિતા અશોક ધનખડે આ સમગ્ર કિસ્સામાં કહ્યું છે કે, ‘‘2010ની વાત છે. પહેલવાન સુશીલ કુમારે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. ભરચક સ્ટેડિયમમાં તેને રાષ્ટ્રધ્વજ ફરકાવતો જોઈને મારા દીકરા સાગરના હ્રદયમાં પણ પહેલવાન બનવાના વમળ ઉઠ્યા. બાળપણના તમામ શોખ છોડીને માત્ર 15 વર્ષની ઉંમરમાં સાગર મારી સાથે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં પહોંચી ગયો. મહાબલી સતપાલની સાથે સાથે સુશીલ કુમારને પણ તેણે ગુરૂ માન્યો હતો. સાગરે જ્યારે જૂનિયર નેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે મને લાગ્યું કે એક વખત મારો દીકરો પણ આંતરાષ્ટ્રીય સ્તર પર ચમકશે. પણ એવું થઈ ન શક્યું. સાગરને મારી નાખવામાં આવ્યો. હત્યાનો આરોપ પણ કેના પર? એ જ સુશીલ કુમાર પર જે મારા દીકરાનો આદર્શ હતો.’’

આ અંગે સાગરના મામાએ કહેલા શબ્દો વાંચો, ‘‘સાગરની હત્યા એક પહેલવાનની દાદાગીરી છે. એ ગુરૂ હત્યારો છે જેણે પોતાના શિષ્યનું કત્લ કર્યું હોય. એ ગુરૂ કહેડાવવાને લાયક નથી. છત્રસાલ સ્ટેડિયમની જે જવાબદારી તેને સોંપવામાં આવી છે તેના પરથી હટાવવામાં આવે. અમે ઈચ્છીએ છીએ કે હત્યારો પકડાય જાય. કાયદા પ્રમાણે ન્યાય થાય.’’

ઓલમ્પિક મેડલ મેળવવાની સિદ્ધિ નાની સૂની નથી હોતી. એક ખેલાડી તેમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. આવા ખેલાડીની સિદ્ધિને ખરા ટાણે જનતાની સામે લાવવી જોઈએ. પોંખવી જોઈએ. આજે ઈચ્છા હતી કે સુશીલ કુમારના જન્મદિવસ પર તેની સમગ્ર જીવની સામે લાવીએ પણ હવે માહોલ ડહોળાઈ ગયો છે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments