Editors Gallery: દુનિયાની એક માત્ર યુનિવર્સિટી જેમાં એડમિશન લેવા માટે કોઈ ધારાધોરણ નથી. તમારી પાસે બસ એક સ્માર્ટફોન હોવો જોઈએ અને તેમાં ઈન્ટરનેટનું કનેક્શન હોવું જોઈએ. આ બે જીવનજરૂરિયાતની વસ્તુ હોય એટલે તમે વોટ્સએપ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છે. આ માટે કોઈ નિર્ધારિત વય પણ નથી. આ વિશ્વની પ્રથમ એવી યુનિવર્સિટી છે જ્યાં એડમિશન માટે લાગવગની જરૂર નથી પડતી. જો કોઈ બેન્ચ (ગ્રુપ)ની સીટ ફુલ થઈ જાય છે, જે થવાની જ છે, તો અન્ય આવું જ એક ગ્રુપ હશે જે તમને ઉલ્લુ બનાવવાનો અભ્યાસક્રમ ચલાવતું હશે. ત્યાં રાજીખુશીથી એડમિશન લઈ તમે મૂરખના સરદાર બની શકો છો.
વોટ્સએપ યુનિવર્સિટીએ ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના દીકરાના મે મહિનામાં લગ્ન હોવાની વાત કરી. ખૂદ મુખ્યમંત્રીને ટ્વીટર પર આવી કહેવું પડ્યું કે આ ખોટી વાત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એ સ્ક્રિનશોટ વાઈરલ થયો હતો. જોકે એ પહેલા મુખ્યપ્રધાનના પુત્રના લગ્ન છે આ વાત ઘણા સાચી માનવા લાગ્યા હતા. હતી તો ફેક જ ન્યૂઝ. તમામ રાજકીય પાર્ટીઓ તરફથી ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે. ખોટું બોલી ભ્રમિત કરવામાં આવે છે, પણ હવે મુખ્યપ્રધાન પર જ આવો ફેક ગોળો ફેંકાયો, હવે વિચારો કે આવી કેટલીય ખોટી ખબરો તમારી સામે આવતી હશે અને તમે સાચી માની લેતા હશો.

પુસ્તકોની વાત માનો, અખબારોની વાત માનો, પણ વોટ્સએપ યુનિવર્સિટીની વાત ન સ્વીકારો. વોટ્સએપ યુનિવર્સિટીની કેટલીક શાખાઓ છે જે તમને વર્ષોથી ભ્રમિત કરવાનું કામ કરે છે. ગામડામાં અને તાલુકામાં કેટલાય એવા લોકો છે જે એવી ખોટી અફવામાં આવી ગયા છે કે વેક્સિન લીધા બાદ પ્રાણ પંખેરું ઉડી જશે. કોરોના એક ષડયંત્ર છે આવી વાત પણ વોટ્સએપ યુનિવર્સિટી મારફતે જ ફેલાવવામાં આવી હતી.
વોટ્સએપ યુનિવર્સિટીની એક દાક્તરી શાખા છે જે તમને ડોક્ટર પાસે જતા રોકે છે. તમને કંઈ થયું હોય તો ડોક્ટરની મુલાકાત લો, પણ નહીં, પાંચ વર્ષ સુધી અથાગ મહેનત કરનારા એમબીબીએસની વાત માનવાની જગ્યાએ લોકો વોટ્સએપ યુનિવર્સિટીની વાતો માનવા લાગે છે. ડોક્ટરની ડિગ્રી વોટ્સએપ યુનિવર્સિટીની આગળ પાંગળી પૂરવાર થઈ જાય છે. આ યુનિવર્સિટીમાં અગણિત ડોક્ટરો બની બેઠા છે. 8 પાસ મુન્નાભાઈ કે બાઈ ડોક્ટર પણ મળી જશે.
વોટ્સએપ યુનિવર્સિટીમાં નવો ઈતિહાસ ભણાવવામાં આવે છે. જેથી ઘણાનો તો એ વાત પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે કે ઈતિહાસ એ ભણવાનો વિષય છે. ગમે ત્યાંથી ઉત્ખન્ન કરીને લાવે છે અને ખોટો ઈતિહાસ ભણાવે છે. આ કારણે વોટ્સએપ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા કેટલાક વિદ્યાર્થીઓ ઈતિહાસના પુસ્તકો હોય એ વિષે ભૂલી જ ગયા છે.
જ્યારે દેશની મોટાભાગની જનતા ઈત્તર વાંચનમાંથી મન બનાવી ચૂકી હોય ત્યારે આવા ગપગોળા પણ તે સાચા માની લે છે. પહેલા કહેતા કે અખબારમાં આવ્યું હતું, રેડિયોમાં સાંભળ્યું હતું, ટીવીમાં જોયું હતું અને હવે વોટ્સએપમાં વાંચ્યું હતું. અનુષ્કા શર્માની વેબ સિરીઝ પાતાલ લોકમાં તો હાથીરામના મુખે સંવાદ બોલાવી વોટ્સએપની આબરૂના લીરેલીરા ઉડાવવામાં આવ્યા જ છે.
વોટ્સએપ જરૂરી સંદેશા વ્યવહાર માટેનું સાધન છે, નહીં કે ખોટી માહિતી વાંચવાની અને ફેલાવવાની માહિતીનું માધ્યમ. દરેક મીડિયા હવે ફેક ન્યૂઝ ચેક કરી રહી છે. ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે મીડિયાએ જ ખોટી માહિતી ફેલાવી દીધી હોય અને બાદમાં માફી પણ ન માગી હોય.
પત્રકારત્વમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે હવે ફેક ન્યૂઝનું નવું અને નોખું પેપર આવે તો નવાઈ નહીં. અને વિદ્યાર્થીઓ તેમાં પણ ખોટા જવાબ લખે તો નવાઈ નહીં કારણ કે, ‘ગમે તે પણ લખી નાખજો’ આ ઊક્તિ વર્ષોથી પ્રચલિત છે અને ચલણમાં પણ છે.
વિચારો જરા કે જો માત્ર વોટ્સએપ જ હોત અને ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ટીવી કે રેડિયો જેવું કોઈ પણ માધ્યમ નહોત તો સવારના અખબાર આવતા સુધી એટલે કે 24 કલાક સુધી એ અફવા ફેલાતી રહેત કે મુખ્યપ્રધાનના દીકરાના લગ્ન છે. કદાચ કોઈ અખબાર મુખ્યપ્રધાનનું નિવેદન લીધા વિના લખી નાખેત તો શું થાત? વોટ્સએપ યુનિવર્સિટી આ રીતે ખોટો પ્રચાર કરે છે અને ખોટો પ્રચાર કરવામાં રાજકીય પાર્ટીઓનો મોટો હાથ રહ્યો છે, રહેવાનો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત