Homeગુર્જર નગરીઆમ જ ચાલતું રહેશે તો ખેડૂતોની આવક ડબલ નહીં અડધી થઈ જશે

આમ જ ચાલતું રહેશે તો ખેડૂતોની આવક ડબલ નહીં અડધી થઈ જશે

Team Chabuk-Gujarat Desk: ફરી ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આમ પણ ખેડૂતો માટે સારા સમાચાર ઓછા અને માઠા સમાચાર વધુ આવી રહ્યા છે. ચારેય તરફથી ઘેરાઈ ગયો છે. શું કરવું સમજાતું નથી. જણસના ભાવ વધશે તેવી આશા જગતના તાતને વર્ષોથી છે. પરંતુ આ આશા પર પાણી ફેરી વળે છે. ભાવ વધે જરૂર છે પરંતુ પાકના નહીં, ખાતર, બિયારણ, દવા, મજૂરી વગેરેના ભાવ વધી રહ્યા છે. જ્યારે ખેડૂતો જે પકવે છે તેના ભાવ બસ વર્ષોથી એકધારા જ છે. હવે ગુજરાતના ખેડૂતોના માથે રાસાયણિક ખાતરના ભાવ વધારા સ્વરૂપે નવું સંકટ આવ્યું છે.

કેટલો ભાવ વધારો થયો

ગુજરાતમાં ઈફકો કંપનીએ રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. જેનાથી ખેડૂતોની કમર તૂટશે એ નક્કી છે. 1 એપ્રિલની અસરથી આ ભાવ વધારો લાગુ પડી ગયો છે. જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ 1-2 ટકા નહીં પરંતુ 46 ટકાથી 58 ટકા સુધીનો કરાયો છે. ઈફકો કંપનીએ રાસાયણિક ખાતરના ભાવમાં જંગી વધારો કરી દેતા હવેથી પચાસ કિલો ખાતરની થેલી નીચે મુજબના મળશે. સાથે એ પણ વાંચી લો કે પહેલાં કેટલા ભાવ હતા.

ખાતરનવો ભાવ (રૂપિયામાં)જૂનો ભાવ (રૂપિયામાં)કેટલા ટકા ભાવ વધારો
ડીએપી1900120058%
એનપીકે 10/26/261775117551%
એનપીકે 12/32/161800118552%
એનપી 20/20/0/13135092546%
ભાવ 50 કિલો બેગના છે.

જૂનો સ્ટોક જૂના ભાવે અપાશે

ભાવ વધારા અંગે જવાબ આપવાની જગ્યાએ કંપની પોતાનો લૂલો બચાવી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે કંપની પાસે આશરે 40 હજાર ટન ખાતરનો સ્ટોક પડ્યો છે. આ જૂનો સ્ટોક જૂના ભાવથી જ અપાશે. જૂનો સ્ટોક ખાલી થશે ત્યારબાદ નવો ભાવ લાગુ થશે. ઈફકોના બોર્ડ ઓફ ડિરેક્ટર દિલીપ સંઘાણીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવ વઘારો છે એ ખેડૂતો માટે યોગ્ય નથી પરંતુ વૈશ્વિક સ્તરે જે રીતે કાચા માલમાં ભાવ વધારો થતો હોય છે તે પ્રમાણે ભાવ વધતા હોય છે. ભવિષ્યમાં ભાવ ઘટે એવું કરીશું.

કૃષિ મંત્રી કરશે બેઠક

રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુ રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. કેન્દ્રીય કૃષિ મંત્રી મંજૂરી આપશે તો આર.સી.ફળદુ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અંગે વાત કરી શકે છે. હાલ આર.સી.ફળદુ ક્વોરન્ટાઈન છે જો કે તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે આ મુદ્દે વાતચીત કરી શકે છે. ખેડૂતોને આશા છે કે ભાવ વધારા મુદ્દે તેઓ માટે રાહતના સમાચાર આવે.

ખેડૂતો ઠાલવી રહ્યા છે હૈયાવરાળ

ઈફકો કંપનીએ રાસાયણિક ખાતરમાં કરેલા ભાવ વધારા મુદ્દે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. ધ ચાબુક સાથેની વાતચીતમાં ગોંડલના નવાગામના ખેડૂત શિવાભાઈએ જણાવ્યું હતું કે, ખાતરનો આટલો મોટો ભાવ વધારો યોગ્ય નથી. સરકારે આ મામલે દખલગીરી કરવી જોઈએ અને ભાવ ઘટાડવા જોઈએ. સુરેન્દ્રગનગર પંથકના એક ખેડૂતનું કહેવું છે કે, દિવસે દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો અમે જે પકવીએ છીએ તેના ભાવ કેમ વધતા નથી.

ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી જણસના ભાવમાં કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી અને બીજી તરફ ખાતર અને બિયારણના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કપાસના ભાવ વર્ષોથી પ્રતિ મણ દીઠ 900-1200 રૂપિયાની વચ્ચેના જ હોય છે. એરંડાની વાત કરીએ તો મણના ભાવ 700-1000 રૂપિયા વચ્ચે જ ભાવ બોલાતા હોય છે. જીરું પણ દર વર્ષે મણ દીઠ 2500-3000 રૂપિયા આસપાસ ખેડૂતો વેચતા હોય છે. મગફળીના ભાવ પણ પ્રતિ મણના 1000 રૂપિયાની આસપાસ જ રહેવા પામે છે. આમ જણસના ભાવમાં ખાસ કોઈ વધારો જોવા મળ્યો નથી. જ્યારે ખાતર અને બિયારણના ભાવમાં કમરતોડ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે.

એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોમાં રોષ છે ત્યારે આ તરફ ગુજરાતમાં ઈફકો કંપનીએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ હાલ જે રીતે ખાતરના ભાવ વધી રહ્યા છે તે જોતા કહી શકાય કે ખેડૂતોની આવક ડબલ નહીં પણ અડધી જરૂર થઈ જશે. સરકારની નિયત ખરેખર ખેડૂતોની આવક ડબલ કરવાની હોય તો નક્કર પગલાં ભરવા જરૂરી છે. હાલ તો ઉદ્યોગપતિઓની આવક દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે. ખેડૂતોના હાલ કોઈ પૂછતું નથી. ખેતીપ્રધાન દેશનું શું થશે એ વિષય પર મનોમંથન જરૂરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments