Homeસિનેમાવાદઅલ્લુ અર્જુને આટલો જબરદસ્ત ડાન્સ શીખ્યો કોની પાસેથી ?

અલ્લુ અર્જુને આટલો જબરદસ્ત ડાન્સ શીખ્યો કોની પાસેથી ?

ઝાલાવાડી જલજીરા: પહેલા આંધ્રપ્રદેશ એક હતું અને તેની રાજધાની હૈદરાબાદ હતી. સમય બદલ્યો અને આંધ્રપ્રદેશના બે ભાગ પડી ગયા. તેલંગણાની રાજધાની બની હૈદરાબાદ અને આંધ્રપ્રદેશની રાજધાની બની વિશાખાપટ્ટનમ. જોકે આ બંનેમાં એક ફર્ક ન પડ્યો. દક્ષિણની ફિલ્મો જોવાનો. કોઈ નવા સુપરસ્ટારની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે તામજામ કરીને રાખે. દૂધથી સુપરસ્ટારના વિશાળ પોસ્ટર પર અભિષેક કરે. દક્ષિણના તેલુગમાં સુપરસ્ટાર્સ ઘણા છે પણ એક્ટર્સ ઓછા છે. તમિલમાં અભિનેતાઓ વધારે છે. વિક્રમ, વિજય સેતુપથિ, ધનુષ, અરવિંદ સ્વામી વગેરે વગેરે… તેલુગુમાં એવા અભિનેતાઓનો શૂન્યઅવકાશ દેખાય રહ્યો છે. છતાં તેલુગુ કમાણીની બાબતે અવ્વલ છે. તેની ફિલ્મો કેટલીક વખત તમિલને પણ પાણી પીવડાવી દે છે.

તેલુગુ સિનેમા ઉદ્યોગમાં ઘણા રાજાઓ છે. પણ એક રાજા સૌથી અલગ પડે છે. તેનું નામ અલ્લુ અર્જુન. આજે દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો જન્મ દિવસ છે. એક્શન માટે. આત્મવિશ્વાસ માટે અને ડાન્સ માટે તેને ઓળખવામાં આવે છે. તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં સક્રીય છે. જીવ સટોસટના એક્શન સિન્સ તેની ફિલ્મોમાં હોય છે. આજે તેના જન્મદિવસ પર પણ પુષ્પાનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. તે દારૂ પીવે છે અને મન થાય ત્યારે સિગરેટના ધૂમાડા પણ કાઢી લે છે.

બે વર્ષની અલ્લુ અર્જુનની ઉંમર હતી જ્યારે કાકા ચિરંજીવીની ફિલ્મમાં તેને તક મળી ગઈ. 1985માં આવેલી એ ફિલ્મનું નામ વિજેતા હતું. જેમાં અલ્લુ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે હતો. મૂળ તો ચૈન્નઈનું લોહી પણ ફિલ્મો તેલુગુ કરે. ચૈન્નઈમાં પણ તેની લોકપ્રિયતાને ઉની આંચ નથી આવી. 2015ની સાલમાં જ્યારે ચૈન્નઈમાં પૂરપ્રકોપ થયો ત્યારે અલ્લુ અર્જુને તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અલ્લુ માટે ચૈન્નઈ તેની માતા છે અને હૈદરાબાદનું તેના જીવનમાં પિતાતુલ્ય સ્થાન છે. એકે તેને ઉછેર્યો ને બીજાએ તેને માન સન્માન આપ્યું.

અભિનેતા નહોતો બન્યો ત્યારે અલ્લુને ફોટોગ્રાફીનો શોખ હતો. તેને લાગતું અને આજે પણ લાગે છે કે લાગણીઓનો વરસાદ ફોટોગ્રાફી થકી જ થઈ શકે છે. એણે અઢળક ફોટોગ્રાફ્સ પાડ્યા પણ કોઈને બતાવ્યા નહીં. અલ્લુ આ કામ ફક્ત પોતાના શોખ માટે અને પોતાના માટે જ કરે છે. શો ઓફ માટે નહીં. આ સિવાય એ ચારકોલ આર્ટિસ્ટ પણ છે. સમય મળે ત્યારે ચિત્રો બનાવી નાખે છે. હ્યુમન એન્ટોનોમી અને આર્કિટેક્ચરર ડ્રોઈંગ તેને ખૂબ જ પસંદ છે.

સુપરસ્ટાર બનતા પહેલા પણ અને પછી પણ તેના કાકા ચિરંજીવી જ તેના પ્રિય એક્ટર છે. ઈન્દ્રા ફિલ્મ તેણે પંદરથી વધારે વખત જોઈ છે. ચિરંજીવીની ફિલ્મ ડેડીમાં તેણે ડાન્સર તરીકેનો ગેસ્ટ રોલ પણ પ્લે કર્યો હતો.

અલ્લુની પ્રથમ ફિલ્મ ગંગોત્રી હતી. જે 2002ની સાલમાં આવી હતી. સાઠીકડા જેવું તેનું કદ અને કુપોષણનો ભોગ બન્યો હોય તેવો લાગે! હવે અલ્લુના શરીરમાં થોડો ફેરફાર જોવા મળે છે, નહીં તો તે સાવ ગળતો જતો હતો. દક્ષિણના અભિનેતાઓ ફાંદવાળા જ નહીં પણ પરફેક્ટ બોડી ધરાવતા પણ હોવા જોઈએ તેની શરૂઆત અલ્લુ અર્જુને કરી છે. અલ્લુ બાદ જે પણ નવી પેઢીના કલાકારો આવ્યા તમામે શરીર સૌષ્ઠવ બનાવવું પડ્યું. નહીં તો જૂનિયર એનટીઆર 2010ની સાલ સુધી પિતાની માફક મોટી ફાંદ લઈ સ્ક્રિન પર દેખા દેતો હતો. અર્જુનની ગંગોત્રી કમર્શીયલી ખૂબ ચાલી હતી. દક્ષિણની કેટલીક ફિલ્મોના તેણે રેકોર્ડ પણ ધ્વંસ કર્યા હતા. ક્રિટિક્સ એવોર્ડ પણ અલ્લુને મળ્યો હતો.

જોકે અર્જુનને સાચી ખ્યાતિ અને ઓળખ મળી આર્યા ફિલ્મથી. તેમાં કેકેનું પાંચ મિનિટનું ફિલ માય લવ નામનું ગીત હતું. જેણે અન્ય ફિલ્મોના ગીતોના સૂપડા સાફ કરી નાખ્યા હતા. અલ્લુ તેમાં એક યુવતીના પ્રેમમાં પડે છે અને પછી પ્રેમ એવો પરવાને ચડે છે કે એ યુવતીને તેના ગમતાં વરરાજા સાથે પરણાવા સુદ્ધા અટકતો નથી. તેનું આ પાગલપન ક્યારે જઈ અટકશે તે દર્શકોના મનમાં ચિંતા જગાવતું હતું. અલ્લુનો અભિનય પ્રશંસનિય રહ્યો. તેનું કામ પણ વખાણાયું. ફિલ્મના એક દૃશ્યની પેરોડી પણ કરવામાં આવી. ગંગોત્રી કરતાં સારું કામ તેણે કર્યું. આર્યા થકી તેને તેલુગુનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

અલ્લુનો દરેક જન્મદિવસ ખાસ હોય છે. એ મેન્ટલી ચેલેન્જ બાળકો સાથે પોતાનો જન્મદિવસ મનાવે છે. લોહીનું દાન કરે છે અને અન્યોને પણ લોહીનું દાન કરવાની અપીલ કરે છે. વાંચવાનો પણ ખૂબ શોખ છે. ફિલ્મોની પટકથા સિવાય એવા પુસ્તકો વાંચે છે જે તેને પ્રેરણા આપે અને તેને આગળ વધવા પ્રેરિત કરે. તેની સૌથી પ્રિય બુકનું નામ છે ડો સ્પેન્સર જ્હોન્સનની વુ મૂવ્ડ માય ચીજ.

માત્ર બે અભિનેતાઓ. તમિલનાડુના સુપરસ્ટાર વિજય અને અલ્લુ અર્જુનની કેરળમાં પોપ્યુલારિટી આકાશે આંબી જાય છે. ફિલ્મ તમિલમાં હોય કે તેલુગુમાં બોક્સઓફિસ પર ટંકશાળા પાથરી દે છે. મલયાલમ ભાષા બોલતા રાજ્યમાં તેલુગુ અને તમિલ સુપરસ્ટારનું વર્ચસ્વ હોવું એ નાની મોટી વાત નથી. આ એવી વાત થઈ કે ગુજરાતમાં મરાઠી ફિલ્મ ધમધોકાર ચાલતી હોય અને દર્શકો ફરી ફરીને જોતા પણ હોય. મલયાલમ સિનેમામાં અલ્લુ એક માત્ર એવો પરપ્રાંતિય અભિનેતા છે જેની તમામ ફિલ્મો મલયાલમ ભાષામાં ડબ થઈ છે. આર્યા-2 કેરળમાં 100 દિવસ ચાલી હતી. કેરળમાં અલ્લુ અર્જુન ખૂદને ‘મલ્લુ અર્જુન’નાં રૂપે સંબોધે છે, કારણ કે અહીંના દર્શકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો છે.

અલ્લુના મેજીકલ ડાન્સ સ્ટેપ વિષે એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘‘બાળપણથી મને જીમ્નાસ્ટિકનો શોખ હતો. જીમ્નાસ્ટિકની તાલીમ લીધી એટલે જ હું આ કરી શકું છું.’’ તેના ડાન્સની પ્રશંસા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પણ કરી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ નોંધ્યું છે કે એ માત્ર દક્ષિણના તેલુગુ સિનેમાનો નહીં પણ ભારતનો સર્વશ્રેષ્ઠ ડાન્સર છે.

ફિલ્મમાં કંઈ ભલીવારી ન હોય તો પણ દર્શકો અલ્લુનો ડાન્સ જોવા માટે પૈસા ખર્ચવા તૈયાર છે. કોઈ મંઝાયેલો સિનેમાપ્રેમી હોય તો તે અલ્લુ અર્જુનની તમામ ફિલ્મોમાંથી ગુરૂતમ સામાન્ય અવયવની જેમ આ બધું સમાન છે, આ પણ એક સરખું છે એમ ઘઉંમાંથી કાંકરા અલગ કરી દર્શાવી શકે. અલ્લુ દક્ષિણનો જેકી ચાન છે. એ તેની ફિલ્મો થકી હસાવે છે, એક્શન કરે છે. લોકોને મનોરંજન આપવું એ જ તેનો ધર્મ છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments