Homeગામનાં ચોરેઆખરે 12 લાખ રૂપિયામાં નવો તાજમહેલ બની જ ગયો

આખરે 12 લાખ રૂપિયામાં નવો તાજમહેલ બની જ ગયો

Team Chabuk- International Desk : આગ્રાનો તાજમહેલ એ પ્રેમના પ્રતીક તરીકે ઓળખાય છે. મુમતાઝની યાદમાં શાહજહાંએ નિર્માણ કરાવેલ સ્થાપત્યકળાનો અદભુત અને ઉત્તમ નમૂનો. કહેવાય છે કે તેને બનાવનારાઓનાં શાહજહાંએ હાથ કાપી નખાવ્યા હતા. જેથી કોઈ બીજો તાજમહેલ બનાવી ન શકે પણ બીજો તાજમહેલ અને એ પણ પ્રેમની જ યાદમાં બની ગયો છે. આ તાજમહેલ 400 વર્ષ બાદ બન્યો છે. જેની આજે સર્વત્ર ચર્ચા થઈ રહી છે.

Taj maHAL

નવો શાહજહાં કોણ છે ?

આધુનિક યુગનો આ શાહજહાં પોતાની પત્નીને બેપનાહ મહોબ્બત કરતો હતો અને આજે પણ કરે છે. પોતાના પ્રેમની સાબિતી માટે જ તેણે તાજમહેલ બનાવી દીધો. આ શાહજહાં પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનના ઉમરકોટમાં અબ્દુલ રસૂલ પિલ્લીએ દિવંગત પત્ની મરિયમની યાદમાં તાજમહેલની માફક જ લાગતો મકબરો બનાવ્યો છે. એટલે કે હવે પાકિસ્તાનમાં પણ તાજમહેલની આબેહુબ નકલ જોવા મળે છે. દૂર દૂરથી આ તાજમહેલને જોવા માટે લોકોનો જમાવડો થાય છે. એ જ રીતે જે રીતે યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતમાં મૂકવામાં આવેલા તાજમહેલમાં થાય છે.

ઉમરકોટ સિંધ પ્રાંતનું એક શહેર છે અને તેનો પોતાનો જ એક અલગ ઈતિહાસ છે. અહીં મુઘલ શહેનશાહ અકબરનો જન્મ થયો હતો. વાત જો બીજા તાજમહેલનું નિર્માણ કરાવવાની હોય તો અબ્દુલ રસૂલ પ્રથમ વખત 1980ની સાલમાં ભારતમાં આવ્યો હતો. પોતાના ભારતીય મિત્રની મદદથી તેણે આગ્રામાં આવેલા તાજમહેલનું ભ્રમણ કર્યું. જમુના નદીના કિનારે આવેલી સફેદ રંગની સંગેમરમરની આ ઈમારત તેના દિલ અને દિમાગમાં જાદુઈ અસર કરી ગઈ. વતન વાપસી બાદ તેને ખૂદ તાજમહેલનું નિર્માણ કરવાના સપના આવવા લાગ્યા.

પાકિસ્તાનના ઉમરકોટમાં મરિયમ મકબરો

18 વર્ષની ઉંમરે અબ્દુલ રસૂલના નિકાહ 40 વર્ષની મહિલા મરિયમ સાથે થયા હતા. બંનેની ઉંમરમાં આકાશ અને જમીન જેટલો તફાવત હોવા છતાં ખૂબ જ પ્રેમ કરતા હતા. વર્ષ 2015માં અબ્દુલની પત્ની મરિયમ અચાનક બેભાન થઈ ઢળી પડી. હોસ્પિટલ લઈ જવા પર ડોક્ટરોએ સ્ટ્રોક આવ્યો હોવાની જાણકરી આપી. આ સમયે બીમાર પત્નીની આજુબાજુ પતિ પડછાયાની માફક રહેતો હતો. તેની સારવારમાં કોઈ ઉણપ નહોતો આવવા દેતો. એક સવારે ઉઠતા તેને ખબર પડી કે પત્ની મૃત્યુ પામી છે.

પત્નીની મૌત બાદ પતિને પોતાનું 1980ની સાલનું સપનું સામે આવ્યું. તેણે પત્નીની યાદમાં એક શાનદાર ઈમારત બનાવવાનું નક્કી કર્યું જે આબેહુબ તાજમહેલ જેવી જ લાગે. તેણે 20 ફૂટ ઊંચા અને 18 ફૂટ પહોળા તાજમહેલનું નિર્માણ કરવાની શરૂઆત કરી દીધી. જોકે આ તાજમહેલ ભારતના તાજમહેલની તોલે તો ન જ આવે પણ પ્રેમ તો એક સરખો જ હતો.

અબ્દુલ અને શાહજહાંમાં તફાવત માત્ર એટલો કે તેને મજૂરોની ફૌજની જગ્યાએ મસ્જિદ બનાવવા માટે મિસ્ત્રીનો સાથ મળ્યો. તેણે મગજમાં પ્રતિકૃતિ યાદ કરી અને ઈમારતનો નકશો જમીનમાં તૈયાર કરી દીધો. દિવસભર મજૂરોની સાથે ઊભા રહીને તે ઈમારત બનાવવા માટે કામ કરતો રહ્યો.

તાજમહેલ જેવી જ ઈમારત બનાવવા બદલ તેમની સમયે સમયે ઘણી આલોચના પણ થતી રહી. જેનો તેમણે મજબૂત રીતે સામનો કર્યો. ફક્ત છ મહિનામાં તાજમહેલ બનીને તૈયાર થઈ ગયો. આ નવો તાજમહેલ બનાવવા માટે 12 લાખ રૂપિયા ખર્ચ થયા છે. હવે અબ્દુલ રસૂલનો મોટાભાગનો સમય ઘરની જગ્યાએ પોતે બનાવેલા નવા તાજમહેલ એટલે કે મુમતાઝ મહલ મરિયમમાં પસાર થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments