Team Chabuk-Gujarat Desk : અમદાવાદના બે શખ્સોને નકલી નોટનો ખેલ ભારે પડી ગયો છે. નકલીના ખેલમાં બે આરોપીઓ હવે જેલમાં હવા ખાઈ રહ્યા છે. આ સમગ્ર કેસમાં એક તાંત્રિકની સંડોવણી પણ સામે આવી છે. જેણે આ બંને શખ્સોને નકલી નોટને અસલી કરી દેવાની બાંયધરી આપી હતી. હાલ પોલીસે આ તાંત્રિકની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદમાં ઉજાલા સર્કલ નજીકથી સરખેજ પોલીસે લક્ષ્મણ બેગડા અને કૃણાલ ઠક્કર નામના બે વ્યક્તિને ઝડપી લીધા. પોલીસને નકલી નોટની હેરાફેરીની બાતમી મળી હતી જેના આધારે પોલીસે સમગ્ર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઉજાલા સર્કલ નજીક આ બંને આરોપીની ગતિવિધિ શંકાસ્પદ લાગતા પોલીસે બંનેની અટકાયત કરી હતી. જેમાં નકલી નોટની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલા બંને આરોપી અમદાવાદના ફતેવાડી વિસ્તારના છે.
બંને આરોપી પાસેથી 7 લાખ 34 હજાર કિંમતની 2 હજારના દરની કુલ 367 નકલી નોટ જપ્ત કરવામાં આવી છે. પોલીસે નોટ નકલી જ છે કે કેમ તે અંગે જાણવા માટે FSLનો સંપર્ક કર્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, તમામ નોટની કલર-ક્વોલિટી નબળી છે. નોટમાં સિક્યોરિટી માર્ક પણ ન હતા જેથી FSLએ નોટ નકલી હોવાની ખરાઈ કરી હતી. જે નોટ મળી છે તેમાં અલગ અલગ સિરિયલ નંબર છે. જો કોઈ વેપારી અથવા સામાન્ય માણસ આ નોટને ધ્યાનથી જુઓ તો તેને પણ અંદાજ આવી જાય કે નોટમાં કંઈક ગરબડ છે. નોટ નકલી હોવાની જાણ થતાં પોલીસે બંને આરોપીની આકરી પૂછપરછ કરી હતી જેમાં વધુ વિગતો સામે આવી હતી.
આરોપીઓએ પોલીસ સામે કબુલ્યું કે, નકલી નોટ તેઓ વડોદરાથી લાવ્યા છે અને બાપુ ઉર્ફે ભૂવાજીએ તેમને આ નોટ આપી છે. ભૂવાજીએ બંનેને એવી લાલચ આપી હતી કે નકલી નોટ તે તાંત્રિક વિધિથી અસલી કરી દેશે. જો કે, થોડા દિવસ બાદ ભૂવાજીએ બંનેને કહી દીધુ હતું કે નોટ અસલી નહીં થાય જેથી નકલી નોટ લઈને બંનેએ બજારમાં વટાવવાનો પ્લાન ઘડ્યો હતો. નકલી નોટ બજારમાં ફરતી કરીને બંને આરોપીએ 50-50 ટકા હિસ્સો લેવાનું નક્કી કર્યું હતું જો કે, તેઓ આ નકલી નોટને બજારમાં ફરતી કરે તે પહેલાં જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે, પોલીસને આશંકા છે કે, કેટલીક નોટ તેમણે બજારમાં ફરતી કરી છે જે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
બીજી તરફ પોલીસે હવે બાપુ ઉર્ફે ભૂવાજીને ઝડપી લેવા પણ કવાયત શરૂ કરી છે. કારણ કે મૂળ નકલી નોટ ભૂવાજી પાસેથી આરોપી પાસે આવી હતી. હવે ભૂવાજી ઝડપાશે ત્યારે બહાર આવશે કે તેને નકલી નોટ ક્યાંથી મળી હતી. નકલી નોટ પોતે જ છાપે છે કે અન્ય લોકોની પણ તેની સાથે સંડોવણી છે. કેટલા સમયથી તે આ નકલી-અસલીનો ખેલ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં લક્ષ્મણ અને કૃણાલ જેવા કેટલા અંધશ્રદ્ધાળુ અને લાલચુઓને તેણે પોતાની જાળમાં ફસાવ્યા છે.
આ સમગ્ર મામલો સામે આવતા ફરી એકવાર સાબિત થઈ ગયુ છે કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન રહે. લક્ષ્મણ અને કૃણાલને લાલચ અને શોર્ટકર્ટ ભારે પડી ગયો છે. હાલ પોલીસ આ બંને આરોપીઓનો પણ ગુનાહિત ઈતિહાસ તપાસી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત