Team Chabuk : રાજા વિક્રમાદિત્ય અદભુત ગુણો ધરાવતા હતા. એ સાચા કલાકારોનું સન્માન કરતાં હતાં અને સ્પષ્ટવાદિતા પસંદ કરતા હતા. તેમના દરબારમાં યોગ્યતાનું સન્માન કરવામાં આવતું હતું. ચાપલુસી જેવા દુર્ગુણની તેમને ત્યાં કોઈ જગ્યા નહોતી. આ સાંભળીને જ એક યુવક મહારાજા વિક્રમાદિત્યને મળવા માટે આવ્યો.
દરબારમાં મહેફિલ જામી હતી. સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એ યુવક દ્વાર પર મહારાજાની અનુમતિની રાહ જોઈ રહ્યો હતો. એ યુવક ખૂબ જ ગુણો ધરાવતો હતો. અસંખ્ય શાસ્ત્રોનો જ્ઞાતા હતો. ઘણા રાજ્યોમાં નોકરી કરી ચૂક્યો હતો. સ્પષ્ટવક્તા હોવાના કારણે તેમના આશ્રયદાતાઓને તે ધૃષ્ટ નજર આવ્યો અને અંતે એ બધી જગ્યાએથી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.
આટલી ઠોકરો ખાધા પછી પણ તેની પ્રકૃતિમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. એ દ્વાર પર મહારાજાના નિમંત્રણની રાહ જોઈ રહ્યો હતો અને અચાનક તેના કાનમાં સ્વર પડ્યો. એ બોલ્યો, ‘મહેફિલમાં બેસેલા લોકો મૂર્ખ છે. સંગીતનો આનંદ ઉઠાવી રહ્યા છે, પણ સંગીતનું તો તસુભાર પણ જ્ઞાન તેમનામાં નથી. વગાડનારો ખોટો રાગ વગાડ્યે રાખે છે, પણ કોઈ તેને ના નથી પાડી રહ્યું.’
તે આ બોલતો હતો એ નજીકમાં ઊભેલા દ્વારપાલે સાફ સાફ સાંભળી લીધું. તેનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. એ બોલ્યો, ‘જીભ સંભાળીને વાત કર યુવક. તને કદાચિત્ ખબર નથી કે અંદર કોણ બેઠું છે. અંદર સ્વયં કલાપારખુ મહારાજા વિક્રમાદિત્ય સંગીતનો આનંદ ઉઠાવી રહ્યા છે.’
દ્વારપાલની વાત સાંભળીને યુવક તો હસવા લાગ્યો. એ યુવક બોલ્યો, ‘કલાપ્રેમી હોય શકે છે પણ કલાપારખુ નહિ હોય શકે, કારણ કે સંગીત વગાડનારનું દોષપૂર્ણ વાદન તેમની સમજમાં નથી આવી રહ્યું.’
યુવક તેની હદ વટાવી રહ્યો હતો. દ્વારપાલથી ન રહેવાયું, ‘જો તારી વાતમાં સત્યતા છે તો ઠીક છે, તારા જ્ઞાનને હું નમન કરું છું. પણ તારી વાતમાં કોઈ પણ પ્રકારની સત્યતા ન નીકળી તો તને રાજદંણ્ડ મળશે.’
‘હું તૈયાર છું. મારી વાત જો સાચી ન નીકળી તો તમે મને કોઈ પણ દંણ્ડ આપી શકો છો.’ યુવકની વાતમાં આત્મવિશ્વાસ છલકાયો.
દ્વારપાલે અંદર જઈ મહારાજના કાનમાં આ વાત નાખી. વિક્રમે દ્રારપાલને તુરંત આદેશ આપ્યો કે યુવકને અંદર મોકલો.
વિક્રમની સામે આવતા જ યુવકે કહ્યું, ‘મહારાજા અહીં કોઈ એક વાદકની એક આંગળી વાદ્યના ખોટા તાર પર ફરી રહી છે.’
તપાસ કરતાં યુવકની વાત સત્ય નીકળી. આંગળીઓનું નિરીક્ષણ કરતા એક વાદકની આંગળીનો ઉપરનો ભાગ કપાયેલો હતો. તેણે એ અંગૂઠા પર પાતળી પટ્ટી બાંધેલી હતી. દુખાવાના કારણે તેની આંગળી તારની ઉપર નીચે થતી હતી અને જોઈએ એવું વાદન નહોતું નીકળી રહ્યું.
રાજા એ યુવકના સંગીતના જ્ઞાન પર ઓળઘોળ થઈ ગયા. તેમણે યુવકનો પરિચય સાંભળી તેને સભામાં ઉચિત સ્થાન પર રાખી લીધો. એ યુવક તો સાચે જ કલા પારખું હતું. કલાનો સાધક હતો. જ્ઞાની અને મર્મજ્ઞ હતો. તેણે સમયે સમયે પોતાની યોગ્યતાનો પરિચય આપી રાજાના હ્રદયમાં જગ્યા લઈ લીધી.
એક દિવસ રાજાના દરબારમાં એક સ્વરૂપવાન નર્તકી આવી. તેના નૃત્યનું આયોજન થયું અને થોડી ક્ષણોમાં જ મહેફિલ જામી ગઈ. એ યુવક પણ દરબારીઓની વચ્ચે બેઠો હતો. સંગીતનો આનંદ ઉઠાવી રહ્યો હતો. એ નર્તકી ખૂબ જ સારી રીતે નૃત્ય રજૂ કરી રહી હતી અને દર્શકો પણ મુગ્ધ થઈને રસાસ્વાદન કરી રહ્યા હતા. એટલામાં ન જાણે ક્યાંકથી એક ભમરો આવીને તેની છાતી પર બેસી ગયો. નર્તકી માટે મોટી વિડંબણા સર્જાય. ન તો તે નૃત્ય રોકી શકતી હતી ન તો તે ભમરાને છાતી પરથી હાથ મારી હટાવી શકતી હતી. આમ કરતાં ભંગીમાઓ બગડી જાત.
તેણે ચતુરાઈથી શ્વાસ અંદર લીધો અને ભમરા પર જોરથી છોડતા ભમરો ઉડી ગયો. કોઈને આ વાતની ખબર ન પડી સિવાય કે પેલો યુવક. એ યુવકને વાતની ભનક લાગી ગઈ કે ભમરો નર્તકીની છાતી પર બેઠો હતો અને તેણે તેને ફૂંક મારીને ઉડાવી દીધો.
એ ‘વાહ વાહ’ કરતો ઊભો થયો અને નર્તકીના ગળામાં મોતીઓની માળા નાખી દીધી. દરબારીઓ સ્તબ્ધ થઈ ગયા. અનુશાસનહીનતાની પરાકાષ્ઠા થઈ ગઈ. રાજાની ઉપસ્થિતિમાં કોઈ બીજા દ્વારા ઉપહાર આપવામાં આવે તે તો રાજાની અવહેલના થઈ કહેવાય. મહારાજાનું ઘોર અપમાન થયું કહેવાય. વિક્રમને પણ આ પસંદ ન આવ્યું. તેમણે પૂછ્યું, ‘આ ધૃષ્ટતા કરવા પાછળનું કોઈ કારણ ખરું ?’
યુવકે રાજાને ભમરાની વાત કહી, ‘મહારાજા નૃત્ય કરતાં સમયે નર્તકીની છાતી પર ભમરો બેઠો હતો. તેણે ચપળતાથી ભમરાને પોતાની ફૂંકથી ઉડાવી દીધો. આ નર્તકી તો ઉપહારને જ પાત્ર છે.’
યુવક સિવાય તો કોઈએ નર્તકીની છાતીમાં બેસેલા ભમરાને નહોતો જોયો. તો પછી આ વાતની સત્યતા કેટલી ? વિક્રમે નર્તકીને જ પૂછ્યું, ‘નૃત્યાંગના શું યુવકની વાત સત્ય છે ?’
નૃત્યાંગનાએ મૌન રહી માથું હલાવ્યું અને વાત ખરી હોવાનું પ્રમાણ આપી દીધું. વિક્રમ ખુશ થઈ ગયા. તેમણે યુવક અને નર્તકી બંનેને પુરસ્કાર આપ્યા. હવે વિક્રમાદિત્યની આંખોમાં યુવકનું મહત્વ અત્યાધિક વધી ગયું હતું. કોઈ પણ વાતનું સમાધાન શોધવાનું હોય તો યુવકની વાતને જ ધ્યાનથી સાંભળવામાં આવતી અને તેના પર ગંભીરતાથી મહારાજા વિચાર કરતાં હતાં.
એક વખત દરબારમાં બુદ્ધિ અને સંસ્કાર પર ચર્ચા છેડાઈ. દરબારીઓનું કહેવું હતું કે, સંસ્કાર બુદ્ધિથી આવે છે. યુવક તેમની આ વાતથી સહમત નહોતો. તેનું કહેવું હતું કે સંસ્કાર વંશાનુગત હોય છે. બુદ્ધિ અને સંસ્કાર બંનેમાંથી કોઈ એકની જીત ન થતાં વિક્રમે વચ્ચેનો રસ્તો કાઢ્યો.
વિક્રમે નગરથી દૂર એક જંગલમાં મહેલ બનાવડાવ્યો અને મહેલમાં મૂંગી અને બહેરી નોકરાણીઓની નિયુક્તિ કરી દીધી. એક એક કરીને ચાર બાળકોને મહેલમાં નોકરાણીઓની નીચે સાર સંભાળ રાખવા છોડી દીધાં. તેમાંથી એક રાજાનો હતો, એક મહામંત્રીનો હતો, એક સેનાપતિનો હતો અને એક બ્રાહ્મણનો પુત્ર હતો. બાર વર્ષ બાદ એ ચારેને દરબારમાં રજૂ કરવામાં આવ્યા.
રાજાએ પૂછ્યું, ‘બધું ક્ષેમકુશળ તો છે?’
જવાબ મળ્યા પણ અલગ અલગ મળ્યા.
રાજાના પુત્રએ કહ્યું – બધું ક્ષેમકુશળ છે.
મહામંત્રીના પુત્રએ સંસારને નશ્વર બતાવતા કહ્યું – આવનારને જવાનું જ છે તો ક્ષેમકુશળતા કેવી ?
સેનાપતિના પુત્રએ કહ્યું – ચોર ચોરી કરે છે અને બદનામ નિરઅપરાધી થાય છે. એવામાં કુશળતા વિશે વિચારવું એ બેઈમાની છે.
અંતમાં બ્રાહ્મણના પુત્રએ કહ્યું – વય જ્યારે દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ક્ષેમકુશળતા કેવી ?
ચારેના જવાબ સાંભળીને યુવકની વાતમાં રહેલી સત્યતા સામે આવી ગઈ. રાજાનો પુત્ર બધુ કુશળ મંગળ માનતો હતો જ્યારે મંત્રીનો પુત્ર તર્કપૂર્ણ જવાબ આપતો હતો. સેનાપતિના પુત્રએ ન્યાય અને વ્યવસ્થાની ચર્ચા કરી અને બ્રાહ્મણના પુત્રએ દાર્શનિક ઉત્તર આપ્યો. બધું વંશપરંપરાગત સંસ્કારોની માફક જ થયું. તમામનું પાલન પોષણ એક જ વાતાવરણમાં થયું, પણ સૌના વિચારોમાં સંસ્કારો પ્રમાણે ભિન્નતા આવી ગઈ. દરબારીઓએ યુવકની વાત માની લીધી.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત