Team Chabuk-Political Desk : સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાતજાતના રંગ બતાવી રહી છે. કોમેડી માટેનો પુરતો મસાલો પણ આપી રહી છે. ચૂંટણી પ્રચાર જોરશોરમાં છે ત્યારે સોશિયલ મીડિયાના આંગણે પણ વાતો શરૂ થઈ છે કે ક્યાં ગયો કોરોના ? ક્યાં ગયા મેમા ? વાતેય સાચી, ચૂંટણી આવે ત્યારે મહામારીઓ સહિતના નિયમો ભોંય સોંસરવા ઉતરી જાય છે. ચૂંટણી જતાં જ બધી સમસ્યાઓ બહાર આવવા લાગે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કેટલાક રંગોને માણીએ. એ રંગને માણ્યા પછી તમારો કદાચ નેતાઓ અને તેમના ભાષણો પરથી વિશ્વાસ જ ઉઠી જશે.
અસંતોષનું ભૂત
અસંતોષ નામનું ભૂત વારંવાર ધુણ્યા રાખે છે. આ ભૂત કબરમાંથી ઉભું ત્યારે થાય જ્યારે ચૂંટણી માથે હોય. કોંગ્રેસ અને ભાજપમાં વર્ષોથી કામગીરી કરી રહેલા કેટલાક કાર્યકરોને બાજુમાં સ્થિતપ્રજ્ઞ ઊભા રાખી નવા ઉમેદવારોને ટિકિટ આપી દીધાનો રોષ હજુ શાંત નથી થયો. વર્ષોથી મહેનત કરતાં કાર્યકરોને આશા હતી કે ટિકિટ મળશે. આપણોય વરઘોડો નીકળશે. ડોર ટુ ડોર જઈ પ્રચાર કરીશું. માથે પાઘડી પહેરીશું. ડી.જે વાગશે. ઘણાં તો રડ્યા સુદ્ધા હતા ! પણ ટિકિટ તો તેમના માટે દિલ્હી અભી દૂર હૈ જેવી થઈ ગઈ. ટિકિટ ન મળવાના કારણે નારાજ કાર્યકર્તાઓ અદૃશ્ય થઈ ગયા છે. ભાજપ કોંગ્રેસની સભામાં હાલ કાગડા ઉડી રહ્યા છે. ખુરશીઓ ખાલી દેખાય રહી છે. ભાજપ અને કોંગ્રેસ હવે આવા કાર્યકરોને મનાવવા માટે દોડધામમાં લાગી ગઈ છે. હવે અંતિમ ક્ષણે કાર્યકરોને મનાવવા માટે હવાતિયાં મારવામાં આવી રહ્યા છે. આ લોકો માનશે પણ કે નહિ ? ચૂંટણી ટાણે આ એક માથાનો દુખાવો છે. એમાંય પાર્ટીઓ ખમતીધર અને મોટી હોય તો તો માથાનો દુખાવો કોઈ અસરકાર દવા લો તો પણ ન મટે.
ભગાવી ભગાવીને તોડાવી નાખો
એક બાજુ મનાવવાની વાતો કરવામાં આવે છે બીજી બાજુ ધારાસભ્ય વીનુ મોરડિયાના સૂર તો કંઈક અલગ જ વાદન વગાડી રહ્યા છે. સુરતના કતારગામના આ ધારાસભ્યએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, ‘‘હવે જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પૂર્ણ થયા છે, જેમણે આવવું હોય તે પોતે આવી જાય હવે અમે મનાવવાના નથી. મારો તો સ્વભાવ જ એવો નથી. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભાગવીને તોડાવી નાખવાના છે.’’
બંને તરફની વાત છે. એક તરફ પક્ષના મોટા નેતાઓ ચૂંટણી પ્રચાર કરે કે રિસાયેલા ને મનાવે ? અને બીજી બાજુ વરસોથી મહેનત કરતાં કાર્યકરોને પણ ટિકિટ મળવાની આશા હોય તે સ્વાભાવિક છે. જો એ ન મળે તો તેમના માટે બીજા રસ્તા પણ છે.
પોલીસને સોંપી દીધા
વિનુભાઈની વાત અહીંથી નથી અટકતી. પેટા ચૂંટણીમાં પાવરફુલ દેખાવ કરનારા અને છબીને મજબુત કરવા માટે આગળ વધી રહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ પ્રમુખ પ્રચારક નેતાઓને કહી દીધું છે કે જનતાની વચ્ચે જઈ તેમની સાથે યોગ્ય વર્તન અને વાત કરવી પણ તેમની વાતનું વતેસર થઈ ગયું. એ વાતનું વતેસર કરનારા પાછા હમણાં જેમની વાત કરી તે વિનુભાઈ જ નીકળ્યા.
એક જાહેરસભામાં કોઈ નાગરિકે વિનુભાઈને પૂછી લીધું કે, સામાન્ય જનતા પાસેથી તો માસ્ક ન પહેર્યું હોય તો હજાર હજાર ઉઘરાવવામાં આવે છે. તમે તો માસ્ક વગર પ્રચાર કરી રહ્યા છો. થઈ ર્યું. સાચી વાત તો કોને સારી લાગે! પ્રશ્ન પૂછનાર અને તેના પિતાને પોલીસને સોંપી દેવામાં આવ્યા. બે વોટ તો ગયા ને ?
સેનિટાઈઝરની બોટલો
એક વખત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે કટાક્ષ કરતાં કહેલું કે, ભાજપમાં જે લોકો મંત્રી છે એ કોંગ્રેસમાંથી જ લીધેલા છે. એમના કાર્યકર્તાઓ તો છાશ વિતરણ કરે છે. આ તો મજાકની વાત થઈ પણ સાચી વાત એ છે કે હવે પ્રમોશનનું નવું શસ્ત્ર આવી ગયું છે. તમે વિચારો જોઈએ હાલના સમયમાં સૌથી વધારે શું વેચાતું હોય ? માસ્ક અને સેનિટાઈઝર. બંગાળની ચૂંટણીમાં તો ભાજપ પ્રચારરૂપી શસ્ત્ર તરીકે માસ્ક વહેંચે છે, પણ અહીં અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે સરખેજ વોર્ડમાં સેનિટાઈઝરની બોટલ પર કોંગ્રેસે સ્થાન લીધું છે. અહીં રાજેન્દ્ર પટેલની તસવીર છે. સાથે જ વોટ ફોર કોંગ્રેસ લખેલું છે. કોંગ્રેસ જીતે કે ન જીતે પણ સેનિટાઈઝરની બોટલો તો જનતાને કામ આવશે જ.

વડોદરામાં જોયા જેવી
હંમેશાં એક પ્રશ્ન જનતા ગણગણતી હોય છે કે નેતાઓ અને કાર્યકર્તાઓ વોટ માગવા આવે છે. વોટ આપીએ પણ છીએ, પણ જ્યારે જરૂર પડે ત્યારે કોઈ ફરકતું સુદ્ધા નથી. આ સમસ્યા વડોદરામાં પણ સર્જાય છે. વડોદરામાં કોઠિ આનંદપુરા અને માંજલપુરામાં મત માગવા નીકળેલા કાર્યકરોની છાતી પર જનતાએ શાબ્દિક બાણ ચલાવ્યા. જેથી શબ્દો શોધવા માટે પણ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોને ફાંફા પડી ગયા હતા. જનતા સવાલ પૂછતી હતી કે જીત્યા પછી ફોન ઉઠાવશો ખરાં ? ને કાર્યકર્તાઓ એકદમ મૌન હતા. જાણે સાપ સુંઘી ગયો હોય.
શોભાના ગાંઠીયા બની ગયા એ શબ્દો!
સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાર્યકરોને કહી દીધું કે એક પણ પ્રકારનો સગાવાદ નહિ ચાલે. આથી જે કાર્યકરો ખરેખર મહેનતુ છે. પક્ષની સાથે વરસોથી રહી રહ્યા છે. પક્ષને જીતાડવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે તેમના હ્રદયમાં ટિકિટની આશા જાગી ગઈ, પણ મહેસાણામાં એવું નથી થયું. મહેસાણામાં પાટીલ સાહેબે જે વાત કરી તે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. અહીં જેને ટિકિટ મળી તેના નામ તો સાંભળો..
- શહેરનાં ઉપપ્રમુખ મફતલાલ પટેલના પત્ની કૈલાશબહેન પટેલને ટિકિટ મળી.
- શહેરના મહામંત્રી અને બે ટર્મથી જીતતા મુકુંદભાઈ પટેલના પત્ની વર્ષાબહેન ટિકિટ લઈ ગયા.
- જનક બ્રહ્મભટ્ટને ભાજપ ત્રીજી વખત મેદાને લાવ્યું. એમનાં પિતા પણ બે ટર્મ રહી જ ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત