Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં દિલ્હીની યુવતીને સિરિયલમાં કામ અપાવવાના બહાને બોલાવી હોટલમાં દુષ્કર્મ આચરવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ હાથ ધરેલી તપાસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ફિલ્મ અને સિરિયલમાં કામ અપાવવા બહાને બોલાવીને દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં વડોદરા પોલીસે દસમુ ધોરણ ભણેલા બોગસ ફિલ્મ ડાયરેક્ટરની ધરપકડ કરી છે. આરોપી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મજૂરી કામ કરતો હોવાની વાત સામે આવી છે. ત્યારે આવો જાણીએ આરોપીએ યુવતીને કેવી રીતે ફસાવી હતી.
વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 3 જુલાઈના રોજ દિલ્હીની યુવતીએ રાજ મિશ્રા નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતુ કે, આરોપી રાજ મિશ્રાએ પોતે ડાયરેક્ટર હોવાનું કહીને સિરિયલમાં રોલ અપાવવાના બહાને દિલ્હીથી વડોદરા બોલાવી હતી. આરોપીએ યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો પણ બનાવ્યા અને બાદમાં વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો છે. દિલ્હીની યુવતીએ ફરિયાદ કરી હતી કે, ગત જાન્યુઆરી-2020માં વડોદરાના રાજ મિશ્રાએ સોશિયલ મીડિયા પરથી મારો સંપર્ક કર્યો હતો. અમે બન્ને ત્યારબાદ સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ મને વડોદરા આવવા માટેની ઓફર કરી હતી. પોર્ટફોલિયો બનાવવા માટે મેં તેમની પાસે 13 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં આરોપીએ મને વડોદરાના દાંડિયા બજાર વિસ્તારની રાજધાની હોટલમાં બોલાવી હતી. હોટલમાં તેમણે મારી પાસે બીજા 52 હજાર રૂપિયા માગ્યા હતા, જેમાંથી મેં 25 હજાર રૂપિયા રાજ મિશ્રાને આપ્યા હતા.
યુવતીએ જણાવ્યું છે કે, રાજ મિશ્રાએ તેને મોડેલિંગ માટે નગ્ન ફોટાની જરૂર હોવાનું કહ્યું હતું. બાદમાં યુવતીએ ફોટો પણ પડાવ્યા હતા. ત્યારબાદ તેમણે મારી સાથે જબરજસ્તીથી શરીર સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મને ધમકી આપીને ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર મામલાની ફરિયાદ યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલમાં નોંધાવી છે. યુવતીનું કહેવું છે કે દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ તેનો પીછો ન છોડ્યો અને વારંવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરીને મારી પાસેથી 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. જો રૂપિયા નહીં આપે તો નગ્ન ફોટા વાઇરલ કરી દેવાની પણ ધમકી આપી હતી.
દિલ્હીમાં નોંધાયેલો આ કેસ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતા દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે રાજ મિશ્રાની ધરપકડ કરી લીધી છે.
મહત્વનું છે કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાથી પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પણ તપાસ માટે ગઈ હતી. પરંતુ આ દરમિયાન આરોપી રાજ મિશ્રા વડોદરાના જ સિયાપુરા વિસ્તારમાં પોતાના ભાઈને ઘરે છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તેને દબોચી લીધો હતો. પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી રજનીશ ઉર્ફે રાજ મિશ્રા દસ ધોરણ જ ભણેલો છે અને વડોદરામાં જ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મજૂરી કામ કરતો હતો. પરંતુ તેની હરકતોના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા બેરોજગાર બની ગયો હતો.
આરોપી રજનીશ ઉર્ફે રાજ મિશ્રાએ અત્યાર સુધી 6 થી વધુ યુવતીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હતા. તેમજ દસથી વધુ વોટ્સએપ નંબર પણ તેની પાસે છે. હાલ પોલીસે તપાસ આગળ વધારી છે કે આરોપીએ અત્યાર સુધી કેટલી યુવતીઓને પોતાની જાળમાં ફસાવી છે. તેના આ કાળા કામમાં અન્ય કોણ કોણ સામેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત