ભારતમાં રમવું, રખડવું અને મજ્જા કરવી ઘણા વિદેશી ખેલાડીઓને ગમે છે. કેટલાક ખેલાડીઓને ભારત પ્રત્યે એટલો પ્રેમ છે કે ભારત સાથેની યાદોને અમર કરવા કોઈ વિચારે પણ નહીં એવું કર્યું છે.
પહેલાં વાત ગર્લ્ડફ્રેન્ડને પ્રપોઝલની. અબ્રાહમ બેંજામિન ડી વિલિયર્સ. ન સમજાયું ? હું એ.બી.ડી વિલિયર્સની વાત કરું છું. તેનું આખુ નામ અબ્રાહમ બેંજામિન ડી વિલિયર્સ છે. હા જેને આપણે મીસ્ટર 360 ડિગ્રીથી ઓળખીએ છીએ. આપણે તેને ક્રિકેટના કારણે ઓળખીએ છીએ, પરંતુ એબીડી ક્રિકેટ ઉપરાંત રગ્બી, ટેનીસ, ગોલ્ફ અને સ્વીમિંગનો પણ સારો ખેલાડી છે.
સામાન્ય રીતે મેદાન પર તેનું બેટ જ બોલે છે પરંતુ તે દિવસે તાજમહેલ સામે ડેનિયલ (એબીડીની પત્ની)ની સામે તે બોલ્યો WILL YOU MARRY ME ?
એક ઈન્ટરવ્યૂમાં એબીડી સ્વીકારે છે કે તેણે પત્ની ડેનિયલને તાજમહેલ સામે પ્રપોઝ કર્યું હતું. તાજમહેલ પ્રેમનું પ્રતીક છે. એટલે એબીડી વિલિયર્સે થનારી પત્ની ડેનિયલને તાજમહેલ સામે જ પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું.
ડેનિયલને ખબર ન પડે એટલે એબીડી વિલિયર્સે ખાસ આયોજન કર્યું હતું. એબીડી ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરને સિક્યોરિટી ગાર્ડ તરીકે સાથે લઈ ગયો હતો. અગાઉથી જાણ ન થાય એટલે એબીડીએ ડેનિયલને એવું કહ્યું હતું કે બહાર જતી વખતે સિક્યોરિટીને સાથે રાખવા પડશે. તાજમહેલ પહોંચતાની સાથે જ એબીડીએ ડેનિયલને પ્રપોઝ કરી દીધું. જે સિક્યોરિટી હતા તે ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર બની ગયા અને સમગ્ર ઘટનાને કેમેરામાં કંડારી લીધી. ડેનિયલ થોડી ચોંકી ગઈ પરંતુ તેની પણ ખુશીનો કોઈ પાર ન રહ્યો.
આ અંગે એબીડી કહે છે કે, ‘હું આ ન કરી શક્યો હોય જો એ ખાસ જગ્યા ન હોત.’ આજે એબીડીના ઘરે બે દીકરા છે. અબ્રાહમ અને જ્હોન.
જોન્ટી રોડ્સ એબીડીના આ કારનામાં અંગે કહે છે કે, ‘ડેલ સ્ટેનની ઓવરમાં રિવર સ્વીપ મારવી એ હિંમતનું કામ છે. પરંતુ કોઈને આવી રીતે પ્રપોઝ કરવા માટે એનાથી પણ વધુ હિમ્મત જોઈએ.’
જોન્ટી રોડ્સનું નામ ભારતના નાનામાં નાના બાળકને પણ આવડતું હશે. આપણી સ્ટોરીનો બીજો ખેલાડી આ જ છે. જોન્ટી. જોન્ટીને ભારત પ્રત્યે એટલો લગાવ છે કે તેણે તેની દીકરીનું નામ જ ‘ઈન્ડિયા’ રાખી દીધું. એક ઈન્ટરવ્યૂમાં જોન્ટી કહે છે કે તે ભારતની સંસ્કૃતિ અને પરંપરા તેમજ લોકોની રહેણીકરણીથી પ્રભાવિત છે.
જોન્ટીની પત્ની યોગા ટીચર છે જે વેદાંતને ફોલો કરે છે. એટલે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું. જોન્ટી ભારતીય સંસ્કૃતિમાં પણ એટલો જ વિશ્વાસ કરે છે. જોન્ટી ક્રિશ્ચિયન હોવા છતાં એકવાર ભારતમાં તેણે પોતાની દીકરી માટે હવન કરાવ્યો હતો.
જોન્ટી વિશે આ જાણો છો ?
પ્લેઈંગ ઈલેવનમાં ન હોવા છતાં જોન્ટી રોડ્સને મેન ઓફ ધી મેચ બનાવી દેવાયો હતો. વાત 1993ની છે. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેચ હતી. જોન્ટી રોડ્સ પ્લેઈંગ ઈલેવનમાં ન હતો. જો કે, ફિલ્ડિંગ દરમિયાન સાઉથ આફ્રિકાનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો અને તેની જગ્યાએ જોન્ટી રોડ્સને સ્થાન મળ્યું. જોન્ટીની ફિલ્ડિંગથી લોકો આશ્ચર્યચકિત થયા. મેચના અંતે જોન્ટીના ખાતામાં પાંચ કેચ હતા. જેના કારણે પ્લેઈંગ ઈલેવનમાં ન હોવા છતાં તેને જ મેન ઓફ ધી મેચનું સન્માન મળ્યું.