Homeસાહિત્યછ મહિનામાં ત્રણ નવલકથા લખીને કેવી રીતે પ્રકાશિત કરવી ?

છ મહિનામાં ત્રણ નવલકથા લખીને કેવી રીતે પ્રકાશિત કરવી ?

2011ની સાલમાં મેક્સિકોનાં એક સાહિત્યિક મેળાવડામાં હાજરી પૂરાવવા આવેલા સ્ટીફન કિંગ અને જ્યોર્જ આર.આર. માર્ટિન (ગેમ ઓફ થ્રોન્સ)ના લેખક વચ્ચે સાહિત્યને લઈ ચર્ચા થઈ હતી. વાતો વાતોમાં ‘F’ શબ્દનો પ્રયોગ કરતાં જ્યોર્જ આર.આર. માર્ટિને તેમને પૂછી લીધું કે, ‘તું આટલી ઝડપથી નવલકથા કેવી રીતે લખી શકે છે?’ જેમાં પણ તેમણે ‘F’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.

માર્ટિને આ સવાલ એટલા માટે પૂછેલો હતો કે, તેણે છ મહિનામાં પોતાની આગામી નવલકથાના માત્ર ત્રણ ચેપ્ટર લખ્યા હતા. જેની સાપેક્ષે જ્યારે તે કિંગને જોતો હતો, તો તેણે છ મહિનામાં જ ત્રણ નવલકથા લખી નાખી હતી અને પ્રકાશિત પણ કરી દીધી હતી.

માર્ટિનની આતુરતાનો અંત આવ્યો અને કિંગે કહ્યું, ‘હું રોજ ત્રણથી ચાર કલાક ખાડો પાડ્યા વિના લખું છું. ક્રિસમસ પર પણ હું લખુ છું. મહેનત કરું છું કે મારા કાગળિયા બગડે નહીં. માનો તો આ ખૂબ આકરું કામ છે પણ બે કે અઢી મહિનામાં હું 360 પેજની દળદાર નવલકથા લખી નાખું છું.’

માર્ટિન એક સામાન્ય ગુજરાતી વાંચકની જેમ પૂછે છે જેને લેખક બનવાની તમન્ના છે, ‘એવું નથી લાગતું કિંગ કે કોઈ દિવસ બન્યું નથી, કે તમને કબજીયાત થઈ હોય. તમારું માથું દુખતું હોય. તમે ઈમેલ ચેક કરો. તમને વિચાર આવે કે લખવા કરતાં તો મેં પ્લમ્બિંગનું કામ કર્યું હોત તો સારું હતું. અમારા આવા દિવસો અને અમને આવા વિચારો આવ્યા રાખે છે તમને નથી આવતા?’

કિંગ કહે છે, ‘બિલકુલ નહીં, વાસ્તવિક જીવનમાં અને કાલ્પનિક જીવનમાં અંતર હોય છે. માર્ટિન તમારા વાંચકો કેટલાય દિવસથી આઈસ એન્ડ ફાયરનો છઠ્ઠો ભાગ તુરંત લખી પ્રકાશિત કરવાનું કહે છે. તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે. એ તમને કહ્યા રાખે છે. એ બાળકોની જેમ છે. બાળકોની ઈચ્છાઓ પૂર્ણ થવી જોઈએ. એટલે મારી સાથે આવું કંઈ થતું નથી.’

રોજ દસ પેજ લખો

કિંગે રોજ દસ પેજ લખવાનો પોતાની જાત સાથે આગ્રહ રાખે છે. જે તેમણે અત્યાર સુધી જાળવી રાખ્યો છે. આમ કરવાથી મહિનામાં તેની પાસે એક લાખ એંસી હજાર શબ્દોનું ભંડોળ ભેગુ થઈ જાય છે. તેઓ ધ્યાન રાખે છે, કે પ્રથમ ડ્રાફ્ટ તૈયાર થાય તો તેમાં ખૂબ ઓછી ભૂલ હોય. પ્રથમ ડ્રાફ્ટમાં અગણિત ભૂલ હોય તો પછી થઈ રહ્યું. અંદરથી તમારો જીવ દુભાવા લાગશે. એવું ન થાય આ માટે પ્રથમ ડ્રાફ્ટ ક્લિન રાખો.

300 શબ્દ ફરજીયાત લખો

એક કલાકની અંદર તમે સ્વચ્છ 500થી 1000 શબ્દો લખી શકો છો, પછી એક સારી પ્રોડક્ટ તમારી પાસેથી મળવાની આશા રાખી શકાય. પણ રોજે સતત લખવા પર આ શબ્દોનો વજન રહેલો છે. કિંગ કહે છે, મારી માનો તો રોજ 300 શબ્દ ફરજીયાત લખવાની શરૂઆત કરો અને પછી ઘોઘાની જેમ અટકી ન જતા. એ 300 શબ્દને ગમે તેમ કરી રોજના 10,000 શબ્દ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. બધુ થશે. ધીમે ધીમે થાય છે.

એટલે કે આઠ કલાક લખવાનું

સ્ટીફન કિંગના અભ્યાસુ અને આજે પણ તેમની કથાઓ વાંચતા વાંચક બોબે એક સરસ વિધાન શેર કર્યું છે. તેઓ કહે છે, ‘મને ગાયક અને ગીતકાર રિચાર્ડ થોમ્પસનની વાત યાદ આવે છે. થોમ્પસને પોતાની ઓફિસ ખોલી રાખી હતી. જ્યાં તેઓ રોજ જતા. એ ઓફિસ તેમના માટે કોઈ સરકારી નોકરી જેવી હતી. જેમાં નોકરી પ્રાઈવેટ સેક્ટરની જેમ કરવાની હતી. થોમ્પસન રોજ ત્યાં જઈ કોઈ બીજાની ઓફિસ હોય તેમ કામ કરતા. સ્ટીફન કિંગ આ રીતે જ લખે છે. પણ ઘરે બેસીને.’  

લખવા માટે શું કરવું જોઈએ ? એ હવે કિંગની જુબાનીમાં

લખતા પહેલા એક વાતનું ધ્યાન રાખો. તમારા ઘરમાં જે ટીવી છે તે બંધ કરી દો. ટીવી જોવાનું જ બંધ કરી દેવાનું. એ તમારા લખવા અને વાંચવાની આડે આવ્યા રાખશે. તમારા હાથમાં ચોપડી હોવી જોઈએ અને જીવનમાં બે જ કામ કે વાંચ્યા રાખો અને લખ્યા રાખો. વધારે વાંચો અને વધારે લખો. એક સારા લેખક બનવા માટે તમારે આ સિવાય કંઈ કરવાની જરૂર નથી. જો તમારી પાસે વાંચવાનો સમય નથી તો તમારી પાસે સારું લખવાનો પણ સમય નથી.

એક સમુદાય તમને ઉતારી પાડશે

કાલ્પનિક સાહિત્ય (ફિક્શન) લખવાને હું એટલાન્ટીક મહાસાગર તમારા બાથટબમાં ભર્યું હોય તેવી રીતે માનું છું. તેમાં શંકા ખૂબ રહ્યા કરે છે. તમે તો શંકા કરો જ છો, પણ જે વાંચે તે પણ શંકા કરે છે. તમે જ્યારે નૃત્ય કરો છો, ગાવ છો, લખો છો ત્યારે એક સમુદાય ઊભો થાય છે. જે તમારી કલાનું વિવેચન કરે છે. ઘણી વખત એ વિવેચન નથી હોતું. એ ઉતારી પાડે છે. આવો સમુદાય દરેક ક્ષેત્રમાં હોય છે.

છોડવાનું નહીં

કોઈ પણ વસ્તુને એટલે ન છોડી દેવી જોઈએ કે તમારું મૂડ નથી. તમને મજા નથી આવતી. ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ લખવાનું ચાલુ રાખવું જોઈએ.  હું જ્યારે લખતો હતો ત્યારે મને મજા આવતી હતી અને તમને જો લખવાની મજા આવે છે, તો તમે આ કામ હંમેશાં કરી શકો છો.

ફોન બંધ કરી દો

જ્યારે લખો છો તો દુનિયાથી છૂટાછેડા લેવામાં જ ભલાઈ છે. ફોન બંધ કરો અને કોમ્પ્યુટરની બીજી વીન્ડો બંધ કરી દો. ‘લખો ત્યારે બારણું બંધ રાખો અને રિ-રાઈટ કરો ત્યારે બારણં ખુલ્લુ રાખો.’

સતત લખો

જો હું નવલકથા લખું તો સતત લખુ છું. આમ કરવાથી મારો પાત્રો જોડે સંબંધ ઘડાયેલો રહે છે. જો ગેપ રહે તો તમામ પાત્રો વાસી થઈ જાય છે. કથા અને પ્લોટ પરથી મારી પકડ ગુમાવતો જાઉં છું.

લગ્ન અને શારીરિક ક્ષમતા

મારી સફળતાનું રહસ્ય બે વસ્તુ પર છે. મારા લગ્ન અને મારી શારીરિક ક્ષમતા. તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત સંબંધોના કારણે હું ટકી શક્યો છું. લગ્ન એ તમારા જીવનમાં બેલેન્સનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments