સંજય વાજા: ‘સંજય આપણે ઊનાના આયુર્વૈદિક ડૉક્ટર દમણિયા સાહેબને બતાવ્યું છે. દવા ચાલુ છે અને તેનાથી ફેર છે. દવા પુરી થાય એટલે હું તને ફોન કરીશ. જો તારો ભાઈ ફ્રી હોય તો તેને કહેજેને કે અનુકૂળતાએ દવા પાર્સલ કરાવી દે…’ ગૌરાંગ ભાઈ સાથે છેલ્લીવાર જ્યારે વાત થઈ ત્યારે આ તેમના શબ્દો હતા.
સવારે જ્યારે ખબર પડી કે ગૌરાંગ ભાઈ આપણી વચ્ચે નથી ત્યારે ધ્રાસકો પડ્યો. એક ખાલીપો વર્તાયો. આંખ ભીની થઈ ગઈ. ભૂતકાળના કેટલાય સંસ્મરણોનું તરુવર આંખ ઊંચી કરી જોતા સામે આવી ઊભું રહી ગયું. ગૌરાંગ ભાઈ ભલે મારાથી બમણી વયના હતા પરંતુ તેમનો વ્યવહાર હમઉમ્ર મિત્ર જેવો જ હતો. પાંચ વર્ષ પહેલાં તેમની સાથે મુલાકાત થઈ હતી. મૂળ પ્રકૃતિ અખબારના માણસની એટલે તેમના માટે ચેનલમાં કામ કરવું સાવેય નવું હતું. ટેકનોલોજીથી પણ થોડા અજાણ, પરંતુ નવું શીખવાની જિજ્ઞાસાવૃતિ અને અભિગમના કારણે તેઓ થોડા જ સમયમાં ટીવીની પટકથા લખવામાં પાવરઘા થઈ ગયા. લાગે જ નહીં કે આ માણસ થોડા સમય પહેલા અખબારમાંથી આવ્યા હતા.

અવારનવાર ગીર સોમનાથ અને ઊનાના રાજકારણની અમારી વચ્ચે ચર્ચા છેડાતી રહે. તેઓને સ્થાનિક રાજકારણ વિશે પણ એટલું જ જ્ઞાન. નાનામાં નાના નેતાઓથી લઈ મોટા નેતાઓના નામની ઉમળકાભેર ચર્ચા કરે. ‘ઊનામા આ ભાઈ છે. તુ ઓળખે છે ?’ પછી ચર્ચાનો દોર આગળ ચાલે.
આમ તો એ હરતું ફરતું જ્ઞાનકોશ એટલે તેમની પાસેથી આપણા પ્રાન્તની આપણી પાસે પણ ન હોય એવી દુર્લભ જાણકારી મળી જાય. હું મૂળ ઊનાનો પરંતુ જેટલી મને ન ખબર હોય એટલી તેઓને ખબર હોય. આવી જ રીતે ઊનાથી લઈ વેરાવળ અને ત્યાંથી મહાદેવના નગર સોમનાથની ચર્ચા કરીએ. તેમના મનમાં જરાં પણ એવો છોછ નહીં કે હું કોઈ નવા પત્રકાર સાથે વાત કરું છું. તેમનો આ જ્ઞાનસભર વૈભવ જ આકર્ષી ગયો હતો. એમ કહું તો અતિશ્યોક્તિ નથી કે કોઈને પણ આકર્ષવા માટે પૂરતો હતો.

કોરોના કાળમાં જાણ થઈ કે તેઓને ફેફસાની બીમારી છે. શરૂઆતનો કોરોનાનો માહોલ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે હું અને ગૌરાંગભાઈ બંને VTVમાં હતા. આવા માહોલમાં પણ તેઓ ઓફિસ આવે. કોરોનાનો કહેર વધ્યો એટલે તેઓને વર્ક ફ્રોમ હોમ અપાયું. છતાં તેમને કોરોનાનું સંક્રમણ લાગી ગયું. ગૌરાંગભાઈની તબિયત હતી એ કરતા વધારે લથડી પડી. સારી હોસ્પિટલમાં સારવાર કરાવી. એક સમયે તેમને ICUમાં પણ દાખલ કરવા પડ્યા. આટલી ગંભીર હાલત હોવા છતાં તેઓ હાર ન માન્યા અને કોરોનાને હરાવી દીધો.
તેમને બેસી રહેવું પાલવે નહીં, બીમારીમાંથી ઉભા થતાંની સાથે જ ફરી કામ શરૂ કરી દીધુ. પરંતુ પ્રિ-કોવિડે તેમના શરીરમાં ઉથલો માર્યો. થોડું ચાલે તો ગૌરાંગ ભાઈ હાંફી જતાં. પહેલા એમના શરીરને આવી કોઈ કનડગત નહોતી. તેઓની આ કંપાવી નાખતી સ્થિતિ જોઈ ઓફિસના તમામ કર્મચારીઓમાં વ્યાકુળતા ઘર કરી ગઈ હતી. બસ, ગૌરાંગભાઈ ઠીક થાય તેની તેઓ પ્રાર્થના કરતા હતા.

કોરોના બાદ તેમની દવા સતત ચાલુ હતી. કેટલાય વ્યક્તિ અને ડોક્ટરની સલાહ લઈ તેઓએ દવા કરાવી. છેલ્લે તેમને ઊનાના આયુર્વેદિક ડોક્ટર વિશે જાણ થઈ તો મારી પાસેથી માહિતી લીધી અને તેમની દવા પણ લીધી. છેલ્લે વાત થઈ ત્યારે તબિયતમાં સુધારો હતો પરંતુ અચાનક સમાચાર મળ્યા કે તેઓ આપણી વચ્ચે નથી. અત્યંત દુઃખ થયું. આ જવાની ઉંમર ન હતી!
અમારા પત્રકારોની જમાત જ્યારે ચાની દુકાને મળે ત્યારે અવારનવાર એક વાતનો મણકો મૂકતા હોય છે. ‘સારા માણસોની બધે જરૂર છે.’ ગૌરાંગભાઈ આ સારા માણસની શ્રેણીમાં આવતા હતા. નિર્વિવાદપણું. કદાચ હવે તેમની જરૂર ભગવાનને પડી છે, જેથી તેઓને પાસે બોલાવી લીધા. તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદો હંમેશાં સાથે રહેશે. તેમનો હસતો ચહેરો ક્યારેય નહી ભૂલાય. ઓમ શાંતિ…
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ