વિવેક ગોહિલ: કોઈપણ જ્ઞાતિ-જાતિનો હોય… યોદ્ધા તો યોદ્ધા હોય છે. બસ આ વાત સાથે અગાઉ આપણે છૂટા પડ્યા હતા. વિરાંગના ઝલકારી દેવીએ નાત-જાતથી નોખી ભાત ઉપસાવી અને એ હતી લડાયકની… છાપ હતી નાયકની. પણ ખેર આજે તો એ બહુ દુર્લભ લાગે કે તમારી પાછળ મજબૂત પીઠબળ ન હોય, જેને આપણે સાઉન્ડ બેકગ્રાઉન્ડ કહી છીએ તે ન હોય, તો તમે લડવાનું તો શું લડવાનું વિચારવાનું જ માંડી વાળો ને. એમાંય જ્ઞાતિ-જાતિથી ઉપર ઉઠવાની વાત તો ગાંઉ છેટી રહી, કારણ કે આપણે તો આધુનિક યુગ અને એકવીસમી સદીમાં ફરીથી નાત-જાતમાં ફસાઈ રહ્યા છીએ અને વધુને વધુ ફસાતા જઈ રહ્યા છીએ.
ક્યારેક ગંદુ રાજકારણ, ક્યારેક વ્યક્તિગત સ્વાર્થ તો ક્યારેક ચોક્કસ નરેટિવના, અન્યાયના પહેરાવાયેલા ચશ્માથી આપણે સત્ય અને સનાતન ધર્મની વિશાળતાને બદલે જ્ઞાતિવાદની વિકલાંગતાને પસંદ કરી લઈએ છીએ. ભારતમાં રહેતા એક વ્યક્તિ સાથે પણ અન્યાય થાય તો આપણે સૌએ સાથે ઉભું રહેવું જોઈએ એવું શીખવતી આપણી સંસ્કૃતિને આપણે જ હણી રહ્યા છીએ ને ? પાડોશીના ઘરે ચોરી થાય, તો મારે શું ? બિલ્ડિંગમાંથી સગીરા વિધર્મી સાથે ભાગી જાય, તો આપણે કેટલા ટકા ? ડાયમંડ સિટીમાં જ એક નપાવટ નંગ સરાજાહેર એક દીકરીની જિંદગી છીનવી લે, તો એમાં આપણું શું જાય ? અરે શેરીના નાકે આગ લાગે તો આપણે તો ઘરના ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા નાસ્તો ઝાપટતા ન્યૂઝ ચેનલમાં એ દ્રશ્યો જોઈને સલાહો ઠપકારીએ કે અરે હું તો કહેતો જ અથવા કહેતી જ હતીને કે ત્યાં જે રીતે બધું રખાય છે, આગ તો એક દિવસ લાગવાની જ હતી. પણ ભાઈ આપણી પણ ફરજ છે કે એ આગને બૂઝાવવા કંઈક તો પ્રયત્ન કરીએ. પણ ના, આજકાલ તો જવાબદારીથી હાથ ખંખેરવાની ફેશન ચાલી છે. આ ટ્રેન્ડમાં આપણે એ ભૂલી ગયા છીએ કે સમસ્યાઓની આ આગ લાગી ચૂકી છે અને તે જે દાયરામાં પ્રસરી શકે છે તે દાયરામાં આપણું ઘર અને આપણે ખુદ પણ આવી જઈએ છીએ. બીજા કોઈ ઘર કે શહેર કે રાજ્યમાં બનેલો બનાવ આપણા ઘર કે શહેર કે રાજ્યમાં બનતા વાર નહીં લાગે.
કોઈએ વિચારવાની હિંમત ન કરી, એ કામ ઝલકારી દેવીએ કરી બતાવ્યું
શૂરવીર યોદ્ધાઓની આ જ ખુમારી હોય છે, બસ યા હોમ કરીને પડો ફતેહ છે આગે. પછી એ ન વિચારે કે પરિવાર શું કહેશે, જેને પ્રેમ કરીએ છીએ એ શું કહેશે, સમાજ શું કહેશે. જેમ મહારાણા પ્રતાપ અને શિવાજીએ આ સઘળું નહોતું વિચાર્યું એમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ પણ ન વિચાર્યું તો તેમની સખી ઝલકારી કેમ વિચારે. અત્યારે પણ કહેવાતા બ્રોડ માઈન્ડેડ અને ફોરવર્ડ પરિવારો અને વાલીઓ અમૂક બાબતમાં સૂગિયું મોઢું કરી દે છે કે આ આપણે થોડું કરવાનું હોય, મારો દીકરો કે દીકરી આવું કામ તો નહીં જ કરે, પછી ભલેને એને બેઠાં બેઠાં રોટલા ખવડાવવા પડે. માતા-પિતાનું આ જ વલણ નવી પેઢીને ખોખલી બનાવે છે. હવે વિચારો અત્યાધુનિક સમયમાં આ હાલત છે તો અઢારમી સદીમાં શું હશે. ત્યારનાં પડકારો અને ઝલકારી બાઈના શૌર્યને વર્ણવતા
મૈથિલી શરણ ગુપ્તા લખે છે
जा कर रण में ललकारी थी,
वह तो झांसी की झलकारी थी.
गोरों से लड़ना सिखा गई,
है इतिहास में झलक रही,
वह भारत की ही नारी थी
આ એ ભારતની નારી હતી જે નિર્ભીક બનીને રાણી લક્ષ્મીબાઈનો વેશ ધરીને અંગ્રેજોની છાવણીમાં પહોંચી હતી. 1857માં આઝાદીની જ્યોત જ્વાળા બની રહી હતી. રાણી લક્ષ્મીબાઈનો સેના નાયક જ તેમને દગો કરીને અંગ્રેજો ભેગો ભળી ગયો હતો. જ્યારે પોતાના જ ઘાવ આપે ત્યારે ન તો રડી શકાય છે ન તો સહી શકાય છે. લક્ષ્મીબાઈની હાલત પણ એવી જ હતી. અંગ્રેજોને તો અભેદ કિલ્લાની જાણે ચાવી મળી ગઈ હતી. ઝાંસીનું આ રક્ષા કવચ તૂટવાનું છે એ નક્કી હતું. એ વખતે સામ, દામ, દંડ ભેદ ચારેય વ્યર્થ ગયા હતા. હવે ચતુરાઈથી કામ લેવાનું હતું. ઝલકારીએ લક્ષ્મીબાઈને તેમના પુત્રને લઈને ભાગી જવા તૈયાર કર્યા અને ખુદ તૈયાર થઈ લક્ષ્મીબાઈની જેમ. ઝલકારીએ વિચારી લીધું હતું કે હવે લક્ષ્મીબાઈનો જીવ બચાવી શકે તો તે ઝલકારી જ કરી શકે. એક જીવ બચાવવા માટે એક જીવનું બલિદાન આપવું પડશે. જેમ 1576માં હલ્દીઘાટીના યુદ્ધમાં 20 હજાર રાજપૂતોને સાથે રાખીને રાણા પ્રતાપે મુઘલ સરદાર રાજા માનસિંહની 80 હજારની સેનાનો સામનો કર્યો હતો. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા રાણા પ્રતાપને એ વખતે શક્તિસિંહે બચાવ્યા હતા. બસ કંઈક એવી જ રીતે આજે લક્ષ્મીબાઈને બચાવવા નીકળી હતી ઝલકારી દેવી.. લક્ષ્મીબાઈ બનીને.
મારી નાંખ મને, હું શું મોતથી ડરું છું ? આટલા સિપાહી મર્યા તેમાં એક વધારે ?
ઝલકારી રણચંડી બની ગઈ હતી. તેને ઘેરી અને અંગ્રેજ અધિકારી જનરલ રોઝ પાસે તો લઈ જવાઈ પણ અહીંયા તેને કાબૂમાં રાખવા માટે ગોરાઓનો પરસેવો છૂટતો હતો. ઈતિહાસકાર વૃંદાવનલાલ લખે છે કે, ગોરો જનરલ રોઝ ફાટી આંખે ઝલકારીને જોઈ રહ્યો હતો, ઝલકારી ઘોડા પરથી ઉતરી જ નહીં. એ જ રાણીની શાન અને અભિમાન. થોડીવાર માટે જનરલ રોઝ ઝલકારીની આભામાં ખોવાઈ ગયો. બીજી બાજુ છાવણીમાં કોલાહલ વચ્ચે રાવ દૂલ્હાજૂ નામક ખબરી હતો, તેને સમાચાર મળતા તે પણ ટોળા નજીક આવી ગયો અને લપાતો-છૂપાતો એ સ્ત્રીને જોઈ રહ્યો હતો જેના કારણે અંગ્રેજ છાવણીમાં આ વંટોળ સર્જાયો. તમામ બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ તેને અચાનક ઝટકો લાગ્યો. દૂલ્હાજૂ બોલી ઉઠ્યો, “આ રાણી નથી જનરલ સાહેબ, આ તો ઝલકારી છે. રાણી આવી રીતે સામે ન આવી શકે”. અને જનરલ રોઝના પગતળેથી જમીન ખસી ગઈ, ભવાં ચડી ગયા અને આંખો લાલઘૂમ થઈ ગઈ. તેને ખબર નહોતી પડતી કે તેની સાથે થયેલા જીવનના આ સૌથી મોટા છળનો જવાબ કેવી રીતે આપવો.
પણ ગોરો રોઝ કંઈ બોલે તે પહેલા જ ઝલકારી તાડૂકી ઉઠી. “માર દે મૈ કા મરબે ખૌ ડરાત હો, જૈસે ઈત્તે સિપાહી મરે તૈસે એક મૈં સઈ”
વિચારો તો ખરા જ્યારે ઝલકારી તૈયાર થઈ હશે, પરિવારજનોને સૂતેલા છોડી નીકળી હશે, અંગ્રેજ છાવણી સુધી ઘોડો હંકારીને પહોંચી હશે, ત્યાં સુધીમાં તેનું મન જરા પણ નહીં ડગ્યું હોય કે હું કેમ જાતે જ પૂરા હોશો હવાશમાં મોતના મુખમાં જઈ રહી છું, અરે લક્ષ્મીબાઈને બચાવવવા જ હતા તો કોઈ બીજી સ્ત્રીને તૈયાર કરી શકત, લક્ષ્મીબાઈની અંગરક્ષક બનીને તેની સાથે રાજ્ય છોડી શકત. કોણ ના પાડનારું હતું. કોણ ઝલકારીને રોકનારું હતું. પણ જ્યારે મા ભોમની રક્ષા કાજે ફના થવાનો વિચાર હોય તો સામે આ સઘળા વિચાર ટૂંકા પડે. 4 એપ્રિલ 1858નો એ દિવસ હતો જ્યારે અનેક અંગ્રેજોને ઝાંસીની ધૂળ ચટાડી ઝલકારીબાઈ ખુદ એ ધરતી પર ઢળી પડી.
ઈતિહાસના 40થી વધુ પુસ્તકો, લોકગીતો અને ઠેર-ઠેર પધરાવેલી મૂર્તિઓમાં આજે પણ જીવે છે ઝલકારી
ઘણી પેઢીઓ વીતી ગઈ. ઝાલકારી દસ્તાવેજોમાં નહીં પણ લોકોના જીવનનો હિસ્સો બની ગઈ, ગર્વ લેવાનું કારણ બની ગઈ. તેમના લેખિતમાં ઝલકારીનો પ્રથમ ઉલ્લેખ વિષ્ણુરાવ ગોડસેના સંસ્મરણ ‘માઝા પ્રવાસ’માં જોવા મળે છે. પછી વૃંદાવન લાલ વર્માની નવલકથામાં. આ ઉપરાંત ભવાનીશંકર વિશારદ, માતા પ્રસાદ, ડીસી દિનકર, મોહનદાસ નૈમિશ્રાયના પુસ્તકો છે. તેમની વાર્તાને NCERT પાઠ્ય પુસ્તકમાં સ્થાન મળ્યું છે. બદ્રીનારાયણ સમજાવે છે, ‘ઝલકારી પર લેખકો દ્વારા ચાલીસથી વધુ પુસ્તિકાઓ લખવામાં આવી છે. તેનો અર્થ લોક સ્મૃતિઓમાં તેમની હાજરી છે. છે અને છે જ.’
આજે ઝલકારી બાઈની મૂર્તિઓ રાજસ્થાનના અજમેરમાં, ઉત્તરપ્રદેશના આગરા સહિત ઠેર-ઠેર પધરાવવામાં આવે છે. ઉત્તરપ્રદેશ સરકારે લખનઉમાં ઝલકારી બાઈના નામે સેવાકીય હોસ્પિટલ પણ ચાલુ કરી છે. રાણી લક્ષ્મીબાઈ પર બનેલી ધારાવાહિક અને ફિલ્મોમાં તેમની ભૂમિકા પ્રદર્શિત કરવામાં આવે છે. તેમના નામે 22 જુલાઈ 2001ના રોજ તત્કાલિન અટલબિહારી વાજપેયી સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પણ ઝલકારીબાઈ માટે આ સન્માન પૂરતું નથી. ભારતના એક-એક ઘરમાંથી, આ દેશની પ્રત્યેક દિકરીમાં ઝલકારી દેવી પ્રતિબિંબિત થાય એ તેમનું સાચું સન્માન, આપણી સ્ત્રીઓ સ્વરક્ષાની સાથે સમાજ સુરક્ષા કરતી થાય તે સાચું સન્માન. કારણ કે એ વખતે લડાઈ શાસનભૂખ્યા અંગ્રેજો સામે હતી અને આજે લડાઈ હવસભૂખ્યા આપણી જ વચ્ચે રહેતા સમાજની બદી સમાન હેવાનો સામે છે.
(લેખ શ્રેણી- વિરાંગનાનો વારસો- લેખક વિવેક ગોહિલ પત્રકાર છે.)
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત