Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો માલધારી સમાજના વિરોધ બાદ હાલ પૂરતો સ્થગિત રાખી દેવામાં આવ્યો છે. જો કે બીજી તરફ રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ ઓછો થવાને બદલે વધી રહ્યો છે. રખડતાં ઢોરના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતાં ઢોરના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રસ્તે રખડતી ગાયે બાઈક પર જઈ રહેલા પિતા-પુત્રીને અડફેટે લેતાં પિતા-પુત્રીને ઈજા પહોંચી છે.

મળતી માહિતી પ્રમાણે પિતાને પગમાં ફેક્ચર અને પુત્રીને માથાના અને કાનના ભાગે ટાંકા લેવાની ફરજ પડી છે. રસ્તા પર છૂટાં મૂકી દેવાતાં ઢોરને કારણે અકસ્માત વધી રહ્યા છે, ક્યારેક લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. અમદાવાદ શહેરના જશોદાનગર વિસ્તારમાં ગીતાંજલિ સ્કૂલ પાસે આવેલા ગીતાનગરમાં રહેતા રમેશચંદ્ર કોષ્ટિ તેમની પાંચ વરસની દીકરીને લઈને બાઈક પર સોસાયટીની બહાર જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તે રખડતી બેથી ત્રણ ગાયમાંથી એક ગાય સોસાયટીની અંદર આવી ગઈ હતી અને તેઓની પાછળ દોડી હતી અને અડફેટે લીધા હતા. ગાયે અડફેટે લેતાં પિતા-પુત્રી નીચે પટકાયાં હતાં. ગાયે તેમને પાછળથી એવા અડફેટમાં લીધા હતા કે બંને પિતા-પુત્રી ફંગોળાઇને નીચે પટકાયાં હતાં. આ ઘટનાને કારણે સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને સારવાર માટે પિતા-પુત્રીને હોસ્પિટલ ખસેડાયાં હતાં.
રમેશચંદ્ર કોષ્ટિને પગના ભાગે ફેક્ચર થયું હતું, જ્યારે તેમની પુત્રી પ્રાચીને માથાના ભાગે ઇજા થતાં ટાંકા લેવા પડ્યા હતા. પરિવારજનોનું અને રહીશોનું કહેવું છે કે આવા અકસ્માતના બનાવો અવારનવાર બને છે. મહાનગરપાલિકા પણ રસ્તે રખડતાં ઢોરને પકડવામાં નિષ્ફળ ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા