અબ્દુલ પઠાણ, ઊનાઃ રાજ્યમાં રવિવારની સવારથી જ અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકામાં એક દુર્ઘટના ઘટી છે. તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઘેટાને બચાવવા તળાવમાં પડેલા પિતાને બચાવવા જતાં બે પુત્રના પણ મોત નિપજ્યા છે. આમ આ દુર્ઘટનામાં પિતા અને બે પુત્રના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઊના તાલુકાના મોટા ડેસર ગામે પિતા અને તેમના બે પુત્ર ઘેટા ચરાવવા માટે નીકળ્યા હતા આ દરમિયાન અચાનક એક ઘેટું તળાવમાં પડી ગયું હતું. તળાવમાં ડૂબી રહેલા ઘેટાને બચાવવા માટે પિતાએ તળાવમાં છલાંગ લગાવી હતી. આ દરમિયાન પિતા પણ ડૂબવા લાગ્યા હતા જેથી પિતાને બચાવવા માટે એક પછી એક બન્ને પુત્રએ પણ તળાવના પાણીમાં છલાંગ લગાવી હતી. પરંતુ તળાવના પાણીમાં ગરકાવ થઈ જવાથી પિતા અને બન્ને પુત્રના કરુણ મોત નિપજ્યા હતા.
આ દુર્ઘટના બાદ મોટા ડેસર ગામનો માલધારી પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. મૃતકમાં ભોપાભાઈ જેઠાભાઈ ગલચર, પાલાભાઈ ભોપાભાઈ ગલચર અને ભીમાભાઈ ભોપાભાઈ ગલચરનો સમાવેશ થાય છે. પિતા અને બે પુત્રો ડૂબ્યાની જાણ થતાં જ ગામ લોકો તળાવ પર દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમે આવીને અડધી કલાકની ભારે જહેમત બાદ પિતા અને બન્ને પુત્રના મૃતદેહ શોધીને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
ઉનામાં ડૂબી જવાથી પિતા અને બે પુત્રના મોત pic.twitter.com/xyulRicIj6
— thechabuk (@thechabuk) July 25, 2021
મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત