Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓમાં ગુનાઓની ભરમાર રચનાર ગેડિયા ગેંગના પિતા-પુત્રનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. સુરેન્દ્રનગરના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ આરોપી મુન્નો અને તેના પુત્ર મદીન ઠાર મરાયા છે. બંને સામે 86થી વધુ ગુના નોંધાયા છે. જેમાંથી 59 ગુનામાં તેઓ પકડાયા નથી. જોકે, પોલીસના એન્કાઉન્ટર પર પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા હતા અને ન્યાય ન મળે ત્યા સુધી બંનેના મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની ટીમ માલવણ ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બંને પોલીસ હિરાસતમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં બંને ઠાર મરાયા છે, બંને આરોપીઓ કુખ્યાત ગેડિયા ગેંગના સભ્યો હતો.
સુરેન્દ્રનગરના Dy.SP હિમાંશુ દોશીના જણાવ્યા મુજબ ગુજસીટોકના ફરાર આરોપી હનીફખાન ગેડીયા હોવાની બાતમી મળતા માલવણના PSI વી.એન.જાડેજા અને તેમની ટીમ આરોપીને પકડવા ગેડિયા ગામ ગઈ હતી. જ્યાં આ ઘટના બની છે. પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ PSI જાડેજા ઉપર કર્યા હતા અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈ PSI પર હુમલો કરતા PSIને વાસાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળીઓ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
બીજી તરફ, ઘટનાની જાણ થતા જ બંને આરોપીના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આરોપીના પરિવારજનોએ આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી હનીફ અને મદીનનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ગેડિયા ગામની ગેંગ 123 ગુનાઓ આચરી ચુકી છે. ગુજરાતના 7 જિલ્લામાં આતંક મચાવીને પ્રજાને તોબા પોકાવનારી ગેંગના સભ્યોને સાણસામાં લેવા માટે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક ગુનો દાખલ કર્યો છે.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત