Team Chabuk-Gujarat Desk: સુરતના કડોદરામાં પિતાએ પોતાના હાથે જ દીકરીની હત્યા કરી દીધી. નિષ્ઠુર પિતાએ દીકરીને 17 જેટલા ઘા ઝીંકી અત્યંત ક્રૂર રીતે મોતને ઘાટ ઉતારી દીધી. દીકરી પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકાતા રૂમ આખો લોહીથી લથપથ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ ઉંઘવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી, ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના છરાથી હુમલો કર્યો હતો જેમાં દીકરી મોતને ભેટી છે જ્યારે માતા ઈજાગ્રસ્ત થઈ છે.
કડોદરામાં સત્યમ નગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉ.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરાઓ સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહેતો હતો. મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈઓ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો જો કે, પિતાએ દીકરા- દીકરી પર પણ હુમલો કરી દીધો હતો.
રામાનુજે હુમલો કરતા પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યારબાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જો કે, પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર ઉપરા ઉપરી છરીના 17 જેટલા ઘા ઝીંકી દીધા હતા.
દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. જેમાં દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરાના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાઓને ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે હત્યા કરનારા પિતા રામાનુજને ઝડપી લીધો છે. હાલ આ સમગ્ર કેસમાં ગુનો નોંધી પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત