Homeગુર્જર નગરીભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગી આગ, આટલા લોકોનાં કમકમાટીભર્યા મોત

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગી આગ, આટલા લોકોનાં કમકમાટીભર્યા મોત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક કોવિડ હોસ્પિટલોમાં આગના બનાવ બની રહ્યા છે. ગત મોડી રાત્રે ભરૂચની એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 18 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ગઈકાલે એટલે કે શુક્રવારે મોડી રાત્રે વિકરાળ આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. હોસ્પિટલમાં લાગેલી આ આગ આઈસીયુ સહિત વિવિધ વિભાગમાં ફેલાઈ હતી જેના કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી.

ભરૂચની આ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી આગમાં 12 દર્દી અને 2 હોસ્પિટલના સ્ટાફ કર્મી સહિત કુલ 18 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. હોસ્પિટલમાં 49 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જેમાંથી 24 દર્દીઓ આઈસીયુ વોર્ડમાં દાખલ હતા.

ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે. જેથી અહીં ભરૂચ અને આસપાસના વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર અપાઈ રહી હતી. હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ સહિતની સુવિધા ઉભી કરવામાં આવેલી છે. તેવામાં ગત મોડી રાત્રે અચાનક હોસ્પિટલના કોવિડ આઈસીયુ વોર્ડમાં આગ લાગી ગઈ હતી. રાત્રીનો સમય હોવાથી મોટાભાગના દર્દીઓ નિંદર માણી રહ્યા હતા. તેવામાં આગે જોત જોતામાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં 12 દર્દીઓ સહિત કુલ 18 લોકોના મોત થયા છે. હોસ્પિટલમાં સ્ટાફ, ફાયર બ્રિગેડ અને દર્દીના સગા સંબંધીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આગ લાગવાનું કારણ શું

હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગવા પાછળનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઓક્સિજન લીક થતાં આ આગ લાગી હતી. હોસ્પિટલમાંથી 20થી વધુ દર્દીઓને અન્ય જગ્યાએ સારવાર માટે ખસેડાયા છે.

મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય

ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ડોક્ટર, દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી એ આ આગ દુઘર્ટનામાં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તેમના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની પણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ. એ. એસ. અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે.

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. હોસ્પિટલ બહાર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતાં જ હજારો લોકો હોસ્પિટલ બહાર એકઠાં થઈ ગયા હતા. દર્દીના સગા-સંબંધીઓ અને પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ચિંતાતુર થઈને હોસ્પિટલ પર દોડી આવ્યા હતા.

અત્યાર સુધી આ કોવિડ હોસ્પિટલમાં લાગી ચુકી છે આગ

અમદાવાદશ્રેય હોસ્પિટલ
વડોદરાસયાજી હોસ્પિટલ
રાજકોટઉદય કોવિડ હોસ્પિટલ
જામનગરજી.જી હોસ્પિટલ
ભરૂચપટેલ વેલ્ફેર હોસ્પિટલ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments