Team Chabuk-Gujarat Desk: કોરોના વાયરસની બીજી લહેરમાં ગામડાઓમાં પણ સંક્રમણ વધુ ફેલાયું છે ત્યારે સુરેન્દ્રનગરના આદરિયાણા સહિતના કેટલાક ગામડાઓ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. સુરેન્દ્રનગરના આદરિયાણા ગામમાં યુવા સરપંચ અને તલાટીમંત્રીએ ગામને કોરોના મુક્ત કરવા કમર કસી છે. જે માટે સરપંચે ગામના યુવાનો સાથે મળીને ગામમાં દરેક ઘરમાં માસ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત કોરોના અંગે જાગૃતિ અભિયાન સાથે દંડની જોગવાઈ પણ કરી છે જેથી નિયમોનું ચુસ્ત પાલન થાય અને ગામ કોરોના મુક્ત બને. ગામમાં ત્રણ મે સુધી લોકડાઉન પણ જાહેર કરાયેલું છે.
પંચાયત ફટકારે છે દંડ
આ ગામમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર જોવા મળે તો પોલીસ દંડ ઉપરાંત ગ્રામ પંચાયત પણ જે-તે નિયમભંગ કરનારા વ્યક્તિ પાસેથી 500 રૂપિયા દંડ પેટે ઉઘરાવી રહી છે. સરપંચની આ કડક કાર્યવાહી બાદ ગામમાં લોકો જાગૃત થયા છે. બાળકોથી લઈને વૃદ્ધ સૌ કોઈ ફરજિયાત માસ્ક પહેરતાં થયા છે. હાલ ગામમાં સ્થિતિ મહદઅંશે કાબૂમાં છે. હાલ ગામમાં માત્ર બે એક્ટીવ કેસ છે.
લોકો ઘરમાં રહીને આપી રહ્યા છે યોગદાન
આદરિયાણા ગામની વસતી આશરે 2500 જેટલી છે. ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે યુવા સરપંચ રસિક ડાભીએ તલાટીકમ મંત્રી અને ગામના યુવાનોને સાથે રાખીને આ પહેલ કરી છે. માસ્ક વિતરણ, ગામમાં સેનેટાઈઝરનો છંટકાવ ઉપરાંત યુવાનોએ ગામના વધુમાં વધુ લોકો કોરોનાની રસી લે તે માટે પણ પ્રયાસ હાથ ધર્યા છે. ગામ લોકો પણ યુવાનોના પ્રયાસથી ખુશ છે અને સ્વૈચ્છિક લોકડાઉન તેમજ કડક નિયમોના પાલનથી કોરોનાને હરાવવા ઘરમાં જ રહીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આ અંગે ટીમ ચાબુકે ગામના યુવાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, અમે સંકલ્પ કર્યો છે કે, નિયમોનું ચુસ્ત પાલન કરીને કોરોનાને અમારા ગામમાં પ્રવેશ નહીં કરવા દઈએ. હાલ અમે સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી રહ્યા છીએ અને કરાવી રહ્યા છીએ. આશા છે કે અમારા ગામમાં હાલ જે એક્ટીવ કેસ છે તેઓ ઝડપથી રિકવર થાય અને નવું સંક્રમણ ન ફેલાય. કોરોના સામેની આ લડાઈમાં ગામ લોકોએ એક સૂરમાં અવાજ ઉઠાવ્યો છે તે આવકારદાયક છે.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં