Homeગામનાં ચોરેનકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ, આ રીતે ચાલતું હતું સમગ્ર નેટવર્ક

નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ, આ રીતે ચાલતું હતું સમગ્ર નેટવર્ક

Team Chabuk-National Desk: કોરોનાની મહામારીમાં અમુક લોકો હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. રેમડેસિવિર ઇન્જેક્શનની વધતી માગને જોતા કાળાબજારીયાઓ તકનો લાભ ઉઠાવી આફતને અવસરમાં ફેરવવાનું કામ કરી રહ્યા છે. દેશભરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર, ચોરી અને નકલી બનાવટ થઈ રહી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શનને લઈ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં અનેક લોકોને પોલીસે પકડી પાડ્યા છે. હવે તો નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવનાર પણ ઝડપાઈ રહ્યા છે.

ઉત્તરાખંડમાંથી આવી જ એક ફેક્ટરી ઝડપાઈ છે જ્યાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવી રહ્યા હતા. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે ઉત્તરાખંડના કોટદ્વારમાં રેડ પાડીને નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી પકડી પાડી છે. પોલીસે આ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી 198 રેમડેસિવિરની 3 હજાર બોટલ, પેકિંગ માટેનો સામાન, દવા બનાવવા માટેનો સામાન, કમ્પ્યુટર, રેમડેસિવિરના રેપર સહિતની વસ્તુઓ જપ્ત કરી છે.

ક્રાઈમ બ્રાંચે 23 એપ્રિલે રેમડેસિવિરના કાળાબજાર કરનારા મનોજ ઝા અને શોયેબ નામના બે વ્યક્તિની ધરપકડ કરી હતી. આ બન્નેની પુછપરછમાં પોલીસને જાણકારી મળી હતી કે જલગાંવમાં રહેતા પુષ્કર નામનો વ્યક્તિ પાસેથી તેઓએ ઇન્જેક્શન ખરીદ્યા હતા. ત્યારબાદ પોલીસે પુષ્કરની પણ ધરપકડ કરી હતી. પોલીસે પુષ્કરના એક સાથી મનીષ ગોયલની પણ ધરપકડ કરી હતી જે આ કાળાબજારી સાથે જોડાયેલો હતો.

પોલીસની પુછપરછમાં પુષ્કર અને મનીષ ગોયલે જણાવ્યું કે તેઓને આ ઇન્જેક્શન દિલ્હીમાં રહેતી સાધના શર્મા નામની મહિલાએ આપ્યા હતા. પોલીસ ધીમે ધીમે ઇન્જેક્શન ઉત્પાદક સુધી પહોંચી રહી હતી. 26 એપ્રિલના રોજ પોલીસે સાધના શર્માને પણ પકડી લીધી હતી. સાધના શર્માએ પોલીસને જણાવ્યું કે હરિદ્વારમાં રહેતા વતન સૈની નામના એક વ્યક્તિએ આ રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા હતા. તેથી પોલીસની ટીમ હરિદ્વાર પહોંચી હતી. પોલીસે હરિદ્વારમાં રેડ કરીને વતન સૈની નામના આ શખ્સને દબોચી લીધો હતો.

હરિદ્વારમાંથી ઝડપાયેલા વતન સૈનીએ પોલીસને જણાવ્યું હતું કે, આ સમગ્ર કાળા કામનો માસ્ટરમાઈન્ડ આદિત્ય ગૌતમ નામનો શખ્સ છે. આદિત્ય ગૌતમ કોટદ્વાર વિસ્તારમાં ફેક્ટરી ચલાવે છે અને ત્યાં જ તે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવી રહ્યો છે. નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવીને તેની સપ્લાય ત્યાંથી અલગ અલગ જગ્યાએ થઈ રહી છે.

વતન સૈનીએ મોં ખોલ્યા બાદ દિલ્હી ક્રાઈમ બ્રાંચ સમગ્ર ગોરખધંધાના મૂળ સુધી પહોંચી હતી. પોલીસે વતન સૈનીના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના કોટદ્વારમાં આવેલી આદિત્ય ગૌતમની ફેક્ટરીમાં રેડ કરી હતી. ફેક્ટરીમાંથી પોલીસે આદિત્ય ગૌતમને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળો કારોબાર ચલાવનાર આરોપી આદિત્ય ગૌતમે બી ફાર્મનો અભ્યાસ કર્યો છે. તે એમબીએ પણ કરી ચુક્યો છે. તેની પોતાની ફેક્ટરી છે જ્યાં તે આ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આદિત્ય ગૌતમ કેટલીક એન્ટી બાયોટિક દવાઓને મિક્સ કરીને રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતો હતો. પોલીસે આ નકલી ઇન્જેક્શનને જપ્ત કરીને સેમ્પલ ફોરેન્સિંક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ બાદ હકીકત બહાર આવશે કે આ ઇન્જેક્શનમાં શું મિક્સ કરવામાં આવતું હતું. આ ઇન્જેક્શન દર્દીઓ માટે કેટલું ઘાતક હતું તેની હકીકત પણ બહાર આવશે.

મળતી માહિતી પ્રમાણે આરોપી આ રીતે ઇન્જેક્શન બનાવીને અત્યાર સુધી 2 હજાર જેટલા ઇન્જેક્શન બજારમાં વેચી ચુક્યો છે. જો કે પોલીસનું માનવું છે કે આ આંકડો વધુ હોઈ શકે છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી મોનિકા ભારદ્વાજે જણાવ્યું કે, હાલ આરોપીઓની સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ઘણા વિસ્તારોમાં આ અંગે રેડ પણ કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments