Homeગુર્જર નગરીદહેજની ભારત રસાયણ કંપનીમાં ભીષણ આગ, 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 10ની હાલત...

દહેજની ભારત રસાયણ કંપનીમાં ભીષણ આગ, 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 10ની હાલત ગંભીર

Team Chabuk-Gujarat Desk: ભરૂચના દહેજમાં આવેલી એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ બોઇલર ફાટતા કંપનીમાં આગ લાગી છે. આ ભીષણ આગમાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી છે. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લાવવાની કવાયત હાથ ધરાઇ છે. આ દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે દહેજમાં આવેલી ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ જોવા મળ્યો હતો અને આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો.

વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોની ગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાશન સ્થળ ઉપર પહોંચ્યા હતા. એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.

6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને 10 જેટલા ફાયર બ્રિગેડની ટીમ ધસી આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગના કારણે આકાશમાં ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા 3થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા.

હાલ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાનિ સર્જાઈ છે તેની વિગતો બહાર આવી શકી નથી. બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં કેટલા કામદારો હાજર હતા તેની પણ માહિતી મળી નથી. પ્રાથમિક તબક્કે બોઇલર બ્લાસ્ટ થયો હોવાથી આગ લાગ્યાનું જાણવા મળ્યું છે. જોકે, ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તપાસ બાદ જ બહાર આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments