Team Chabuk-Gujarat Desk: સુરતની કડોદરા જીઆઈડીસીમાં વહેલી સવારે એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગની ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું છે જ્યારે 15 વધુ કર્મચારીઓ દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા છે. કડોદરા જીઆઈડીસીમાં પેકેજિંગ કંપનીમાં આ આગની ઘટના બની હતી. વહેલી સવારે સુરત ફાયર બ્રિગેડને 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. 108 ઈમરજન્સી એમ્બ્યૂલન્સ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે સુરતની કડોદરા જીઆઈડીસીમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમાં માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અંગે એસડીએમ કે.જી.વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હાજર હતા. આગ લાગ્યા બાદ તમામ લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતાં તેનું મોત નિપજ્યું છે. આગ લગભગ કાબુમાં આવી ગઈ છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલાને પણ આ અંગેની જાણ થતાં તેઓ ઘટના સ્થળે આવવા રવાના થયા હતા. હાલ આગ કાબુમાં હોવાનું જાણવા મળ્યું છે.
સુપર વાઇઝર પાયલોટ અને 108ના ડૉક્ટર ખડે પગે સારવાર આપી તમામને ઝડપી હોસ્પિટલ પહોંચાડવામાં સફળ રહ્યાં હતાં. 108 EME નિકેશ લિખારએ જણાવ્યું હતું કે, લગભગ 20 થી વધુ કર્મચારીઓ દાઝ્યા છે. 15 લોકોને 108માં સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. વહેલી સવારથી સુરતની પુણા, વરાછા, ગોદાદરા, લીંબાયત, નવાગામ સહિતની 108 અને એમના કર્મચારીઓ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરીમાં જોડાયા છે.
લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સાડા ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત