Team Chabuk-Gujarat Desk: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં મૂળ ગુજરાતના ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હરીશસિંહ પરમાર શહીદ થયા છે. 25 વર્ષીય હરીશસિંહ પરમાર શહીદ થતાં તેઓનો પરિવાર અને સમગ્ર ગામ શોકમગ્ન બન્યું છે. ખેડૂત પરિવારમાં જન્મેલા હરીશસિંહ પરમાર નાનપણથી જ દેશ સેવા માટે ભારતીય સૈન્યમાં જોડાવાની ઈચ્છા ધરાવતાં હતા. તેઓના શહીદીની સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે ઉમટી પડ્યા હતા. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 2500ની વસ્તી ધરાવતાં વણઝારીયા ગામમાં હરીશસિંહના શહીદીના સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે.
વર્ષ 2016માં હરીશસિંહ પરમાર ભારતીય સૈન્યમાં જોડાયા હતા. કોલેજના પ્રથમ વર્ષમાં જ આર્મીની નોકરી મળી જતાં તેઓએ કોલેજનો અભ્યાસ છોડીને દેશની સેવામાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેઓને આસામમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યારબાદ જમ્મ કાશ્મીરમાં તેઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. પરિવાર પાસેથી જાણવા મળ્યું કે, શહીદ જવાન હરીશસિંહ પરમાર ગયા મે મહિનામાં લગ્ન કરવા માટે વતન વણઝારીયા આવ્યા હતા. ધામધૂમ પૂર્વક લગ્ન કરવાની તેઓની ઈચ્છા હતી. પરંતુ કોરોના મહામારીના કારણે લગ્ન પ્રસંગોમાં ગાઈડલાઈન જાહેર કરાયેલી હોવાથી ગણતરીના મહેમાનોને જ બોલાવવા પડે તેમ હતાં. તેથી હરીશસિંહ પરમારે કહ્યું હતું કે, કોરોના જાય પછી ધામધૂમ પૂર્વક લગ્ન કરવા માટે આવીશ. આમ કહીને 2 જૂનના રોજ તેઓ નોકરી પર પરત ફર્યા હતા. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ લગ્નની ઈચ્છા અધૂરી છોડીને જ હરીશસિંહ પરમાર દેશ કાજે શહીદ થઈ ગયા છે.
તેમના પિતાએ જણાવ્યું કે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ જમ્મુથી ભારતીય સેનાના મેજરનો ફોન આવ્યો હતો કે હરીશસિંહ શહીદ થયા છે. આ સમાચાર સાંભળતાં જ હું ભાંગી પડ્યો હતો પરંતુ પુત્ર દેશ માટે શહીદ થયો હોવાનું ગૌરવ પણ થયું. હરીશસિંહ પરમાર સહિત પરિવારમાં બે ભાઈઓ છે.
કપડવંજ તાલુકાના 2500ની વસ્તી ધરાવતા વણઝારીયા ગામનો નાતો પહેલાંથી જ દેશ સેવા સાથે જોડાયેલો છે. આ ગામમાં 2500 લોકો વસવાટ કરે છે જેમાંથી પાંચ નવ યુવાન ભારતીય સેનામાં ફરજ બજાવે છે. અને 25 થી 30 કરતાં વધારે નવયુવાનો ભારતીય સેનામાં જોડાવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે.
હરીશસિંહ પરમાર શહીદ થયાના સમાચાર મળતાં જ તેમના મિત્ર વર્તૂળમાં પણ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના નાનપણના મિત્રો કહી રહ્યા છે કે, હરીશસિંહ નાનપણથી જ આર્મીમાં જોડાવા માટેની ઈચ્છા ધરાવતા હતાં. તેમને અભ્યાસમાં ઓછો પરંતું દેશ સેવામાં જોડાવા માટે વધુ રસ હતો. મહત્વનું છે કે, શનિવારે હરીશસિંહ પરમાર જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન મા ભોમની રક્ષા કાજે શહીદ થયા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત