Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસથી પ્રથમ મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસથી પ્રથમ મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાના વાઇરસના સંક્રમણની વચ્ચે મ્યુકોરમાઈકોસિસ નામની બીમારીએ માથું ઉચક્યું છે. કોરોના સંક્રમિત થનારા દર્દીઓમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના અનેક કેસ સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મ્યુકોરમાઈકોસિસે ચિંતા વધારી છે. ગઈકાલે એટલે કે ગુરુવારે મ્યુકોરમાઈકોસિસના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ મોત નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે.

પાટડીના 58 વર્ષના આધેડનું કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસના કારણે મોત થતાં ચકચાર મચી જવા પામી છે. પાટડીના દર્દીએ અમદાવાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. મ્યુકોરમાઈકોસિસના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રથમ મૃત્યુ નોંધાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકોરમાઈકોસિસથી પ્રથમ મોત થતાં લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોનાની બીજી ઘાતક લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગપેસારો કરી હાહાકાર મચાવ્યો છે. ગ્રામ્ય પથંકના કોવિડ કેર સેન્ટરો પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. ત્યારે પાટડી ખાતે રહેતા અને ડ્રાઇવિંગની નોકરી કરતા 58 વર્ષના આધેડ અરજણભાઈ દાનાભાઈ ઠાકોરને 10 દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઓછું થતાં હાલત નાજૂક બનતા વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એમને સારવાર દરમિયાન ફંગલ ઇન્ફ્કેશન એટલે કે મ્યુકોરમાઈકોસિસ થતાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે અરજણભાઈનું નિધન થતાં ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની કહેર વચ્ચે મ્યુકોરમાઈકોસિસના કારણે થયેલા પ્રથમ મોતની ઘટનાથી લોકોમાં ફફડાટની સાથે ભયની લાગણી ફેલાવા પામી છે.

ધ્રાંગધ્રામાં મ્યુકોરમાઈકોસિસના 15 કેસ નોંધાયા, 2ના મોત

ધ્રાંગધ્રા પંથકમાં પણ કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસના રોગ પગપેસરો કરી રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં આંખ અને નાકમાં ફંગલ ઇન્ફેક્શન લાગુ પડતાં લોકોમાં ભય ફેલાયો છે. ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય પંથકમાંથી હાલ મ્યુકોરમાઈકોસિસના 15 દર્દીઓ સામે આવ્યા છે. દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જોવા મળતાં તેઓને ધ્રાંગધ્રાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક્ટિવ કેસ 1 હજારથી ઓછા થયા

લાંબા સમય બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 1 હજારથી નીચે આવ્યા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના 994 એક્ટિવ કેસ છે. ગઈકાલે ગુરૂવારે નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 107 દર્દીઓના સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી અને 2 દર્દીના મોત નિપજ્યા હતા. હાલ સૌથી વધુ એક્ટિવ કેસ 313 વઢવાણ તાલુકામાં છે. ધ્રાંગધ્રા તાલુકામાં 157 એક્ટિવ કેસ છે. લીંબડી તાલુકામાં 128 એક્ટિવ કેસ છે. પાટડી તાલુકામાં 107 એક્ટિવ કેસ છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 994 કોરોનાના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments