Homeગુર્જર નગરી25 ઓક્સિજન લેવલ ધરાવતા યુવાનને રાધનપુરની સરકારી હોસ્પિટલે કેવી રીતે દોડતો કરી...

25 ઓક્સિજન લેવલ ધરાવતા યુવાનને રાધનપુરની સરકારી હોસ્પિટલે કેવી રીતે દોડતો કરી દીધો ?

Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારીના કપરા સમયમાં ઘણા દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યા થાય છે. દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય ત્યારે તેને સમયસર સારવાર આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. ડોકટર દ્વારા સતત તેમના સ્વાસ્થ્યનું મોનીટરીંગ કરીને શરીરમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે.

પાટણ જિલ્લાના છેવાડાના નાનાપુરા ગામના ૨૭ વર્ષના યુવાન પ્રહલાદભાઈ ઠાકોરને કોરોના થયા બાદ રોજ શરીરમાં ઓક્સિજનનું સ્તર એકદમ ઘટીને ૨૫ થઈ ગયું હતું. જેનાથી ડરી ગયેલા પરિવારજનોએ અનેક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો પણ કોઈ નક્કર પરિણામ ન મળતા આખરે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટર અરવિંદ ચૌધરી અને એમની ટીમ દ્વારા દર્દીની સ્થિતિની ગંભીરતાને જાણીને તાત્કાલિક સારવાર કરવામાં આવી. પ્રહલાદભાઈનું ઓક્સિજન લેવલ ઊંચું લાવવા માટે એમને એનઆરબીએમ માસ્ક પર લઈને સારવાર શરૂ કરવામાં આવી. જ્યાં તેમને દરરોજ જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન અને ઈન્જેક્શન આપવામાં આવ્યા. પરિણામે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી અને ઓક્સિજન લેવલ સામાન્ય થયું. દર્દીના ફેફસાંની નળીઓ ખુલે અને મજબૂત બને એ માટે સ્પાયરોમેટ્રી થેરાપી કરવામાં આવી.

ડોક્ટર અરવિંદ ચૌધરી જણાવે છે કે કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં એમનું મનોબળ મજબૂત રહે એ ખૂબ જરૂરી છે. તેઓ સકારાત્મક બની રહે એ માટે અમે પૂરતા પ્રયાસો કરી તેમને હિંમત આપીએ છીએ. રેફરલ હોસ્પિટલ રાધનપુર ખાતે કરવામાં આવેલ સારવાર સંદર્ભે પ્રહલાદભાઈના પિતા અમૃતભાઈ ઠાકોર જણાવે છે કે અહીંના ડોકટર અને સ્ટાફે મારા પુત્રને જીવન બક્ષવા માટે ખૂબ મહેનત કરી છે. તેમના પ્રયાસોથી મારો પુત્ર આજે અમારા પરિવાર સાથે છે. આવા દેવદૂત સમાન ડોકટરોનો અમે આભાર માનીએ છીએ. કોરોનાની ભીષણ બીમારીના સમયમાં સરકારી હોસ્પિટલના ડોકટર અને સ્ટાફ પોતાની આવડત અને સૂઝ–બૂઝ થી છેવાડાના માનવીઓએ નવું જીવન આપીને એમના ચહેરા પર સ્મિત પરત લાવી રહ્યા છે.

રાધનપુરની રેફરલ હોસ્પિટલના ડોક્ટરોએ આ પ્રકારે યુવાનની સઘન અને સમયસર સારવાર કરીને તેને નવું જીવન આપ્યું છે. રેફરલ હોસ્પિટલના ડોક્ટરોએ એ વાતને પણ સાબિત કરી આપી છે કે, સરકારી હોસ્પિટલોમાં પણ સારી સારવાર થઈ શકે છે. હાલ લોકો લાખો રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે લાઈનમાં ઉભા છે ત્યારે રાધનપુરની રેફરલ હોસ્પિટલનો આ કિસ્સો સાબિતી આપે છે કે વિનામૂલ્યે થતી સરકારી સારવારથી પણ સાજા થઈ શકાય છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments